જૂની પેન્શન યોજનાની માંગ સાથે શિક્ષકોએ ફરી સરકાર સામે બાંયો ચડાવી
ગુજરાત(Gujarat)માં સરકારી શિક્ષણનું સ્તર સાવ ખાડે ગયું છે, બીજી તરફ શિક્ષકોએ જૂની પેન્શન યોજના(Old pension scheme)ને લઈને ફરી સરકાર સામે મોરચો માંડ્યો છે.
રાજ્યમાં શિક્ષકો માટે જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે આજે ગાંધીનગર ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાત દ્વારા એક દિવસના ધરણાં કરાયા હતા. આ ધરણાં બાદ સરકાર દ્વારા 2005 પહેલાના શિક્ષકો માટે જૂની પેન્શન યોજના અંગે ઠરાવ કરવામાં નહિ આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવી ચીમકી ગુજરાત રાજ્ય શૈક્ષિક મહાસંઘ દ્વારા ઉચ્ચારાઈ છે. તેમજ 17 દિવસ સુધી ગાંધીનગરમાં ધરણાં કરશે. ત્યાર બાદ ઓનલાઈન કામગીરી, અભ્યાસ કાર્યથી દૂર રહેશે, શાળાને તાળાબંધી કરવા સહિતના કાર્યક્રમો આપવાની ચીમકી પણ અપાઈ છે.
રાજ્ય સરકાર દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા અંગેની ખાતરી અપાયા બાદ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા શિક્ષકો ભારે નારાજ થયા છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાતના નેજા હેઠળ આજે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે રાજયભરના શિક્ષકો એક દિવસના ધરણાં માટે એકઠા થયા હતા. આજે સાંજ સુધીમાં સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. જેના કારણે આજે સાંજે ગુજરાત રાજ્ય શૈક્ષિક મહાસઘ દ્વારા જૂની પેન્શન યોજનાના મુદ્દે આંદોલન ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ અંગે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાતના પ્રમુખ દ્વારા જણાવાયું હતું કે, ચૂંટણી અગાઉ ‘રાજ્ય સરકારે ખાતરી આપી હતી કે વર્ષ 2005 પહેલાના શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે. જો કે સરકાર તેના દ્વારા અપાયેલી ખાતરીનું પાલન કરવામાં નિષ્ફળ ગઈ છે. જેના કારણે અમારે આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો છે’. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાત દ્વારા આજે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે એક દિવસીય ધારણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યભરના તાલુકાઓમાંથી શિક્ષકો એકત્રિત થયા હતા. આ ધરણાંમાં નવી પેન્શન યોજના રદ્દ કરી જૂની પેન્શન યોજના લાગુ કરવા માટેની માંગણી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: જૂની પેન્શન યોજના મુદ્દે 16 મી ઓગસ્ટે ગાંધીનગરમાં શિક્ષકોનું આંદોલન
આજે સાંજે ધરણાં પૂર્ણ થયા બાદ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાત દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, રાજ્ય સરકાર દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા માટેનો ઠરાવ નહીં કરે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે.
શૈક્ષિક મહાસંઘ દ્વારા વધુમાં જણાવાયું હતું કે, આગામી 17 દિવસ સુધી રોજ પ્રતિક ઉપવાસ ધરણાં કરવામાં આવશે. ત્યાર બાદ ઓનલાઈન કામગીરીથી દૂર રહેવામાં આવશે. ત્યાર બાદ અભ્યાસ કાર્યથી અળગા રહેવામાં આવશે અને ત્યાર બાદ શાળાને તાળાબંધી સહિતના ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
સત્યાગ્રહ છાવણી ખાતે શિક્ષકોએ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે ધરણાં શરૂ કર્યા છે. ‘એક હી વિઝન, એક હી મિશન’ જૂની પેન્શન યોજના લાગુ કરોની માંગ સાથે સુત્રોચ્ચાર કર્યા હતા.રાજ્યભરમાંથી શિક્ષકો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ ગાંધીનગરમાં એકઠા થયા છે. શિક્ષકોની રજૂઆત છે કે, થોડા સમય પહેલા જ્યારે રાજ્ય સરકાર સાથે બેઠક થઈ ત્યારે સરકારે જૂની પેન્શન યોજના અંગે ઠરાવ કરવાની બાંયધરી આપી હતી. પરંતુ, ઠરાવ ન કરતા આજે ધરણા પર બેસવું પડ્યું છે. જો સરકાર માગણી ન સંતોષે તો ફરી આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
આ પણ વાંચો: Skill India પાછળ કરોડો ખર્ચ્યા બાદ પણ દેશમાં 83 ટકા યુવાનો બેરોજગાર
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રાંત મહિલા ઉપાધ્યાક્ષ પલ્લવી પટેલે જણાવ્યું કે, ૨૦૦૫ પહેલાની જે જૂની પેન્શન યોજનાને સરકારે અગાઉ ધરણા કાર્યક્રમ વખતે સ્વિકારી હતી, છતાં વારંવાર મહાસંઘ દ્વારા રજૂઆત પછી પણ તેને લાગુ નથી કરાઈ. પેન્શન એ દરેકનો અધિકાર છે. ગયા વર્ષે પણ અમે સરકારને વિનંતી કરી હતી છતાં ગુજરાતની સરકારે આપેલું વચન પાળ્યું નથી. આજ સાંજ સુધી અમારી માંગણીને સ્વિકારો. અમારી જૂની પેન્શન યોજનાની જે માંગણી છે જે પુનઃ ૨૦૦૫ પહેલાનાઓને તો આપો જ અને ૨૦૦૫ પછીના શિક્ષકો પણ આ પેન્શન લેવાના હકદાર છે તો તેઓને પણ પેન્શન આપો.
ગુજરાત રાજ્ય અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ભીખાભાઈ પટેલે જણાવ્યું કે, અગાઉ હાલના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ એમના બંગલે બોલાવી ઠરાવ કરવા માટે આશ્વાસન આપ્યું હતું પણ હજુ સુધી કોઈ ઠરાવ કરવામાં આવ્યો નથી.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા તમામ શિક્ષક તથા કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવા, તારીખ ૧-૪-૨૦૦૫ પહેલાં નિમણૂક પામેલા તથા સમાધાન મુજબ ઠરાવ બહાર પાડવા, એન.પી.એસ. વાળા કર્મચારીઓને ૩૦૦ રજાનું રોકડ રૂપાંતર, બદલીના નિયમો સંગઠનની માગ અનુસાર બહાર પાડવા, વિદ્યાર્થી હિતમાં શિક્ષકોની પૂરા મંજૂર મહેકમ અનુસાર કાયમી ભરતી, ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષકની ભરતીના સરળ નિયમો, ભરતીનો રેશિયો ૧:2 કરવો, ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં ૪૨૦૦ ગ્રેડ-પે, ફાજલનું કાયમી રક્ષણ, સરકારી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના પડતર પ્રશ્નો તથા તમામ સંવર્ગના વિવિધ પડતર પ્રશ્નોની ચર્ચા કરાઈ હતી.આ બેઠકમાં તમામ શિક્ષક તથા કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવા.
આ પણ વાંચો: ડો. રમેશચંદ્ર પરમારઃ ગુજરાતમાં દલિત આંદોલનનો એક આક્રમક અવાજ