ડો. રમેશચંદ્ર પરમારઃ ગુજરાતમાં દલિત આંદોલનનો એક આક્રમક અવાજ

ગુજરાત દલિત પેન્થર્સના મશાલચી ડો. રમેશચંદ્ર પરમાર સાહેબના જન્મદિવસ નિમિત્તે તેમની મુખ્ય પ્રવૃત્તિઓને અહીં આવરી લેવા પ્રયત્ન કરાયો છે.

ડો. રમેશચંદ્ર પરમારઃ ગુજરાતમાં દલિત આંદોલનનો એક આક્રમક અવાજ
ફોટોઃ રાહુલ પરમાર, શામત રાજવંશી

ડૉ. બાબાસાહેબ આંબેડકરની વિચારધારાને ભારત દેશ અને ગુજરાતમાં ઘેર-ઘેર પહોંચાડવાની તમન્ના સાથે નીકળેલ મરજીવા એટલે ડૉ. રમેશચંદ્ર પરમાર સાહેબ ભૌતિક જીવનની વાસ્તવિક આવશ્યકતા અને અભાવોની પરવા કર્યા વિના સતત દલિત અધિકારો અને માનવગરિમા માટે સંઘર્ષરત રહી પોતાના જીવનના અમૂલ્ય વર્ષો ગરીબ અને દલિત સમાજના ઉત્થાન અને અધિકારો માટે ખર્ચી નાખ્યા, એટલે સ્વાભાવિક રીતે દલિત સમાજ એમને સમર્પિત નેતા તરીકે નવાજે અને સન્માને છે.
 
અભ્યાસ
ડૉ. રમેશચંદ્ર પરમારે રખિયાલ મેવોડીસ્ટ મિશન સ્કૂલમાં ઘોરણ ૧ થી ધોરણ  ૪ અને ત્યારબાદ સરસપુર મ્યુનિ. શાળા નં. 1 માં ધોરણ -૭ નો અભ્યાસ કરેલ છે. ખાડિયા ખાતે આવેલ ભારતી વિદ્યાલય અને ત્યારબાદ સરસ્વતી વિદ્યાલય, સરસપુર ખાતે અભ્યાસ કરી એસ.એસ.સી. ની પરીક્ષા ૧૯૫૫માં પાસ કરેલ હતી. શાળાની અભ્યાસેતર પ્રવૃત્તિઓ અને રમતવીર તરીકે ૧૯૫૫માં ગુજરાત રાજ્યના પ્રતિનિધિ તરીકે મુંબઈ રાજ્યની રમતંગમતની હરિફાઈમાં ભાગ લીધો હતો અને મેટ્રીકની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરી હતી. ત્યારબાદ શ્રી રામાનંદ કોલેજ ઓફ આર્ટ્સમાં ઈન્ટર સુધી અને ત્યારબાદ એચ.કે. કોલેજ ઓફ આર્ટ્સમાંથી બી.એ.ની પરીક્ષા પાસ કરી હતી. આ સમયગાળા દરમ્યાન કોલેજના જીમખાના જનરલ તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને ૪ વર્ષ સુધી સતત ગુજરાત યુનિવસીટી કબડ્ડી ટીમના સભ્ય અને કેપ્ટન તરીકે આંતરરાષ્ટ્રીય યુનિર્વસીટી સ્પર્ધામાં ભાગ લીધો હતો. ગુજરાતની શ્રેષ્ઠ ટીમ ગણાતી ડૉ.આંબેડકર સ્પોર્ટસ કલબની સ્થાપના ડૉ. રમેશચંદ્ર પરમાર સાહેબે કરી અને મુંબઈ, સોલાપુર, હૈદરાબાદ જેવા શહેરોમાં ભાગ લીધો હતો તથા અમદાવાદ ટુર્નામેન્ટોમાં અનેક શીલ્ડ જીત્યા હતા અને એથ્લેટીકસમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરેલ હતું. 


