મોદીરાજના દાયકામાં કેવી રીતે બોલીવૂડ મનુવાદીઓના નિશાન પર રહ્યું
2014 બાદ હિંદુત્વવાદીઓ સરકારમાં મજબૂત થયા બાદ બોલીવૂડને કેવી રીતે મનુવાદી વિચારધારાના કુપ્રચારનું હથિયાર બનાવ્યું તેની વિગતે વાત કરીએ.
ભારતીય રાજકારણ, સમાજ અને સંસ્કૃતિ માટે આ ખૂબ જ અશાંત સમયગાળો છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. સિનેમા જગત પણ આનો એક ભાગ રહ્યો છે. 2014થી ભારતને એક રાષ્ટ્ર અને સમાજ તરીકે પુનઃવ્યાખ્યાયિત કરવાના વ્યવસ્થિત પ્રયાસો થઈ રહ્યા છે અને તેના માટે ફિલ્મોની મદદ પણ લેવામાં આવી છે.
હકીકતે આ સમયગાળા દરમિયાન ભારતમાં સોફ્ટ પાવર કહેવાતી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને સોફ્ટ ટાર્ગેટ કરવામાં આવી. એક સમયે દેવતાઓની જેમ પૂજાતા તેના સુપરસ્ટાર્સ નફરત અને બહિષ્કાર ઝુંબેશનો શિકાર બન્યા. ખાસ કરીને હિન્દી સિનેમાને હિંદુ-મુસ્લિમની સાંપ્રદાયિક ગંદકીમાં ધકેલી દેવામાં આવ્યું. દેશમાં અચાનક એવી ફિલ્મોનું પૂર આવ્યું જેમાં મુસ્લિમો, ડાબેરીઓ અને ઉદારવાદીઓને વિલન તરીકે રજૂ કરવામાં આવ્યા. એ સમજી શકાય તેવું છે કે આ બધાંનું કનેક્શન 2014ના ભગવા ઉભાર, બોલીવૂડમાં ખાન(શાહરૂખ, સલમાન, આમીર ખાન જેવા) સુપરસ્ટાર્સના વર્ચસ્વ અને ફિલ્મી દુનિયાના ધર્મનિરપેક્ષ મિજાજ સાથે છે, જે મનુવાદીઓને ક્યારેય ગમ્યું નથી.
સિનેમાના પડદે સાંસ્કૃતિક સર્વોપરિતાની લડાઈ
વાસ્તવમાં, છેલ્લાં દસ વર્ષમાં હિન્દી સિનેમાને સાંસ્કૃતિક વર્ચસ્વની લડાઈનું મેદાન બનાવવામાં આવ્યું છે. આ માટે ઘણાં કારણો જવાબદાર છે. એમાં કોઈ શંકા નથી કે ભારતીય સિનેમા આઝાદી પછીના દાયકાઓ સુધી નેહરુવાદી સમાજવાદ અને ડાબેરી વિચારધારાથી પ્રભાવિત હતું. તેની અસર સમાજમાં પણ વ્યાપકપણે જોવા મળી હતી. પરંતુ સત્તાના કેન્દ્રમાં આવ્યા પછી બ્રાહ્મણવાદી તાકાતો સિનેમાના આ સોફ્ટ પાવરને સીધો નિયંત્રિત કરવા અને તેનો પોતાની રીતે ઉપયોગ કરવા માંગે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS), જે પોતાને એક સાંસ્કૃતિક સંગઠન ગણાવે છે, તે બોલિવૂડને બિનસાંપ્રદાયિકતાનો ગઢ માને છે અને લાંબા સમયથી તેના આ મિજાજને બદલવાના મનસૂબા સેવે છે.
બીજું કારણ બોલીવુડના ટોચના ત્રણ “ખાન” સુપરસ્ટાર્સ છે, જેઓ નેવુંના દાયકાથી બોલીવુડ અને દર્શકોના દિલો પર રાજ કરી રહ્યા છે અને તેમના ચાહકો ધાર્મિક સીમાઓથી પર છે. આ ત્રણેય સ્ટાર્સની અભૂતપૂર્વ લોકપ્રિયતા આશ્ચર્યજનક છે. આટલા વ્યાપક ધ્રુવીકરણના સમયમાં પણ હિન્દી સિનેમાની આ અનોખી પરિસ્થિતિ અંગે મનુવાદીઓની ચીડ સમજી શકાય તેવી છે. એટલા માટે છેલ્લા એક દાયકાથી ખાન સ્ટાર્સ સતત તેમના નિશાન પર છે. આ સમયગાળામાં તેમને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવા અથવા તેમની ફિલ્મોનો બહિષ્કાર કરવાની માંગ કરવી ખૂબ સામાન્ય રહી છે.
દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પછી બોલિવૂડ સામે સુનિયોજિત બોયકોટ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ફિલ્મ ઉદ્યોગને ડ્રગ એડિક્ટ્સ અને ગુનેગારો વચ્ચેની સાંઠગાંઠ તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સંદર્ભમાં, બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (બીબીસી) દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે બોલિવૂડ અને તેના કલાકારો વિરુદ્ધ કોઈ યોજના અંતર્ગત નકારાત્મક ઝુંબેશ ચલાવવામાં આવી હતી અને આવું કરનારા બહુમતી લોકો જમણેરી વિચારધારાના હતા અને તેમનું જોડાણ સત્તાધારી પાર્ટી સાથે પણ હતું. સાંસ્કૃતિક વર્ચસ્વની આ લડાઈમાં આજે આપણા સમાજની જેમ બોલીવુડ પણ છાવણીઓમાં વહેંચાઈ ગયું છે. અહીં પણ હિન્દુ-મુસ્લિમનો પ્રશ્ન સામાન્ય બની ગયો છે અને સમગ્ર ઈન્ડસ્ટ્રી જબરદસ્ત વૈચારિક દબાણના સમયગાળામાંથી પસાર થઈ રહી છે.
સત્તાનો સચેત હસ્તક્ષેપ
તાજેતરમાં, 3 મેના રોજ કર્ણાટકમાં એક ચૂંટણી રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી'નો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે આ ફિલ્મમાં કેરળમાં ચાલી રહેલા 'આતંકવાદી કાવતરા' (લવ જેહાદ)નો પર્દાફાશ કરવામાં આવ્યો છે. એ પહેલા ફેબ્રુઆરી 2024માં જમ્મુ અને કાશ્મીરમાં એક સભામાં વડાપ્રધાને લોકોને 'આર્ટિકલ 370' ફિલ્મ જોવાની સલાહ આપી હતી અને કહ્યું હતું કે, "મેં સાંભળ્યું છે કે આ અઠવાડિયે 'આર્ટિકલ 370' પર એક ફિલ્મ રિલીઝ થવાની છે. આ સારું છે કારણ કે તેનાથી લોકોને સાચી માહિતી મેળવવામાં મદદ મળશે."
વાસ્તવમાં, છેલ્લા એક દાયકામાં બ્રાહ્મણવાદી એજન્ડા પર આધારિત ફિલ્મોનો ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ભારે પ્રચાર કરવામાં આવ્યો છે, જેમાં વડાપ્રધાનથી લઈને મુખ્યમંત્રી પણ સામેલ રહે છે.
