અનોખા સમાજ સુધારક: નારાયણ ગુરુ
લેખકઃ ચંદુ મહેરિયા
દેશનું સૌથી વધુ સાક્ષર રાજ્ય કેરળ વિકાસ અને માનવ વિકાસમાં પણ અગ્રીમ છે. કેરળમાં જ સ્વતંત્ર ભારતની સૌ પ્રથમ સામ્યવાદી સરકાર ઈ.એમ.એસ. નાંબુદ્રીપાદના નેતૃત્વમાં રચાઈ હતી. પણ હાલનું પ્રગતિશીલ અને આધુનિક કેરળ ઓગણીસમી સદીમાં દેશના બીજા કોઈપણ રાજ્ય જેવું જ પછાત, અંધશ્રધ્ધાળુ, કુરીતિઓમાં ડૂબેલું અને ભેદભાવનું ભારખાનું હતું. તેમાં કથિત શૂદ્રો અને અતિશૂદ્રોની હાલત ભારે કફોડી હતી.
વર્તમાનમાં અનુસૂચિત જાતિ કે દલિતો તરીકે ઓળખાતા પંચમવર્ણી અસ્પૃશ્યો પ્રત્યે અડવાની જ નહીં જોવાની પણ આભડછેટ પળાતી હતી. ગામના સાર્વજનિક સ્થળોએ તેમને પ્રવેશ મળતો નહોતો. મંદિરોમાં તો તે જઈ શકતા નહોતા પણ તેમના અલગ મંદિરો નાના અને ઘાસપાનના બનાવવા પડતા હતા. તેમાં હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિ રાખી શકાતી નહોતી. આ અમાનવીય સ્થિતિથી ક્ષુબ્ધ થઈને જ સ્વામી વિવેકાનંદે તેમના ભારતભ્રમણ દરમિયાન આ પ્રદેશ જેવું અસ્પૃશ્યતાના આચરણનું પાગલપન બીજે ક્યાંય નહીં જોયાનું નોંધ્યું હતું.
ઓગણીસમી સદીમાં જન્મેલા નારાયણ ગુરુ(૧૮૫૬- ૧૯૨૮) જ આજના આધુનિક કેરળના પાયોનિયર છે. એજવા નામક શૂદ્ર ગણાતી જ્ઞાતિમાં જન્મેલા આ અનોખા સમાજસુધારક, ફિલસૂફ અને આધ્યાત્મિક ગુરુએ સમાજમાં પ્રવર્તતા જ્ઞાતિગત ભેદભાવો અને ધાર્મિક સંકીર્ણતાઓને પડકારી કેરળને આધુનિકતા તરફ દોર્યું હતું.
૨૦ ઓગસ્ટ ૧૮૫૬માં, કેરળના નાનકડા ગામમાં, શિક્ષક પિતાને ત્યાં નારાયણ ગુરુનો જન્મ. બાળસહજ જિજ્ઞાસા અને શરારત તેમનામાં હતી. અસ્પૃશ્યનો સ્પર્શ કરવાથી અપવિત્ર થવાય અને સ્નાન કરવું પડે તેવું માનનારાઓ સ્પૃશ્યોને અસ્પૃશ્યને અડીને પછી અડી આવે એવું એમનું શરારતી વર્તન એમના ભવિષ્યના યુગકાર્યનું ધ્યોતક હતું. વિચિત્ર પોષાકધારી સાધુને ચીડવતા અને પથ્થરો મારતા સાથી નિશાળિયાઓને અટકાવી ના શકતો આ બાળ નાણુ રડવા માંડે છે ત્યારે ભાવિમાં તેની કરુણા અને સહાનુભૂતિ કોના તરફ રહેશે તે પણ જણાઈ આવે છે. માતૃભાષા મલયાલમ ઉપરાંત સંસ્કૃત, તેલુગૂ અને તમિળમાં તેમણે મહારત હાંસલ કરી હતી. પણ અંગ્રેજીથી દૂર રહ્યા હતા.