નાનપણથી જ ડૉ. રમેશચંદ્ર પરમાર સાહેબના પિતાજી મિલ કામદાર હોવાને કારણે બાબાસાહેબની સાથે સંકળાયેલા હતા પરમાર સાહેબ નાની વયના હતા ત્યારે બાબાસાહેબ ને રખિયાલ અમદાવાદ ખાતે મળવાનો મોકો તેમને મળ્યો  અને તેમની માતા જીવીબા ને પણ બાબાસાહેબ ને જમાડવાનો મોકો મળ્યો ત્યારથીજ ડૉ. રમેશચંદ્ર પરમા સાહેબ આંબેડકરવાદના રંગે રંગાયા હતા કઇક નવુ અભ્યાસ કરવાની આતુરતા તેમને ડૉ. બાબાસાહેબ આંબેડકર અને ડૉ. લોહિયાના ગ્રંથો વસાવવાનો અને અભ્યાસ કરવાનો શોખ યુવાવયથી જ કેળવ્યો હતો.૧૯૯૩માં ગુજરાત યુનિર્વસીટીમાંથી ભારતીય રાષ્ટ્રવાદ, સમાજવાદ અને ડૉ. રામમનોહર મહાનિબંધ લખી ડૉકરેટની પદવી (PHD) પ્રાપ્ત કરી. 

સામાજિક પ્રવૃત્તિઓ 
ડૉ. રમેશચંદ્ર પરમારની જાહેર જીવનની સામાજિક પ્રવૃત્તિઓ ખૂબજ જાણીતી છે. પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાને લીધે મેટ્રીકની પરીક્ષા પછી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી મેળવી અને કોલેજમાં ૧ વર્ષ પછી. દાખલ થયા રખિયાલ રોડ પર આવેલી ખાડાવાળી ચાલી જેને હવે ભારતીયનગર તરીકે ઓળખવામાં આવે છે ત્યાં ૧૯૫૧માં દલિત નવયુવકોના વિકાસ થાય તે માટે "ભારતીય નવયુવક મંડળ" અને માનસિક વિકાસ થાય તે માટે "વિચાર-વિનિમય સભા”ની સ્થાપના ૧૯૫૪માં તેમણે કરી જેમાં ગણમાન્ય કવિઓ, લેખકો અને વિચારકોને તે સમયના સાંપ્રત પ્રવાહો પર પ્રવચનો માટે નિમંત્રણ આપી ચર્ચા સભાઓ યોજતા હતા. આ પ્રવૃત્તિ લગભગ ૭ વર્ષ સુધી વસંતલાલ ચૌહાણના માર્ગદર્શન હેઠળ નિયમિત ચાલી,  તે દરમ્યાનમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિની સતત ઉજવણી ચાલતી હતી. ૧૯૫૮માં “રીપબ્લીકન સ્ટુડન્ટ ફેડરેશન"ની સ્થાપના કરી અને વિદ્યાર્થીઓના પ્રશ્નો અંગે જાગૃતિ ફેલાવી. યુવકો વાંચતા અને વિચારતા થાય તે માટે પુસ્તકાલય અને વાંચનાલય સ્થાપવાનો વિચાર આવ્યો તેથી ભારતીય નવયુવક મંડળના ઉપક્રમે પુસ્તકાલય અને વાંચનાલય ૧૯૫૩ થી ૧૯૫૭ સુધી ચલાવ્યું. જેનાથી અનેક યુવકોને સામાન્ય જ્ઞાનનો ફાયદો થયો. પ્રૌઢ શિક્ષણના વર્ગો ૧૯૫૭ થી ૧૯૫૯ સુધી ચલાવ્યા અને હિન્દી પ્રચારક મંડળ વર્ષાની પરીક્ષામાં યુવકોને બેસાડયા. અમદાવાદ વ્યાયામ પ્રચારક મંડળ સાથે ગિધ્ધ વ્યાયામ વર્ગોમાં યુવકોને દાખલ કરાવ્યા અને અમદાવાદ, સુરત, આણંદ વગેરે સ્થળોએ મોકલી પરીક્ષાઓ અપાવી તૈયાર કર્યા. એડવોકેટ ગણપતભાઈ રૂપાલા સાથે મળી 'ગુજરાત દલિત સમાજ સંઘ'માં કારોબારી સભ્ય તરીકે ભાગ લઈ સરગાસણ તથા અન્ય સ્થળોએ દલિતો પર થતાં અત્યાચારોનો સામનો કરવા સભા-સરઘસ અને સંમેલનો યોજ્યા તથા પ્રવૃત્તિઓના પ્રચાર માટે ‘પરિવર્તન’ માસિક પત્રિકા શરૂ કરી અને ૧૯૫૯-૬૧માં તેનું સંપાદન કર્યું. 