અહીં એ યાદ રાખવું રહ્યું કે, આ માત્ર એક, બે કે ત્રણ ફિલ્મોની વાત નથી. 2014માં કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા બાદ હિન્દી ફિલ્મ ઉદ્યોગનો એક વર્ગ સંઘ અને ભાજપની વિચારધારા પર કેન્દ્રિત ફિલ્મોનું નિર્માણ કરી રહ્યો છે. આ ફિલ્મો રાજકીય પ્રોપેગેન્ડાની સાથે જ લઘુમતીઓ અને આદિવાસીઓ વિરુદ્ધના દ્રષ્ટિકોણને પ્રોત્સાહન આપે છે. આ ફિલ્મોની યાદીમાં 'બુદ્ધા ઇન ટ્રાફિક જામ', 'ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર', 'ધ કેરળ સ્ટોરી', 'ધ કાશ્મીર ફાઇલ્સ', 'પીએમ નરેન્દ્ર મોદી', '72 હુરેં, 'ધ વેક્સીન વોર', 'મેં અટલ હું', 'સ્વાતંત્ર્યવીર સાવરકર', 'આર્ટિકલ 370', 'બસ્તર-ધ નક્સલ સ્ટોરી' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: વિદ્યાઃ આઝાદ ભારતમાં જાતિને પડકાર આપનારી પહેલી ફિલ્મ
આ માત્ર એક સંયોગ નથી પરંતુ એક સુનિયોજિત કાવતરું છે કે 'બસ્તર - ધ નક્સલ સ્ટોરી' 2024ની લોકસભા ચૂંટણી પહેલા રિલીઝ થઈ હતી, જેના વિશે એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ ફિલ્મ છેલ્લાં 60 વર્ષથી ભારતમાં સક્રિય ડાબેરી ઉગ્રવાદના ઊંડા મૂળને ઉજાગર કરશે. આ ફિલ્મના દિગ્દર્શક સુદીપ્તો સેન છે, જેમની અગાઉની ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી' પણ ઘણી વિવાદાસ્પદ રહી હતી. તેવી જ રીતે, 'JNU: જહાંગીર નેશનલ યુનિવર્સિટી' 5 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, જે પાછળથી મોકૂફ રાખવામાં આવી હતી. તેવી જ રીતે ગોધરાકાંડ પર આધારિત ફિલ્મ 'એક્સીડેન્ટ ઓર કોન્સ્પિરસી ગોધરા' જે આ વર્ષે માર્ચમાં રીલીઝ થવાની હતી પણ સેન્સર બોર્ડ તરફથી પ્રમાણપત્ર ન મળવાને કારણે સમયસર રિલીઝ થઈ શકી નથી. આ સિવાય પણ કેટલીક ફિલ્મો લાઈનમાં છે. જેમાં 'રઝાકરઃ સાયલન્ટ જેનોસાઈડ ઓફ હૈદરાબાદ' મુખ્ય છે. જેનું નિર્માણ તેલંગાણા રાજ્ય કાર્યકારી સમિતિના સભ્ય ગુડ્ડુર નારાયણ રેડ્ડી દ્વારા કરવામાં આવ્યું છે. આ સિવાય દીનદયાળ ઉપાધ્યાય, આરએસએસના સંસ્થાપક કેશવ બલિરામ હેડગેવારના જીવનચરિત્ર પર પણ ફિલ્મો બની રહી છે.
બોલિવૂડે હાર સ્વીકારી નથી
જો કે આટલા પ્રયત્નો છતાં બોલિવૂડની જૂની તાસિર હજુ યથાવત છે. આ દિશામાં, વર્ષ 2023 ની શરૂઆતમાં રિલીઝ થયેલી ફિલ્મ 'પઠાણ'એ બહિષ્કાર અભિયાનના ચક્રને તોડવાનું કામ કર્યું અને એક રીતે મુશ્કેલીમાં મૂકાયેલા બોલીવૂડની વાપસીમાં મહત્વની ભૂમિકા ભજવી. એક રીતે આ ફિલ્મે બોલિવૂડ વિશે બ્રાહ્મણવાદીઓ દ્વારા બનાવવામાં આવેલા ખાસ નેરેટિવનો તોડી નાખ્યો હતો. કદાચ એટલે જ ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપે 'પઠાણ'ની સફળતાને સોશિયો-પોલિટીકલ ઉલ્લાસ ગણાવી હતી.
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ 2013માં તેના સો વર્ષ પૂરા કર્યા હતા. પોતાની તમામ મર્યાદાઓ છતાં આખી દુનિયામાં તેની ઓળખ તેની ખાસ પ્રકારની ફિલ્મોને લઈને રહી છે. આ આપણા કેટલાક એવા વ્યવસાયો પૈકીનો એક છે જેના દરવાજા પ્રતિભાશાળી દરેક વર્ગના લોકો માટે ખૂલ્લાં છે. અને એ જ વાત બહુમતી દક્ષિણપંથીઓને કાયમ ખટકતી રહી છે. એટલે જ તેઓ બોલીવૂડને પણ પોતાના કુપ્રચારનું હથિયાર બનાવી લેવા માંગે છે અને તેના માટે તેઓ કોઈપણ ચાલાકી કરતા ખચકાતા નથી.
આ પણ વાંચો: દર્શકોને મતબેંકમાં ફેરવવા મથતી પ્રોપેગેન્ડા ફિલ્મો કેમ ફ્લોપ જાય છે?