અમદાવાદમાં 2128 સરકારી આંગણવાડીઓમાંથી 1405 ભાડાના મકાનમાં ચાલે છે
મેગા સિટી ગણાતા અમદાવાદમાં 75 ટકા સરકારી આંગણવાડીઓ ભાડાનાં મકાનોમાં ચાલે છે એવું જો કોઈને કહીએ તો વિશ્વાસ ન આવે, પણ આ હકીકત છે. વાંચો આ અહેવાલ.
એકબાજુ વાઈબ્રન્ટ ગુજરાતનો મેગા જલસો ચાલી રહ્યો છે. કરોડો રૂપિયાના એમઓયુ થયાના સમાચારો આવી રહ્યાં છે, બીજી તરફ મેગા સિટી કહેવાતા અમદાવાદમાં તદ્દન પ્રાથમિક કહેવાય એવી સુવિધાઓ પુરી પાડવામાં પણ કોર્પોરેશન તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. મળતી વિગતો પ્રમાણે અમદાવાદ શહેરની કુલ 2128 પૈકી 1405 આંગણવાડીઓ ભાડાના મકાનોમાં ચાલે છે. એમાં પણ કોર્પોરેશન તો બાકીની 723 માંથી 590 આંગણવાડીને જ જગ્યા ફાળવી શક્યું છે, બાકીની 133 આંગણવાડીઓ તો સરકારી જગ્યાઓમાં ચાલે છે.
અમદાવાદના ગોમતીપુર વોર્ડના મ્યુનિ. કાઉન્સિલરો ઈકબાલ શેખ અને ઝુલ્ફીખાન પઠાણે આ મામલે વિગતો આપી છે. તેમના જણાવ્યા પ્રમાણે અમદાવાદ શહેરમાં 1,06,400 ભુલકાઓ આંગણવાડીમાં અભ્યાસ કરે છે. જેમાંથી માત્ર 25 ટકા જ માલિકીની આંગણવાડીમાં ભણે છે, બાકીના 75 ટકા ભાડાના મકાનથી ચાલતી આંગણવાડીઓમાં અભ્યાસ કરવા મજબૂર છે. ઘણીવાર મકાન માલિકો અને આંગણવાડીના કાર્યકરો વચ્ચે ભાડાની બાબતમાં તકરાર થતી હોય છે. જેની સીધી અસર બાળકોના શિક્ષણ પર થાય છે. નાનાં ભુલકાઓને માનસિક તણાવ અને અયોગ્ય વાતાવરણની વચ્ચે આભ્યાસ કરવો પડે છે.
ઈકબાલ શેખના જણાવ્યા પ્રમાણે એકલા ગોમતીપુર વોર્ડમાં જ 55 જેટલી આંગણવાડીઓ ભાડાના મકાનોમાં ચાલે છે. તેમનું કહેવું છે કે, શહેરમાં ઘણી બધી સરકારી જગ્યાઓ ખાલી પડી છે. એવામાં ભાડાનાં મકાનમાં ચાલતી આંગણવાડીઓને તે સ્થળે ખસેડવામાં આવે તો આ સમસ્યાનો અંત આવી શકે તેમ છે.
અહીં એ યાદ રાખવું રહ્યું કે, અમદાવાદ સહિત ગુજરાતની મોટાભાગની સરકારી આંગણવાડીઓમાં મુખ્યત્વે દલિત, આદિવાસી, ઓબીસી અને લઘુમતિ સમાજના ગરીબ બાળકો ભણે છે. અનેક હાડમારીઓ વેઠીને આ સમાજના સેંકડો માતાપિતા તેમના સંતાનોના ઉજ્જવળ ભવિષ્યની અપેક્ષાએ તેમને આ આંગણવાડીઓમાં મૂકતા હોય છે. એવામાં જો અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં જ આ સ્થિતિ હોય, તો રાજ્યના અંતરિયાળ ગામડાઓમાં શું સ્થિતિ હશે તેની તો કલ્પના જ કરવી રહી.
આગળ વાંચોઃ ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં SC, ST, OBCની 48 હજારથી વધુ નોકરીઓ ખાલી
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.