જન હિતના કોઈપણ કામ માટે 'ફ્રી હેન્ડ' એ બંધારણનું હાર્દ : મુખ્યમંત્રી

ગાંધીનગરમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં બંધારણ દિવસની ઉજવણી કરાઈ. મુખ્યમંત્રી, મંત્રીઓ, ધારાસભ્યો, સચિવોએ બંધારણના આમુખનું સામૂહિક પઠન કર્યું,

જન હિતના કોઈપણ કામ માટે 'ફ્રી હેન્ડ' એ બંધારણનું હાર્દ : મુખ્યમંત્રી
image credit - Google images

ગાંધીનગર ખાતે ૨૬ નવેમ્બરે બંધારણના અંગીકરણના ૭૫ વર્ષ પૂર્ણ થવા પ્રસંગે બંધારણ દિવસની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આહવાન કર્યું હતું કે, બંધારણને માત્ર પુસ્તક સ્વરૂપે ન જોતા તેના રાષ્ટ્રહિત સર્વોપરિના ભાવને આપણી જીવન શૈલી બનાવીએ.

તા.૨૬ નવેમ્બર ૧૯૪૯ના રોજ અંગીકાર થયેલા આપણા બંધારણના મૂલ્યોને પ્રોત્સાહન આપવાની રાષ્ટ્રહિત ભાવના ઉજાગર કરવા સમગ્ર દેશમાં ૨૦૧૫થી દર વર્ષે ૨૬ નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવાય છે.

આ વર્ષે બંધારણના ઘડતરના ૭૫ વર્ષ પૂર્ણ થયા છે તે સંદર્ભમાં “હમારા સંવિધાન, હમારા સ્વાભિમાન” થીમ સાથે અમૃતકાળનો આ બંધારણ દિવસ દેશભરમાં ઉજવાયો છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બંધારણ દિવસની ઉજવણી અન્વયે મુખ્યમંત્રી સહિત મંત્રીઓ, ધારાસભ્યો, પદાધિકારીઓ, મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ સચિવો સૌએ બંધારણના આમુખનું સામૂહિક પઠન કર્યું હતું.

આ અવસરે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીયતા આપણો ધર્મ છે તો બંધારણ આપણો ધર્મગ્રંથ છે એટલું જ નહીં, નાગરિક ધર્મ નિભાવવામાં આ બંધારણ આપણા સૌનું પથદર્શન કરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જનહિતના કોઈપણ કામ માટે 'ફ્રી હેન્ડ' એ આપણા બંધારણનું હાર્દ છે. આ ઉપરાંત ‘વી ધ પીપલથી’ શરૂ થતું બંધારણ “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ની ભાવના પણ સાકાર કરનારું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બંધારણ સભા દ્વારા બંધારણ નિર્માણ અને સ્વીકારમાં ડૉ. બાબા સાહેબ આંબેડકરના અમૂલ્ય યોગદાન સાથે સરદાર વલ્લભભાઈ પટેલ, કનૈયાલાલ મુન્શી,  હંસાબેન મહેતા જેવા ગરવા ગુજરાતીઓના પ્રદાનનું પણ સ્મરણ કર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અગાઉ બંધારણ દિવસની ઉજવણી રૂપે યુવાશક્તિને રાષ્ટ્રહિત સ્વાભિમાન માટે પ્રેરિત કરી “હમારા સંવિધાન, હમારા સ્વાભિમાન” સૂત્ર સાથેની સંવિધાન ગૌરવ પદયાત્રાને પ્રસ્થાન કરાવીને પોતે પણ પદયાત્રામાં જોડાયા હતા.

આ અગાઉ સેન્ટ્રલ વિસ્ટા ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી અને મંત્રીઓએ બંધારણના ઘડવૈયા ડૉ. આંબેડકરની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમજ વિકસિત ભારત યંગ લીડર ડાયલોગના પોસ્ટરનંડ લોન્ચિંગ પણ કર્યું હતું. ત્યાર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવિધાન ગૌરવ પદયાત્રાને પ્રસ્થાન કરાવીને પોતે પણ પદયાત્રામાં જોડાયા હતા. આ પદયાત્રામાં ગાંધીનગર શહેરની શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, એન.વાય.કે.એસ.ના કર્મીઓ, સ્વૈચ્છિક સંગઠનો તથા નાગરિકો જોડાયા હતા.

આ પણ વાંચો: ન્યાયની દેવીની આંખેથી પટ્ટી ઉતરી, હાથમાં તલવારને બદલે બંધારણ અપાયું


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.