એકાંતમાં ધ્યાન, સાધના અને તપસ્યા, ઉપનિષદો સહિત તમામ ધર્મના પુસ્તકોનો અભ્યાસ અને ભ્રમણ તેમણે કર્યા હતા. પરંતુ તે ધર્મ-આધ્યાત્મ કરતાં વધુ તો લોકોને પીડી રહેલી સમસ્યાઓનું સમાધાન શોધવા માટેના હતાં. સમગ્ર કેરળ ઉપરાંત દેશ આખાના ભ્રમણ દરમિયાન તેઓ અછૂતો, પછાતો, પીડિતો અને દીન- દુખિયાની વચ્ચે સવિશેષ રહ્યા. ત્યારે અને અત્યારે કેરળની વસ્તીમાં જેમનો મોટો હિસ્સો છે તે ખ્રિસ્તીઓ અને મુસ્લિમો સાથે પણ રહ્યા હતા. ઈ.સ. ૧૯૦૪માં વરકલાની એક પહાડી પર પોતાની તમામ પ્રવૃતિઓનું મુખ્ય મથક બનાવ્યું જેને શિવગિરી નામ આપ્યું હતું.
નારાયણ ગુરુએ ઘણા મંદિરોનું નિર્માણ કર્યું પણ તેની સાથે જ શાળા, લાઈબ્રેરી, બગીચો, સભાગૃહ અને રોજગાર માટે કાંતણ-વણાટ કેન્દ્ર હોય તે અનિવાર્ય હતું. જેથી આ પરિસરો નાણાકીય, સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃતિઓ કરતાં સામાજિક ઉત્થાનના ધામ બની રહે. શિવગિરીનું મંદિર બાંધકામમાં જ નહીં પૂજા-વિધિમાં પણ સાવ જૂદું હતું. અષ્ટકોણીય શારદા મંદિરમાં હવા-ઉજાસ માટે બારીઓ રાખી હતી. ફૂલો સિવાય મંદિરમાં કશું જ ચઢાવી શકાતું નહોતું. તેના સઘળા પૂજારી ધાર્મિક મંત્રોના પોપટપાઠ કરતા પૂજારીને બદલે ધર્મના સાચા જ્ઞાતા અસ્પૃશ્યો હતા.
નારાયણ ગુરુ નિર્મિત મંદિરો દલિતો સહિત તમામ માટે ખૂલ્લા રહેતા. તેમની સ્કૂલો અને હોસ્ટેલોમાં દલિત વિદ્યાર્થી ભણતા અને રહેતા હતા. અસ્પૃશ્યો માટે કથિત ઉચ્ચ વર્ણના દેવની પૂજા વર્જિત હતી ત્યારે તેમણે સમય-સંજોગોને આધીન રહીને દલિતો માટે અલગ મંદિરો પણ બાંધ્યા હતા. જોકે દલિતોના મંદિરોમાં તેમના માટે પ્રતિબંધિત ઉચ્ચ વર્ણના દેવોને પ્રતિષ્ઠિત કરીને નવો પડકાર ઉભો કર્યો હતો.
૧૯૧૭માં તેમણે મંદિરોને બદલે નિશાળો બાંધવા હાકલ કરી. શાળા જ ખરું મંદિર છે એમ જણાવી તેમણે મંદિરો પાછળ નાણાં ખર્ચવાને બદલે શિક્ષણ પાછળ ખર્ચવા અનુરોધ કર્યો હતો. મંદિરોને કારણે જ્ઞાતિના બંધનો ઢીલા થવાની પોતાની માન્યતા ખોટી ઠરી છે તેમ સ્વીકારીને ગુરુએ લોકો જ્ઞાન પ્રાપ્ત કરે અને શિક્ષિત બને તે માટે શાળાઓ બાંધવા પર સવિશેષ લક્ષ્ય આપ્યું હતું.
