હેમંત કરકરેનો જીવ RSS સમર્પિત એક પોલીસવાળાની ગોળીથી ગયો હતો
મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાએ મુંબઈ હુમલામાં આઈપીએસ અધિકારી હેમંત કરકરેની હત્યાને લઈને આરએસએસ પર મોટો આક્ષેપ લગાવ્યો છે.
લોકસભા ચૂંટણી જેમજેમ નજીક આવતી જાય છે તેમ તેમ નેતાઓ વિરોધીઓની દરેક નાનીમોટી બાબતો પર બારીકાઈથી નજર રાખીને પ્રહારો કરતા હોય છે. આવું જ કંઈક મહારાષ્ટ્રમાં બન્યું છે જ્યાં કોંગ્રેસના વિપક્ષના નેતા વિજય વડેટ્ટીવાર(Vijay Wadettiwar)એ મુંબઈ હુમલાના કેસ મુદ્દે ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, ‘મુંબઈ હુમલાના કેસમાં આઈપીએસ અધિકારી હેમંત કરકરેને કસાબ કે આતંકવાદીઓએ ગોળી નહોતી મારી પરંતુ RSS સમર્પિત એક પોલીસવાળાએ તેમની હત્યા કરી હતી.
કસાબ કે આતંકીઓએ કરકરેને ગોળી નહોતી મારી
કોંગ્રેસ નેતાએ સ્પષ્ટ કહ્યું કે કરકરેને બીજા કોઈએ નહીં પરંતુ સંઘ સમર્પિત પોલીસવાળાએ ગોળી મારી દીધી હતી. કોંગ્રેસ નેતાના આ નિવેદન બાદ રાજ્યના રાજકારણમાં ભારે હોબાળો મચી ગયો છે. તેમણે દાવો કર્યો કે, ‘વર્ષ 2008માં થયેલા મુંબઈ હુમલા કેસમાં રાજ્યની ATSના પૂર્વ વડા આઈપીએસ હેમંત કરકરેને આતંકવાદીઓએ નહોતા માર્યા. પરંતુ આરએસએસ સમર્પિત એક પોલીસ અધિકારીના હથિયારથી કરકરેને ગોળી વાગી હતી.’
વિજય વડેટ્ટીવારે હેમંત કરકરેનો ઉલ્લેખ કરી મુંબઈ ઉત્તર-મધ્યના ભાજપ ઉમેદવાર ઉજ્જવલ નિકમ પર ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, ‘કસાબને બિરિયાની પીરસાતી હતી એવો મુદ્દો ઉઠાવીને ઉજ્જવલ નિકમે કોંગ્રેસને બદનામ કરી. બાદમાં તેમણે સ્વીકાર્યું પણ ખરું કે, આવી કોઈ વાત જ ન હતી. તેઓ કેવા વકીલ છે, તેઓ ગદ્દાર છે, તેમણે કોર્ટમાં જુબાની જ ન આપી. કરકરેનું મોત કસાબની બંદૂકથી નહીં, પરંતુ તે સમયના આરએસએસના વફાદાર પોલીસ અધિકારીની ગોળીથી થયું હતું. જો ભાજપ (BJP) કોર્ટમાં સત્ય છુપાવનારા આવા લોકોને ટિકિટ આપે છે, તો એ સવાલ ચોક્કસ થાય છે કે, ભાજપ આવા ગદ્દારોનું સમર્થન કેમ કરી રહી છે.’
આવું સમશુદ્દીન મુશ્રીફના પુસ્તકમાં લખ્યું છે: વડેટ્ટીવાર
કરકરે મુદ્દે વિવાદ વધતા કોંગ્રેસ નેતા વડેટ્ટીવારે પોતાના નિવેદન મુદ્દે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, ‘આ મારા શબ્દો નથી, મેં માત્ર પોલીસ અધિકારી એસ.એમ.મુશ્રીફ (સમશુદ્દીન મુશ્રીફ)ની પુસ્તકમાં લખેલું છે, તે વાત જ કહી છે. પુસ્તકમાં તમામ માહિતી અપાઈ છે. જે ગોળીથી કરકરેનું મોત થયું, તે આતંકવાદીની ગોળી નહોતી. કરકરેની હત્યા આતંકવાદીઓની ગોળીથી થઈ નથી, તેવું એસ.એમ.મુશ્રીફની પુસ્તકમાં લખ્યું છે. ઉજ્જવલ નિકમ આ વાતને સામે કેમ લાવતા નથી. મુશ્રીફે પુસ્તકમાં લખ્યું છે કે, જે ગોળીથી હેમંત કરકરેની હત્યા થઈ, તે આતંકવાદીઓની નહોતી. અજમલ કસાબને ફાંસી આપવી મોટી વાત નથી. કોઈપણ સામાન્ય વકીલ અને બેલઆઉટ કરનારો વકીલ આ કામ કરી શકતો હતો.’
વડેટ્ટીવારના નિવેદન મુદ્દે ભાજપ ભડક્યું
વિજય વડેટ્ટીવારે કરકરે અંગે કરેલા નિવેદન બાદ ભાજપે કોંગ્રેસ (Congress) પર પ્રહારો કર્યા છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ કહ્યું કે, ‘કોંગ્રેસ પોતાની ખાસ વોટબેંકને ખુશ કરવા કોઈપણ હદે જઈ શકે છે. વિજય વડેટ્ટીવારે 26/11ના આતંકવાદીઓને ક્લિનચિટ આપી આ વાત સાબિત કરી દીધી છે. તેમના જણાવ્યા મુજબ શહીદ હેમંત કરકરેજી પર કસાબે ગોળી ચલાવી નહોતી. શું આતંકવાદીઓનું સમર્થન કરવા બદલ કોંગ્રેસને શરમ ન આવી? આજે દેશભરના લોકોને ખબર પડી ગઈ છે કે, કોંગ્રેસ અને શહેજાદાની જીત માટે કેમ પાકિસ્તાનમાં દુઆઓ માંગવામાં આવી રહી છે.’
આ પણ વાંચો: મારા સમાજને મંદિરોમાં જવા નથી દેતા, મને કેવી રીતે સહન કરે?