નડિયાદના જોષીપુરામાં બે વાંદરાએ દિવ્યાંગ મહિલાને ફાડી ખાધી
હિચકારા આ હુમલામાં વાનરોએ મનોદિવ્યાંગ મહિલાને ચૂંથી નાખી, શરીર પર એકપણ વસ્ત્ર ન રહેવા દીધું.

નડિયાદ નજીકના જોષીપૂરા વિસ્તારમાં બે વાનરોએ 40 વર્ષિય દિવ્યાંગ મહિલા ઉપર હિચકારો હુમલો કરતાં, મહિલાનું ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે નાનકડાં ગામમાં ભય ફેલાયો છે. અગાઉ પણ આ વિસ્તારમાં વાનરના હુમલાની ફરિયાદો ઉઠી હતી.
નડિયાદ તાલુકાના ફતેપુરા ગામમાં આવેલા જોષીપુરા સીમમાં રહેતાં સોમાભાઈ પરમારની દિકરી સુમિત્રાબેન (ઉ.વ.40) નાનપણથી માનસિક દિવ્યાંગ હતા. બુધવારે બપોરના સમયે સુમિત્રાબેન ખેતર પાસે ઉભા હતા. ત્યારે આસપાસ વાનર ટોળકી હાજર હતી. અચાનક જ ખેતર પાસે ઉભેલા સુમિત્રાબેન ઉપર બે વાનરોએ હુમલો કર્યો હતો.
વાનરના હુમલાથી ડઘાઇ ગયેલા સુમિત્રાબેને બૂમાબૂમ કરી હતી પરંતુ કોઇએ તેમની બૂમ સાંભળી ન હતી. હિંસક બનેલાં બંને વાનરોએ ગણતરીની મિનિટોમાં જ સુમિત્રાબેનને ફાડી ખાધા હતા. વાનરો એ હદે હિંસક બન્યા હતા કે સુમિત્રાબેનના શરીર પર વસ્ત્ર પણ રહ્યા ન હતા. વાનરો હુમલાને કારણે ગંભીર રીતે ઘવાયેલાં સુમિત્રાબેનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
થોડા સમય બાદ ત્યાંથી પસાર થયેલા સુમિત્રા બેનના કાકાએ તેમને બૂમ પાડી, પણ કોઇ પ્રત્યુત્તર ન મળતાં તેમણે પોતાના પરિવારજનોને બોલાવ્યા હતા અને તપાસ કરતાં સુમિત્રાબેનના શરીરને બંને વાનરોએ ચૂંથી નાખ્યા હોવાનું જોઇને પરિવાર પણ ડઘાઇ ગયો હતો. ઘટનાની જાણ વન વિભાગને પણ કરવામાં આવી હતી. અગાઉ પણ આ વિસ્તારમાં વાનરોના હુમલાની ઘટના બની છે. સમગ્ર વિસ્તારમાં વાનરોનો આતંક છે ત્યારે આ ઘટનાને લઇને સમગ્ર વિસ્તારમાં રહેતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે.
આ પણ વાંચો: મેલી વિદ્યાની શંકાએ ટોળાએ બે આદિવાસી મહિલાઓને નગ્ન કરી મારી નાખી