સને-૧૯૫૫ થી ૧૯૫૬ના અરસામાં રખિયાલ વિસ્તારમાં અસામાજિક તત્વો અને ગુંડાઓ દલિતોની વસ્તીમાં આવી તોફાનો કરતાં અને પગારના દિવસે મીલ કારીગરોના પૈસા લૂંટી લેતાં. આ અસામાજિક તત્વોના અન્યાય સામે લડાયક સંગઠન ઉભું કર્યું અને કોઈપણ ગુંડો વસ્તીમાં કોઈપણ બદમાશી કરે તો સામૂહિક રીતે સીધો જ મુકાબલો કરવો એવું નક્કી કર્યું. બે વર્ષ સુધી સતત લડત અને સાવચેતીથી ગુંડાઓ અદ્રશ્ય થયા. પોલીસનો પણ સાથે સહકાર મળ્યો. બહેન-દીકરીઓની મશ્કરી કરતાં તત્વો ભાગી છુટયા. રખિયાલ અને રાજપુર વિસ્તારમાં યુવકોની વ્યાયામ પ્રવૃત્તિઓના વિકાસ માટે શ્રી વસંતલાલ ચૌહાણ સાથે ઠેર ઠેર યુવક મંડળીઓની સ્થાપના કરી દલિત વિસ્તારના રક્ષણ માટેની સશક્ત સંગઠનો ઉભા કર્યા. 
 
સાહિત્યિક પ્રવૃત્તિઓ અને સામયિકો
ડૉ. રમેશચંદ્ર પરમાર સાહેબ શાળા જીવન દરમ્યાન ‘બ્યૂગલ’ અને ‘પડઘમ’ નામના હસ્તલિખિત પત્રોના તંત્રી તરીકે પ્રારંભિક વર્ષોમાં જ સાહિત્યિક પ્રવત્તિઓ શરૂ કરેલી. વાંચન અને લેખનનો શોખ હોવાથી સાહિત્યનો શોખ જીવનના છેલ્લી ઘડી સુધી બરકરાર રહ્યો છે. સને ૧૯૬૦માં શ્રી ગણપત રૂપાલાના તંત્રીપદે ‘પરિવર્તન’ નામનું સમાચાર પત્ર શરૂ થયું તેના સંપાદક મંડળમાં રહી સંપાદનનું કામ ત્રણ વર્ષ સુધી કર્યું. 


દલિત પેંથર દ્વારા ‘પેંથર’ માસિક પત્ર શરૂ કર્યું. જેનું સમગ્ર સંપાદન-પ્રિન્ટીંગ વગેરેની જવાબદારી સંભાળી. ૧૯૭૫ થી આ પત્ર નિયમિત પાંચ વર્ષ ચાલ્યું હતું. પુનઃ ‘પેંથર ન્યૂઝ’ નામનું પત્ર અમદાવાદથી શરૂ કર્યુ પણ આર્થિક સંકડામણને કારણે તે બંધ કરવું પડયું. ૧૯૭૪માં ‘તમજ્ઞા’ અને  ‘આર્તનાદ’ માસિક પત્રિકાઓનું સંપાદન ટૂંક સમય માટે કર્યું. ઉદેપુરથી પ્રસિધ્ધ થતાં ‘પરિવર્તન પ્રભાકર’ નામના પખવાડિક પત્રના સંપાદન મંડળમાં કાર્ય કર્યું. જૂનાગઢથી પ્રસિધ્ધ થતાં ‘પ્રબુદ્ધ આંબેડકર’ પત્રના પ્રતિનિધિ તરીકે કાર્ય કર્યું.

