ગુજરાત સહિત દેશભરમાં મદરેસાઓમાં ચકાસણી કરવા આદેશ

ગુજરાત સહિત દેશભરમાં બરાબર લોકસભાની ચૂંટણી ટાણે જ મદરેસાઓમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે, તેની પાછળ શું તર્ક છે?

ગુજરાત સહિત દેશભરમાં મદરેસાઓમાં ચકાસણી કરવા આદેશ
all image credit - Google images

રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ પંચે ગુજરાત સહિત દેશભરમાં મદરેસાઓમાં ચકાસણી કરવા સૂચના આપી છે. મદરેસાઓમાં બિન-મુસ્લિમ વિદ્યાર્થીઓ પણ ભણતા હોવાના અહેવાલોને પગલે આ આદેશ આપવામાં આવ્યો હોવાનું કહેવાય છે. તે અંતર્ગત બાળ અધિકાર સંરક્ષણ પંચે ગુજરાત સરકારના મુખ્ય સચિવને પણ પત્ર લખ્યો છે. આ પત્રના સંદર્ભમાં રાજ્યમાં મદરેસાઓમાં તપાસ શરૂ થઈ હોવાનું જાણવા મળે છે

ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા આ બાબતે કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે, જે અંતર્ગત દરેક ડીઈઓ- ડીપીઓએ અધિકારીઓની ટીમ બનાવીને મદરેસાઓમાં ભૌતિક ચકાસણી કરવાની રહેશે. ઉપરાંત બિનમુસ્લિમ બાળકો કેટલા છે અને મદરેસાઓમાં ભણતા બાળકો અન્ય સ્કૂલમાં નિયમિત શિક્ષણ મેળવે છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે.

ગુજરાત સરકાર દ્વારા અપાયેલી યાદી મુજબ હાલ રાજ્યમાં નોંધાયેલી હોય તેવી કુલ ૧૧૨૮ મદરેસા સ્કૂલો છે જ્યાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે. અમદાવાદમાં પણ અલગ- અલગ મદરેસાઓમાં જિલ્લા શિક્ષણ અધિકારીઓની ટીમ સર્વે કરી રહી છે. દરેક મદરેસાઓમાં ૨ સભ્યોની ટીમે સર્વે હાથ ધર્યો છે. અહીં પહોંચી નિયત કરેલું ફોર્મ ભરવામાં આવી રહ્યું છે. જાણકારી મુજબ અમદાવાદ શહેર અને જિલ્લાઓ મળી કુલ ૨૦૫ મદરેસાઓ કાર્યરત છે.

આ પણ વાંચોઃ દલિત મુસલમાનની અજાણી વ્યથા અને ઉકેલની દિશા

મળતી માહિતી મુજબ આ સર્વેક્ષણ હેઠળ કુલ ૧૧ મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે. જેમાં, મદરેસા સંચાલકનું નામ અને ટ્રસ્ટ કે સંસ્થાનું નામ, કઈ સંસ્થાની મંજૂરી છે તેની વિગત, શિક્ષકોને કઈ રીતે પગાર ચૂકવવામાં આવે છે તેની માહિતી એકઠી કરવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત મદરેસાઓમાં અભ્યાસના સમય સહિતની માહિતી પણ એકત્ર કરવામાં આવી રહી છે.

આ તપાસ પાછળ બૌદ્ધિક વર્ગ ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલો સ્ટંટ માને છે. સૂત્રોના મતે, હાલ ચૂંટણીમાં મોંઘવારી, બેરોજગારી બે સૌથી મોટા મુદ્દા છે અને વર્તમાન સરકાર તેનાથી પીછો છોડાવી લોકોનું ધ્યાન તેમની પીચ ગણાતા હિંદુ-મુસ્લિમના મુદ્દા તરફ દોરી જવા માંગે છે એટલે મદરેસાઓના સર્વેનું કામ લોકસભાની ચૂંટણી ટાણે હાથ ધરવામાં આવ્યું છે, જેથી દેશભરમાં હિંદુ મતદારોને ખુશ કરીને રાજકીય લાભ ખાટી શકાય. જો કે, એક વર્ગ તેને સરકારીની રૂટિન કામગીરી ગણીને અવગણી પણ રહ્યો છે. જોવાનું એ રહે છે કે, આામાંથી ક્યો તર્ક સાચો નીવડે છે.

આગળ વાંચોઃ 2023માં 80% મુસ્લિમ વિરોધી નફરતભર્યાં ભાષણો ભાજપ શાસિત રાજ્યોમાં આપવામાં આવ્યા


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.