મણિનગરમાં પૂજારીએ સગીરાને બિભત્સ મેસેજ કરી તેના પિતાને માર માર્યો

મણિનગરના એક મંદિરના પૂજારીએ દર્શનાર્થી મહિલાની સગીર દીકરીનો નંબર મેળવી બિભત્સ મેસેજ કર્યા હતા. દીકરીના પિતાએ વાંધો ઉઠાવ્યો તો માર માર્યો.

મણિનગરમાં પૂજારીએ સગીરાને બિભત્સ મેસેજ કરી તેના પિતાને માર માર્યો
Ai Generated Image-પ્રતિકાત્મક તસવીર

ધર્મની આડમાં રહીને પોતાની વાસનાને પંપાળતા તત્વોના કરતૂતો હવે લોકોથી પણ અજાણ્યા નથી. શ્રદ્ધાળુઓની આસ્થાનો લાભ લઈને આવા તત્વો પોતાની મહેચ્છાઓ સંતોષવામાં પાવરધા હોય છે. દુનિયાને કામેચ્છા પર નિયંત્રણ રાખવાની અને ભોગવિલાસ ત્યજી દેવાની સલાહો આપતા આવા તત્વો ખુદ કેટલાક નિમ્નકક્ષાની માનસિકતા ધરાવતા હોય છે તેના અનેક ઉદાહરણો મોજૂદ છે અને તેનું વધુ એક ઉદાહરણ અમદાવાદના મણિનગરમાં સામે આવ્યું છે.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદના કાંકરિયા તળાવમાં આવેલા હનુમાનજી મંદિરનો પૂજારી મનોજ ખલાસ અહીં દર્શન કરવા આવતા એક પરિવારની સગીર દીકરીને બિભત્સ મેસેજ કરતો હતો. આ અંગે વારંવાર સમજાવવા છતાં તે સગીરાને પરેશાન કરતો રહેતો હતો. જો કે પૂજારી સુધરતો ન હોવાથી સગીરાના પિતા તેને સમજાવવા માટે ગયા હતા. જો કે ત્યાં તેણે મારામારી કરી હતી. જેને લઈને મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે અને પૂજારી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

મણિનગરમાં રહેતી એક મહિલા મોર્નિંગ વોક કરવા માટે કાંકરિયા તળાવ જતી હતી. અહીં તળાવ કાંઠે આવેલા હનુમાનજી મંદિરમાં કામ કરતા એક મહિલા સાથે તેમનો સંપર્ક થયો હતો. એ રીતે તેમના દીકરા મનોજ ખલાસ જે અહીં પૂજારી તરીકે કામ કરે છે તેનો સંપર્ક થયો હતો. મહિલા મનોજને ભાઈ જેવો માનતી હતી. જેનો લાભ લઈને લંપટ મનોજ અવારનવાર પ્રસાદ આપવાના બહાને મહિલાના ઘરે આવતો જતો હતો અને તેની સગીર દીકરી વિશે પૂછપરછ કરતો હતો.

મનોજે જેમ તેમ કરીને સગીરાનો ફોન નંબર મેળવી લીધો હતો અને તેને મેસેજ કરીને પરેશાન કરવાનું શરૂ કરી દીધું હતું. પૂજારી મનોજ સગીરાને મેસેજ કરીને કેમ આવા કપડાં પહેરે છે? ઈન્સ્ટાગ્રામમાં આવા ફોટો કેમ મુકે છે? તેવી વાતો કરવા લાગ્યો હતો. એટલું જ નહીં, ઘરે આવીને તેણે સગીરા સાથે ફોટો પડાવ્યો હતો. જેની જાણ સગીરાએ તેની માતાને કરતા તેમણે દીકરીનો ફોન બંધ કરાવી દીધો હતો અને તે ફોનનું સિમકાર્ડ તેના પુત્રના ફોનમાં નાખી દીધું હતું. 

જો કે એ પછી પણ લંપટ મનોજ સુધર્યો નહોતો અને તેણે મેસેજ કરવાનું ચાલું રાખ્યું હતું પરંતુ પરિવારે ધ્યાન આપ્યું નહોતું. એ દરમિયાન પૂજારીએ મહિલાને ફોન કરીને તેમની દીકરીને પીઝા ખાવા મોકલો તેવી માગણી કરી હતી. પણ મહિલાએ ધ્યાન આપ્યું નહોતું. આથી મનોજે ફોનમાં બીભત્સ મેસેજ અને વોઈસ મેસેજ કર્યા હતા. આથી મહિલાએ તેનો નંબર બ્લોક લિસ્ટમાં મૂકી દીધો હતો. મનોજની આવી લાંબા સમયની હરકતોથી કંટાળીને સગીરાના પિતા તેને મળવા માટે ગયા હતા અને કેમ તેમની દીકરીને મેસેજ કરે છે તેમ પૂછતાં લંપટ મનોજે લાજવાને બદલે ગાજવાનું શરૂ કર્યું હતું અને મારામારી પર ઉતરી આવ્યો હતો. જેથી મહિલાએ પૂજારી સામે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો: કચ્છમાં ખટલા ભવાની મંદિરનો પૂજારી રૂ. 36 હજારના ગાંજા સાથે ઝડપાયો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.