 
ધ્રાંગધ્રાના ‘બુધ્ધવંદના’ અને સુરેન્દ્રનગરના ‘કાઠીયાવાડ સમાચાર’ ના પ્રતિનિધિ તરીકે પણ કામ કર્યું. દલિત  સાહિત્યને સમર્પિત ‘આક્રોશ ઋતુંપત્ર’ ના ચારેક અંક પ્રસિધ્ધ કર્યા અને સરકારે કેસ કર્યા. પરિણામે આક્રોશ બંધ કરવું પડયું. છેલ્લા ૪૦ વર્ષથી બેંગ્લોરથી પ્રસિધ્ધ થતાં અંગ્રેજી  પખવાડિક પત્ર 'દલિત વોઈસ'ના સંપાદક મંડળમાં કાર્યરત રહ્યા.

સીસ્ટર અફુલીમાલી કુનુવા ઓલાડે એમના સાથીદારો અશ્વેતોના સાહિત્યોનું એક પત્ર ચલાવતા હતા જેનું નામ Black Star (કાળો સિતારો) છે. જેમાં અમેરિકા આફ્રિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ અમેરિકાના કર્મશીલો અને બૌદ્ધિકો સંપાદક મંડળમાં સામેલ છે. આ પત્રમાં Wole Soyinka Nigeria) Soina Sanchis (USA) Haki Madhubuti (USA)Gwen  Brooks, Noel Walcolt, (Jamaica) Judi Abibu (Nigeria) OPOT P. Bitek (Kenya) જેવા સાહિત્યકારો ‘બ્લેક સ્ટાર'ના સંપાદકો છે. એશિયામાથી દલિત પેંથર - ગુજરાતના અધ્યક્ષ શ્રી રમેશચંદ્ર પરમાર સાહેબને તે જમાનામાં ‘બ્લેક સ્ટાર’ ના સંપાદક મંડળમાં સમાવવામાં આવ્યા હતા તે પૂરા એશિયા ખંડ માટે બહુજ મોટી ગર્વ ની વાત હતી.
 
ડૉ. રમેશચંદ્ર પરમારે ડૉ. બાબાસાહેબ આંબેડકરના સાહિત્ય તથા વિચારોથી દલિત સમાજ જાણકાર થાય તે માટે ‘દલિત પેંથર પ્રકાશન’ ના નેજા હેઠળ ૧૯૭૪ માં ડૉ. બાબાસાહેબ આંબેડકર જન્મ શતાબ્દી ઉજવણી ટાણે સસ્તા અને વિગતવાર પુસ્તકો દલિતોને મળે તે માટે ૧૦૦ પુસ્તકો પ્રસિધ્ધ કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. જુદા જુદા લેખકો પાસે પુસ્તકો લખાવવા-અનુવાદ કરવાનું કામ આરંભ્યું હતું અને નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી હતી.
 
