મદરેસાના 5 શિક્ષકોને બાળ તસ્કર સમજી જેલમાં પૂર્યા, પછી કહે 'ભૂલ થઈ'

રેલવે પોલીસે ગયા વર્ષે બિહારના 59 બાળકોને ભણવા લઈ જઈ રહેલા 5 મદરેસા શિક્ષકોને બાળ તસ્કરો ગણીને જેલમાં ધકેલી દીધાં હતા. હવે પોલીસ કહે છે 'અમારી ભૂલ થઈ ગઈ છે.'

મદરેસાના 5 શિક્ષકોને બાળ તસ્કર સમજી જેલમાં પૂર્યા, પછી કહે 'ભૂલ થઈ'
image credit - Google images

ગયા વર્ષે બિહારના અરરિયાથી મહારાષ્ટ્રના પૂણે અને સાંગલીમાં આવેલા મદરેસાઓમાં વિદ્યાર્થીઓને ભણવા લઈ જતા 5 મદરેસા શિક્ષકોને પોલીસે બાળ તસ્કર ગણીને 15 દિવસથી લઈને 1 મહિના સુધી જેલમાં પુરી દીધાં હતા. જો કે, એ પછી બાળકોના વાલીઓએ જ્યારે તેમના સંતાનોને પરત બોલાવ્યા ત્યારે ખબર પડી કે તે પાંચેય વ્યક્તિ કોઈ બાળ તસ્કરો નહીં પરંતુ મદરેસાના શિક્ષકો હતા અને તેઓ આ તમામ 59 બાળકોને બિહારના અરરિયાથી મહારાષ્ટ્રમાં ભણવા માટે લઈ જઈ રહ્યા હતા. આટલી મોટી બેદરકારી પોલીસથી કેવી રીતે થઈ શકે તે સવાલ હવે લોકો પૂછી રહ્યાં છે.

રેલવે પોલીસની લાલિયવાડી

મામલો 30 મે 2023નો છે. બિહારના અરરિયા જિલ્લાના 8 થી 17 વર્ષની વયના 59 બાળકો તેમના પાંચ શિક્ષકો સાથે મદરેસામાં અભ્યાસ કરવા પુણે અને સાંગલી જઈ રહ્યા હતા. આ તમામ શિક્ષકો દાનાપુર-પુણે એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યા હતા. એ દરમિયાન મહારાષ્ટ્રના મનમાડ અને ભુસાવલ રેલ્વે સ્ટેશન પર સરકારી રેલ્વે પોલીસે બાળકોને મજૂર તરીકે સપ્લાય કરવામાં આવી રહ્યાં હોવાની આશંકાએ તેમની અટકાયત કરી હતી. દિલ્હીમાં જુવેનાઈલ જસ્ટીસ બોર્ડ અને રેલ્વે બોર્ડ સાથે સંકળાયેલા એક વરિષ્ઠ અધિકારીએ પગલાં લેતા જણાવ્યું હતું કે, રેલવે પ્રોટેક્શન ફોર્સે એક એનજીઓ સાથે મળીને આ બાળકોને 'બચાવ્યા' હતા અને પાંચેય શિક્ષકોની ધરપકડ કરી હતી

આ પણ વાંચો: આઝાદી પછી પહેલીવાર, મુસ્લિમ મંત્રી વિનાની ભારત સરકાર

ધરપકડ સમયે RPFના અધિકારીઓએ દાવો કર્યો હતો કે આ પાંચ લોકો તેમની મુસાફરી સંબંધિત દસ્તાવેજો રજૂ કરી શક્યા નહોતા. જેના પગલે ભારતીય દંડ સંહિતાની કલમ 370 (વ્યક્તિઓની હેરફેર) અને 34 (સામાન્ય હેતુ) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. બાળકોને 12 દિવસ માટે નાસિક અને ભુસાવલના શેલ્ટર હોમમાં લઈ જવામાં આવ્યા હતા. અધિકારીઓને શંકા હતી કે તેમની હેરફેર કરવામાં આવી રહી છે. જ્યારે તેમના નારાજ માતા-પિતાએ તેમને પાછા મોકલી દેવાની માંગ કરી ત્યારે નાસિક જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બાળકોને બિહાર પાછા મોકલવામાં આવ્યા.

