શું છે પીએમ વિદ્યાલક્ષ્મી યોજના? જાણો કેવી રીતે તેનો લાભ મેળવી શકાય

કેન્દ્ર સરકારે ગેરેન્ટર વિના 10 લાખ રૂપિયા સુધીની એજ્યુકેશન લોન માટેની પીએમ વિદ્યાલક્ષ્મી યોજના શરૂ કરી છે. જાણો છે આ યોજના અને કેવી રીતે તેનો લાભ મળી શકે.

શું છે પીએમ વિદ્યાલક્ષ્મી યોજના? જાણો કેવી રીતે તેનો લાભ મેળવી શકાય
image credit - Google images

What is PM VidyaLakshmi Scheme : વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી (Narendra Modi) ની આગેવાની હેઠળની કેબિનેટે (Cabinet) બુધવારે પીએમ વિદ્યાલક્ષ્મી યોજના (PM Vidyalakshmi Scheme) ને મંજૂરી આપી દીધી છે. સરકારે 2024-25 થી 2030-31 માટે રૂ. 3,600 કરોડ ફાળવ્યા છે, જેનો હેતુ નવી યોજના સાથે 7 લાખ નવા વિદ્યાર્થીઓને સહાય કરવાનો છે.

નવી યોજનાનો ઉદ્દેશ્ય સ્થાનિક સંસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ રૂપિયા સુધીની લોન આપવાનો છે. આ યોજનામાં દર વર્ષે એક લાખ વિદ્યાર્થીઓ માટે 3% વ્યાજ સબસિડી અને ઈ-વાઉચરનો સમાવેશ થાય છે.

આ યોજના અંતર્ગત વાર્ષિક ₹8 લાખથી ઓછી આવક ધરાવતા પરિવારોના બાળકોને ₹10 લાખ સુધીની એજ્યુકેશન લૉન મળશે. એક પ્રેસ કૉન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ બાબતની વિસ્તૃત જાણકારી આપી હતી અને ઉમેર્યું હતું કે આ યોજનાનો હેતુ કોઈ પણ વિદ્યાર્થી આર્થિક સ્થિતિના કારણે પાછળ ન રહી જાય તે સુનિશ્ચિત કરવાનો છે. સરકાર આના પર 3 ટકા વ્યાજ સબસિડી આપશે. ઉચ્ચ શિક્ષણ સંસ્થાનમાં પ્રવેશ લેનાર કોઈપણ વિદ્યાર્થી પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજનાનો લાભ લઈ શકે છે. આ સ્કીમ દ્વારા લોન લેવા માટે કોઈ ગેરેન્ટરની પણ જરૂર રહેશે નહીં.

વિદ્યાર્થીઓ કોઈપણ બેંકોમાં અરજી કરીને “PM-વિદ્યાલક્ષ્મી” પોર્ટલ દ્વારા લોન અને વ્યાજનો લાભ મેળવવા માટે અરજી કરી શકે છે. ઇ-વાઉચર અને સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) વૉલેટ દ્વારા વ્યાજ સબવેન્શન પેમેન્ટની પ્રક્રિયા કરવામાં આવશે.

નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 થી વિકસાવવામાં આવેલી આ યોજનાનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ (QHEIs)માં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ ટ્યુશન ફી અને કોર્સ-સંબંધિત ખર્ચાઓને આવરી લેવા માટે કોલેટરલ ફ્રી, ગેરેંટર-ફ્રી લોન મેળવી શકે. જે એક ડિજિટલ, પારદર્શક અને સ્ટુડન્ટ ફ્રેન્ડલી સિસ્ટમ દ્વારા થશે.

આ યોજના NIRF રેન્કિંગની ટોચની શૈક્ષણિક સંસ્થાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમાં ટોચની 100 શ્રેણી-વિશિષ્ટ અને ડોમેન-વિશિષ્ટ સરકારી અને ખાનગી સંસ્થાઓનો સમાવેશ થાય છે.

આ યોજનામાં 101-200 રેન્ક ધરાવતી રાજ્ય સરકારની સંસ્થાઓ અને કેન્દ્ર સરકારની તમામ સંસ્થાઓ પણ પાત્ર છે. NIRF રેન્કિંગ પર આધારિત વાર્ષિક અપડેટમાં હાલમાં 860 QHEIનો સમાવેશ થાય છે, જેનાથી અંદાજે 22 લાખથી વધુ વિદ્યાર્થીઓને લાભ થશે.

7.5 લાખ સુધીની લોન માટે વિદ્યાર્થીઓને બાકી ડિફોલ્ટ સામે 75% ક્રેડિટ ગેરંટી મળશે, જેનાથી બેંકોને આ યોજના હેઠળ એજ્યુકેશન લોન આપવા માટે પ્રોત્સાહન મળશે.

8 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારોના વિદ્યાર્થીઓ, જેઓ અન્ય સરકારી શિષ્યવૃત્તિ અથવા વ્યાજના લાભો માટે પાત્ર નથી, તેઓ રૂ. 10 લાખ સુધીની લોન માટે મોરેટોરિયમ સમયગાળા દરમિયાન 3% વ્યાજ સબવેન્શન મેળવી શકે છે.

આ સહાયનો ઉદ્દેશ્ય દર વર્ષે 1 લાખ વિદ્યાર્થીઓને સહાય કરવાનો છે, જેમાં ટેકનિકલ/વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં ભણતા સરકારી સંસ્થાઓના વિદ્યાર્થીઓને પ્રાથમિકતા અપાશે.

આ પણ વાંચોઃ પીએમ બેરોજગારી ભથ્થાં હેઠળ મહિને રૂ. 3500 મળશે, તેમને મેસેજ આવ્યો હોય તો ચેતી જજો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.