રાજકીય પ્રવૃત્તિઓ
ડૉ.રમેશચંદ્ર પરમાર સાહેબ દ્વારા સામાજિક પ્રવૃત્તિઓની સાથે સાથે અનેકવિધ રાજકીય પ્રવૃત્તિઓમાં સામેલ થયેલ. રખિયાલ રોડ રાજકીય કાર્યકરોથી ભર્યોભાદયોં હતો અહીં સમાજવાદી, સામ્યવાદી અને મજૂર મહાજનની પ્રવૃત્તિઓ થતી. પરિણામે શાળા જીવનથી જ રાજકીય પ્રવૃત્તિઓ જોવા જાણવા મળી. ખાડાવાળી ચાલીમાં બાબાસાહેબ આંબેડકર અને પ્રો. એન. શિવરાજ આવેલા. ડૉ. રમેશચંદ્ર પરમારના પિતા પણ ડૉ. બાબાસાહેબ આંબેડકરના રંગે રંગાયેલા એટલે ડૉ. બાબાસાહેબ આંબેડકર અને શિડયુલ કાસ્ટ ફેડરેશન તરફ બાળપણથી જ આકર્ષણ હતું. 


દિવંગત. કરશનદાસ પરમાર સંસદસભ્ય બન્યા ત્યારે યુવાવસ્થાથી જ રિપબ્લીકન પાર્ટીના આંદોલનો અને દલિત કામદાર જાગૃતિના કાર્યક્રમોમાં સક્રિય ભાગ લીધો. મહાગુજરાત ચળવળ, નવનિર્માણ આંદોલન અને રિપબ્લીકન પાર્ટી દ્વારા યોજાયેલી ડોફર્સ ચળવળ અને ભૂમિહિનોના આંદોલનમાં આગેવાનીપૂર્વક ભાગ લીધો. સૌરાષ્ટ્રમાં ભૂમિહિનોની ચળવળ અને આંદોલનમાં યાદ કરવા જેવાં નામોમાં સ્વ. મૂળદાસબાપુ (જુનાગઢ), સ્વ. ધર્મબંધુ પાગલ બાબા(કેશોદ),  સ્વ. હમીરભાઈ મહિડા(શાપુર),  ઉગાભાઈ મહિડા (બડોદર),  ગોવિંદભાઈ સોંદરવા(અમરેલી), ઉકા એભા વાઢેર(સુત્રાપાડા), સોમાવાલા ચાંડપા(વેરાવળ), રામા બેચર ચાવડા,  ગોવિંદ ધાંધલ, વીરા વેજા સોંદરવા ઉપરાંત અનેક વડીલોએ તન, મન, ધનથી સ્વાર્પણ કરેલું છે. 
જયારે પક્ષના નેતાઓએ જેલવાસ ભોગવ્યો ત્યારે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, જામનગર, પાલનપુર અને અમદાવાદમાં ભૂમિહિનોની માંગણીઓ બુલંદ કરવા સભા, સરઘસો, સત્યાગ્રહ અને જેલભરો આંદોલનનું સક્રિય સંચાલન  યુવા નેતા તરીકે કર્યુ. ત્યારથી આખા ગુજરાતે તેમની દલિતો વંચિતોના નેતા તરીકે સ્વીકાર્યા. ધારાસભાને ઘેરાવ, તાળાબંધી અને દલિત અત્યાચાર વિરૂદ્ધ આંદોલનોમાં ન્યાય માટે સંઘર્ષ કર્યો. રીપબ્લીકન પાર્ટી તરફથી અમદાવાદની લોકસભાની બેઠક પર ઈંદુલાલ યાજ્ઞિક સામે ચૂંટણી લડી પણ તેમાં પરાજય થયો. રિપબ્લીકન પક્ષ(ખોબ્રાગડે ગ્રુપ)ના ગુજરાતના મહામંત્રી તરીકે દલિતો, આદિવાસીઓ અને આમ જનતાના પ્રશ્નો માટે સરકારમાં રજૂઆતો અને આંદોલનો કર્યા. ગુજરાત ભરના તમામ જીલ્લાઓમાં પક્ષને મજબુત કર્યો. 

