સંસદથી લઈ એરપોર્ટ સુધી બધું જ વકફની જમીન પર બનેલું છે…

ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF)ના વડા અને પૂર્વ સાંસદ બદરુદ્દીન અજમલે આ દાવો કર્યો છે.

સંસદથી લઈ એરપોર્ટ સુધી બધું જ વકફની જમીન પર બનેલું છે…
image credit - Google images

ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF)ના વડા અને પૂર્વ સાંસદ બદરુદ્દીન અજમલે બુધવારે એવો સનસનાટીભર્યો દાવો કર્યો છે કે રાજધાની દિલ્હીમાં સંસદની ઈમારતો અને તેની આસપાસના વિસ્તારો વકફ બોર્ડની મિલકત પર બનેલા છે. પત્રકારો સાથે વાત કરતા અજમલે દાવો કર્યો હતો કે રાષ્ટ્રીય રાજધાનીમાં વસંત વિહારથી એરપોર્ટ સુધીનો વિસ્તાર વકફ પ્રોપર્ટી પર બનેલો છે. તેમણે દાવો કર્યો હતો કે સરકાર વકફ બોર્ડની 9.7 લાખ વીઘા જમીન હડપ કરવા માંગે છે. તેમણે વકફની જમીન મુસ્લિમ સમાજને સોંપવાની પણ માંગ કરી છે.

પૂર્વ સાંસદ અજમલે વકફ બિલનો વિરોધ કરતા કહ્યું કે, "આ અંગે અવાજ ઉઠી રહ્યાં છે અને વિશ્વભરમાં વકફ પ્રોપર્ટીની યાદી બહાર આવી રહી છે. સંસદ ભવન, તેની આસપાસના વિસ્તારો અને વસંત વિહારથી એરપોર્ટ સુધીનો સમગ્ર વિસ્તાર વકફ પ્રોપર્ટી પર બનેલા છે. લોકો એવું પણ કહે છે કે એરપોર્ટ વકફ પ્રોપર્ટી પર બનેલું છે.”

તેમણે વધુમાં કહ્યું કે, "પરમિશન વિના વકફની જમીનનો ઉપયોગ કરવો ખોટું છે. વકફ બોર્ડના આ મુદ્દે તેઓ (મોદી સરકાર) બહુ જલ્દી તેમની સરકાર ગુમાવશે." 

દરમિયાન વિપક્ષી સાંસદોએ વકફ (સુધારા) બિલ 2024 પર સંયુક્ત સંસદીય સમિતિની બેઠક દરમિયાન સંસદીય આચાર સંહિતાના ઘોર ઉલ્લંઘન અંગે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખ્યો છે. જેમાં વિપક્ષી સાંસદોએ 14 ઓક્ટોબરે નવી દિલ્હીમાં યોજાયેલી જેપીસીની બેઠક દરમિયાન સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલ દ્વારા સંસદીય આચાર સંહિતા અને પ્રક્રિયાના નિયમોના અનેક ઉલ્લંઘનોનો આરોપ લગાવ્યો છે.

લોકસભા સ્પીકરને લખેલા પત્રમાં વિપક્ષી સાંસદોએ જણાવ્યું હતું કે, "સમિતિની કાર્યવાહી અધ્યક્ષ જગદંબિકા પાલ દ્વારા પક્ષપાતી રીતે હાથ ધરવામાં આવી હતી. સ્પીકરે અનવર મણિપદીને સમિતિ સમક્ષ પુરાવા રજૂ કરવા માટે આપેલું નિમંત્રણ સમિતિના દાયરા અને અધિકારક્ષેત્રમાં નથી આવતું."

વિપક્ષી સાંસદોએ એવો પણ દાવો કર્યો હતો કે "કર્ણાટક વક્ફ સ્કેમ રિપોર્ટ 2012 પર આધારિત વકફ બિલ 2012 પર પ્રસ્તુતિ" શીર્ષકવાળી નોંધમાં વકફ બિલ પર કોઈ ટિપ્પણી નહોતી પરંતુ તેમાં મલ્લિકાર્જુન ખડગે સહિતના કર્ણાટક કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ રાજકીય રીતે પ્રેરિત આરોપો હતા.

આ પણ વાંચો: વકફ બોર્ડ વિશે ફેલાવવામાં આવેલા કેટલાક ભ્રમ અને જુઠ્ઠાણાં


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.