જાતભાઈઓ એજવા અને દલિતોના વિકાસ માટે તેમણે શિક્ષણ અને રોજગારને પ્રાધાન્ય આપ્યું હતું. કન્યા શિક્ષણ અને અંગ્રેજી શિક્ષણમાં સમાજના આગેકદમ માટે હંમેશા પ્રયાસરત રહ્યા. કેરળમાં નારિયેળ અને રેસા પ્રચુર માત્રામાં પેદા થાય છે, જેની નિકાસ કરવામાં આવે છે. તેમાંથી બનેલી વસ્તુઓ ઉંચા ભાવે આયાતથી ખરીદાય છે. તેનું કારણ ઉત્પાદનના જ્ઞાનનો અભાવ હતું. એટલે ગુરુએ તે જ્ઞાન મેળવવા અને કેરળમાં જ તેનું ઉત્પાદન કરવા જણાવ્યું હતું. શિક્ષણ જાગૃતિના તેમના પ્રયાસોને લીધે જ આજે ગુરુની સવિશેષ અસરવાળા દક્ષિણ કેરળમાં ભાગ્યે જ કોઈ એજવા યુવક-યુવતી એવા હશે જેમણે અનુસ્નાતક કક્ષા સુધીનું શિક્ષણ ના મેળવ્યું હોય!
એક દેશ, એક ધર્મ, એક જ્ઞાતિ અને એક ઈશ્વરનો સંદેશ નારાયણ ગુરુએ આપ્યો હતો. તેઓ તમામ વિવિધતા છતાં જેમ એક દેશ શક્ય છે તેમ એક માત્ર ધર્મ, જ્ઞાતિ અને ઈશ્વર એટલે માનવ એવો ઉપદેશ આપ્યો હતો. ગુરુ નિર્મિત અરુવીપુરમના મંદિરના શિલાલેખમાં તેમની કવિતા કોતરાઈ છે. જેમાં લખ્યું છે:
આ એક આદર્શ નિવાસ
જ્યાં રહે છે માનવી ભાઈભાઈની જેમ
ધાર્મિક દ્વેષભાવ અને જ્ઞાતિગત સંકીર્ણતાઓથી મુક્ત થઈને.
જ્ઞાતિમીમાંસા નામક કવિતામાં તેમણે ઈતિહાસ, તર્ક અને વાસ્તવના આધારે માનવીની એક જ જ્ઞાતિ હોવાનું દર્શાવ્યું છે. વર્ણ વ્યવસ્થાના વિરોધી નારાયણ ગુરુએ આંતરજ્ઞાતિય અને લગ્નોને જ્ઞાતિનિર્મૂલનના ઉપાય બતાવ્યા છે.
૪૩ પધ્ય અને ૨ ગધ્ય સાથે નારાયણ ગુરુ ૪૫ પુસ્તકોના રચયિતા છે. મલયાલમ, તમિલ, તેલુગુ અને સંસ્કૃત ભાષામાંમાં તેમની રચનાઓ છે. ત્રણ અનુવાદના પુસ્તકો પણ છે. જોકે સૌથી વધુ પુસ્તકો તેમણે સંસ્કૃતમાં લખ્યા છે. આ રચનાઓ કવિતા, ભજન, નિબંધ અને સંશોધનની છે. કેરળમાં લાખો અનુયાયીઓ ધરાવતા ગુરુની વિદ્વતા એ કક્ષાની હતી કે રવીન્દ્રનાથ ટાગોર, ગાંધીજી, રાજગોપાલાચારી, રામાસામી નાયકર, વિનોબા ભાવે , સ્વામી શ્રધ્ધાનંદ વગેરેએ પણ તેમની મુલાકાત લીધી હતી. ૧૯૨૫માં ગાંધીજીએ લીધેલી તેમની મુલાકાત અને સંવાદ બહુ જ મહત્વના ગણાય છે.
આજથી પંચાણુ વર્ષ પહેલાં બોંતેર વર્ષની વયે, ૨૦મી સપ્ટેમ્બર ૧૯૨૮ના રોજ, નારાયણ ગુરુનું અવસાન થયું હતું. દેશમાં રાજનીતિના ક્ષેત્રે એક દેશ, એક ચૂંટણીનો મુદ્દો આજકાલ ચર્ચામાં છે ત્યારે આધુનિક કેરળના આ સર્જકના એક ધર્મ, એક જ્ઞાતિ અને એક ઈશ્વરનો મંત્ર યાદ રાખવાનો છે.
(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને ડો. બાબાસાહેબના જીવનકાર્યના અભ્યાસુ છે.)