દલિત પેંથરની સ્થાપના 
મુંબઈમાં દલિત પેંથરના યુવકો પર વર્લીકાંડ પછી જે સંઘર્ષ થયો હતો ત્યારે દલિત આગેવાનોએ મુંબઈના યુવા નેતાઓને અમદાવાદ બોલવ્યા અને વિશાળ રેલી અને સભા કરી અને ગુજરાતમાં પેંથરની ચળવળ ચલાવવાનો વિચાર અમદાવાદના બુદ્ધિજીવી યુવક આગેવાનોએ કર્યો ત્યારે દલિત પેંથરની આગેવાની લીધી અને ગુજરાત ભરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરનો શિક્ષિત બનો, સંગઠીત બનો અને સંઘર્ષ કરો નો નારો ચરિતાર્થ કર્યો. ગુજરાતના મોટાભાગના જીલ્લામાં દલિત પેંથરના એકમો ઉભા કર્યા. આ ચળવળમાં ડૉ.રમેશચંદ્ર પરમાર સાથે દિવંગત નારણભાઈ વોરા, દિવંગત નગીનભાઈ પરમાર, વાલજીભાઈ પટેલ, નટુભાઈ સોલંકી(કડી),  પી. ડી. વાઘેલા, દિવંગત બકુલ વકીલ, દલપતભાઈ શ્રીમાળી, ઈશ્વરભાઈ સોલંકી, મંગલ સુરજકર, ટી સી પરમાર, જે કે ચૌહાણ, બાબુભાઇ પરમાર, મહેશ પરમાર, ધીરુભાઇ રૂપાલા, દિનેશ રૂપાલા, કિરિટ વાઘેલા, પ્રવિણ રૂપાલા, બાબુભાઈ રૂપાલા, ગોવિંદભાઈ ગોહેલ, ડી.એ. રાઠોડ, રમણલાલ પરમાર, કે. ડી. પરમાર, ચિરાગ રાજવંશ, રાજુ પરમાર,  જીતુભાઈ પરમાર, સુરેશ આગજા, મગનલાલ કોન્ટ્રાકટર, શામત પરમાર, ટોની પરમાર, બળવંતસિંહ સોલંકી,  જે.ડી. પરમાર, બાબુલાલ લેઉવા, બાબુલાલ પરમાર અને અસંખ્ય યુવકોએ ડૉ. રમેશચંદ્ર પરમાર સાહેબનની આગેવાનીમાં  સંગઠનમાં જોડાઈને દલિત અત્યાચારોનો પ્રતિકાર અને વંચિત ઉત્થાનના કાર્ય ક્રમો અમલમાં મૂક્યા. સમગ્ર ગુજરાતમાં દલિત જાગૃતિની લહેર ઊઠી. ચંદ્રસિંહ મહિડા(જૂનાગઢ), ગૌતમ ગોહેલ(એડવોકેટ), બી. કે. પરમાર(ગાંધીનગર),  બાલુભાઈ સોચા(કોડીનાર),ભાણજીભાઈ બગડા(અમરેલી),  લાખાભાઈ પરમાર (જૂનાગઢ),  બી. ટી. મેવાડા(જુનાગઢ),  પરબત મેવાડા(માંગરોળ),  મીઠાભાઈ રાવલીયા(માંગરોળ), અમરસિંહ બથવાર(ભાણવડ), પુનમભાઈ ઝાલા(ઉના),  નાનજીભાઈ ચાવડા(કેશોદ),  દેવજીભાઈ પરમાર(તલાળા),  વીરાભાઈ સોંદરવા(તલાળા),  નગાભાઈ ચાવડા(ભૂસિયા),  આલજીભાઈ પરમાર(સુરેન્દ્રનગર),  દિનકર આલા ચાવડા(પીખોર),  દાનાભાઈ ગોહેલ(પાણીદ્રા),  મહેશ વાઘેલા(ધાંગધ્રા),  હરીભાઈ વાઘેલા(રાણપુર), શાંતિલાલ પરમાર(હળદરવાસ),  મહેશભાઈ સોલંકી, રામસિંહ સોલંકી(મહેસાણા), અરવિંદ પરમાર(વડોદરા), દિવંગત રોબર્ટ પરમાર(વડોદરા),  રમણલાલ પરમાર(જેતલપુર) જેવા અનેક લડાયક યુવકોએ ગુજરાતમાં દલિત પેંથરની ચળવળમાં ભારે ભોગ આપ્યો છે અને અન્યાય-અત્યાચારનો મુકાબલો કરી દલિત ચેતના જગાવી છે.૧૯૭૪ થી માંડી આજ સુધી દલિત પેંથર દ્વારા દલિતોની અસ્મિતા પ્રગટાવવા આંદોલન, સાહિત્યિક ચળવળ અને અન્યાયનો મુકાબલો કરવાના કાર્યક્રમો ચાલે છે અને ધરપકડો વ્હોરી છે અને જેલવાસ ભોગવ્યો છે. ૧૯૮૧માં ગુજરાતમાં ફાટી નીકળેલા અનામત વિરોધને નામે દલિતો વિરૂદ્ધ જે જાતિયુદ્ધો ફાટી નીકળેલા તેનો શક્તિસભર મુકાબલો ગુજરાત ભરમાં ફરી સમાજના સહકારથી કર્યો. અમદાવાદ શહેર, અમદાવાદ જિલ્લા, મહેસાણા જિલ્લો અને ખેડા જિલ્લામાં અનામત વિરોધના નામે દલિતો પર હુમલા થવા અને લોકોને હિજરત કરવી પડી ત્યારે ફુલચંદની ચાલી, રાધેશ્યામની ચાલી-સરસપુર, શિવાજીનગર હા. સોસાયટી, નરોડા, બી.કોલોનીના છાપરા, સિવિલ હોસ્પિટલ પાછળ, રાહીદ મણીલાલ કોલોની, ઓઢવ, ફુલચંદનની નવી ચાલી, સાણોદા ગામ, નર્મદાનગર સોસાયટી, દેત્રોજ ગામ, બિલિયા, પીજ, કડજોદરા, ઉત્તરસંડા, સિદ્ધાર્થ સોસાયટી કલોલ, તિરૂપતી સોસાયટી, રાણીપ, શિવાનંદનગર, સાબરમતી, ભોગીલાલની ચાલી અસારવા, ગોઝારીયા વગેરે સ્થળોએ જાત મુલાકાત લઈ રાહત અને સહાય સહિત કાનૂની પગલા લેવા સરકારી એજન્સીઓને અને કોર્ટમાં રજૂઆત કરી ગુજરાતના દલિતો વતી હૂંક આપી. પરિણામે ગુજરાતભરમાં સ્વયંભૂ પેંથરના એકમો સક્રિય કાર્ય કરવા લાગ્યા. દલિતો પરના અત્યાચારનો મુદ્દો મહત્વનો હોવાથી ગુજરાતભરમાં દલિત પેંથરના એકમો દ્વારા જનજાગૃતિ અને શક્તિસંચયના કાર્યક્રમાં ચાલતા રહ્યા છે. ૧૯૮૧ના આંદોલનોને કારણે ધરપકડો અને જેલવાસ ભોગવવો પડયો હતો. જેતલપુર હત્યાકાંડથી માંડીને કડી અને ભાટના હત્યાકાંડો વિરૂદ્ધ અનેક સ્થળે દલિત પેંથરે  સક્રિય ભૂમિકા ભજવી છે. ગુજરાતભરમાં દલિતો પર થયેલા અત્યાચારો અંગે જાતમાહિતી લેવા સ્થળ મુલાકાનો લઈ ન્યાય મેળવવાના કાર્યક્રમો ડૉ. રમેશચંદ્ર પરમાર સાહેબ ની આગેવાનીમાં થયા છે.