પોલીસની બેદરકારીને કારણે મુસ્લિમ શિક્ષકોને જેલમાં જવું પડ્યું

હવે જ્યારે આ મામલે તપાસ શરૂ થઈ છે તો મામલો ઊંધો પડ્યો છે. તપાસ દરમિયાન પોલીસનું કહેવું છે કે શિક્ષકો વિરુદ્ધ એફઆઈઆર ગેરસમજને કારણે દાખલ કરવામાં આવી હતી અને બાળકોની તસ્કરીનો કોઈ મામલો નથી. કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો.

જો કે પોલીસની આ ગંભીર બેદરકારીને કારણે આ મદરેસા શિક્ષકોએ કારણ વિના જ જેલમાં રહેવાનો વારો આવ્યો હતો. શિક્ષક અંજાર આલમનો દાવો છે કે તેણે ત્રણ મહિના જેલમાં વિતાવ્યા પડ્યા હતા. જ્યારે તેના સાથી શિક્ષકો સદ્દામ હુસૈન સિદ્દીકી, નોમાન આલમ સિદ્દીકી, એજાઝ ઝિયાબુલ સિદ્દીકી અને મોહમ્મદ શાહનવાઝ હારૂને 12 દિવસ પોલીસ કસ્ટડીમાં અને 16 દિવસ નાશિક જેલમાં વિતાવ્યા હતા. પોલીસની આ ગંભીર બેદરકારીને કારણે આ શિક્ષકોની આબરૂના કારણ વિના જ ધજાગરા ઉડ્યા હતા. ગયેલી આબરુ હવે પોલીસ પાછી આપી શકશે ખરા?

શિક્ષકોનો પરિવાર ડરી ગયો

તે ઘટના પછીથી, પાંચ શિક્ષકો ભાગ્યે જ તેમના ગામની બહાર આવ્યા છે. મોહમ્મદ શાહનવાઝ હારુન કહે છે કે, જ્યારે અમારી પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી ત્યારે ગામમાં મારા પરિવારના સભ્યો ડરી ગયા હતા.

તેઓ આગળ કહે છે, 'યુટ્યુબ મુસ્લિમો પર ટ્રેનોમાં થતા હુમલા અને તેમને નિશાન બનાવવામાં આવતા વીડિયોથી ભર્યુ પડ્યું છે, અમારી સાથે જે થયું તેણે અમારા પરિવારો અને બાળકોના પરિવારોને પણ આંચકો આપ્યો છે જેઓ મદરેસામાં અભ્યાસ કરવા માટે શહેરોની મુસાફરી કરે છે.'

પોલીસે 'સી સમરી' ભરી દીધી

જોકે, પોલીસે આ વર્ષે માર્ચમાં આ કેસમાં 'સી સમરી' રિપોર્ટ દાખલ કર્યો હતો. 'C સમરી' રિપોર્ટ ત્યારે ફાઈલ કરવામાં આવે છે જ્યારે તપાસ એજન્સીને લાગે છે કે તથ્યોને રેકોર્ડ કરવામાં ભૂલોને કારણે વ્યક્તિને ખોટી રીતે ફસાવવામાં આવી છે.

આ પણ વાંચો: બાબુ હરદાસના મનમાં ‘જય ભીમ’ શબ્દો એક મુસ્લિમ વ્યક્તિને જોઈને આવેલા

આ પાંચ શિક્ષકોને કાનૂની સહાય મુંબઈની સામાજિક-કાનૂની સંસ્થા જમિયત ઉલેમા-એ-હિંદ દ્વારા પૂરી પાડવામાં આવી હતી. એડવોકેટ નિયાઝ અહેમદ લોધીએ કોર્ટમાં તેમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. લોધીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, 'શરૂઆતમાં પોલીસને ખબર હતી કે તેમની પાસે આ લોકો વિરુદ્ધ કોઈ પુરાવા નથી, તેમ છતાં તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.'

થોડા મહિના પહેલા લોધીએ બોમ્બે હાઈકોર્ટ સમક્ષ અરજી દાખલ કરીને શિક્ષકો સામેના કેસને રદ કરવાની માંગ કરી હતી. લોધીએ કહ્યું કે આ પ્રથમ વખત છે જ્યારે GRP એ સંકેત આપ્યો કે તેમને તે શિક્ષકો સામે કંઈ મળ્યું નથી. થોડા મહિનામાં તેણે ક્લોઝર રિપોર્ટ ફાઈલ કર્યો.

આ પણ વાંચો: ગુજરાત સહિત દેશભરમાં મદરેસાઓમાં ચકાસણી કરવા આદેશ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.