દલિત પેંથરના પ્રથમ અધિવેશન મે ૧૯૭૮માં નાગપુર મુકામે યોજાયું. ત્યારે તેના ઉદ્ઘઘાટ્ક પ્રમુખ તરીકે દલિત પેંથરની તાત્વિક ભૂમિકા પર માનનીય પ્રવચન આપી પત્ર નીતિ વક્તવ્યનો નવો મુસદ્દો તૈયાર કર્યો હતો. ૧૯૮૨માં દિલ્હી ખાતે યોજાયેલ બીજા રાષ્ટ્રીય અધિવેશનમાં માઈસાહેબ આંબેડકર સાથે અધ્યક્ષપદ સંભાળ્યું. ફગવારા(પંજાબ), કાનપુર, ભોપાલ, ઔરંગાબાદ, નાગપુર, મુંબઈ, સોલાપુર અને દિલ્હી સહિત દેશભરમાં થયેલા દલિત પેંથરના આંદોલનોમાં ભાગ લીધો. ગુજરાત રાજ્યમાં પંચાયતી રાજ્યની સ્થાપના થયા પછી દલિતો પર ગ્રામ-પંચાયતના સ્તરે વહીવટી દ્રષ્ટીએ અન્યાય થાય નહી તે માટે સામાજિક ન્યાય સમિતિઓની સ્થાપના પંચાયતમાં જ કરવામાં આવશે. જેમાં દલિત ચૂંટાયેલા સભ્યો સામાજિક ન્યાયની ફરિયાદો પર ધ્યાન આપે. આ સમિતિઓના અધિકારો અને પ્રવૃત્તિઓ અંગે ગુજરાતના વિવિધ જીલ્લાઓમાં તાલિમ અને અધિકારની જાણકારી માટે સેન્ટર ફોર સોશ્યલ સ્ટડીઝ, સુરતના ઉપક્રમે અમદાવાદ જીલ્લો, ધંધુકા, રાણપુર, મહેસાણા જિલ્લો, ખેડા જિલ્લો અને જુનાગઢ જીલ્લાની સમિતિઓના સભ્યોને બે દિવસના સેમિનારમાં નિમંત્રણ આપી વિવિધ અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા તાલીમ આપી મહત્વનું કામ ડૉ. રમેશચંદ્ર પરમારે પાર પાડયું. સંસ્થાગત પ્રવૃત્તિઓને લીધે તથા અન્ય સામાજિક સંસ્થાઓએ વિવિધ વિષયો પર યોજેલ સેમિનારોમાં ભાગ લેવા માટે ગુજરાતના વિવિધ જીલ્લાઓ ઉપરાંત બહારના પ્રાંતોમાં અવાર નવાર જવાના અને રાજ્ય સ્તરીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના સેમિનારોમાં ભાગ લેવાના અવસરો પ્રાપ્ત થયો હતો.

 

અત્યારે દલિત પેંથરના અધ્યક્ષ રાહુલભાઈ પરમારની આગેવાનીમાં દેશભરમાં દલિત પેંથરની ચળવળ મજબૂત થઈ રહી છે. તેમની સાથે ખભેખભો મિલાવીને મહામંત્રી કૃણાલભાઇ સોલંકી, સંગઠક ચિરાગભાઇ મહેરિયા, કૌશલભાઇ આસોડિયા, જયેશભાઈ પરમાર, નિમેષભાઇ પરમાર, ભાવિકભાઇ રામકર, રીટાબેન પરમાર અને ગુજરાતના દરેક જિલ્લામાંથી અસંખ્ય કાર્યકરો પેંથરની ચળવળ સાથે જોડાયેલા છે અને પેંથર ચળવળ મજબૂત કરી રહ્યા છે.

  • રાહુલ પરમાર (લેખક દલિત પેન્થર ગુજરાતના વર્તમાન અધ્યક્ષ અને શ્રી રમેશચંદ્ર પરમાર સાહેબના પૌત્ર છે)

આગળ વાંચોઃ ‘દલિત પેન્થર્સ’ના મશાલચી ડૉ. રમેશચંદ્ર પરમાર (1935-2016)


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • જે કે ચૌહાણ
    જે કે ચૌહાણ
    ભારતીય દલિત પેન્થર્સ, જિંદાબાદ.