દર્શકોને મતબેંકમાં ફેરવવા મથતી પ્રોપેગેન્ડા ફિલ્મો કેમ ફ્લોપ જાય છે?

બોલીવૂડમાં હિંદુત્વવાદી એજન્ડાને આગળ ધપાવતી પ્રોપેગેન્ડા ફિલ્મોને પ્રોત્સાહન મળી રહ્યું છે, જાણો કેવી રીતે હોંશિયાર દર્શકોએ આ મેલી મુરાદ પર પાણી ફેરવી દીધું.

દર્શકોને મતબેંકમાં ફેરવવા મથતી પ્રોપેગેન્ડા ફિલ્મો કેમ ફ્લોપ જાય છે?

- R. K. Parmar

અમેરિકાના વિખ્યાત ફિલ્મ નિર્દેશક ઓલિવર સ્ટોનનું એક પ્રસિદ્ધ કથન છે, "જ્યારે તમે ફિલ્મ જુઓ છો ત્યારે તમે નિર્દેશકના વિચારોની પ્રકિયાને જુઓ છો." ફિલ્મ એટલે માત્ર વાર્તા રજૂ કરવી એટલું જ નહિ પરંતુ તમે કઈ રીતે વાર્તાને રજૂ કરો છો એ જ ફિલ્મનો મુખ્ય પાયો છે. છેવટે તો સ્ક્રિપ્ટ રાઈટર, નિર્દેશક, નિર્માતા, અભિનેતા-અભિનેત્રી, સંગીતકાર, ગીતકાર, સિનેમેટોગ્રાફર આ બધાં સાથે મળીને એક વાર્તાને પોતાની પ્રતિભા થકી દર્શકો સમક્ષ રજૂ કરે છે. હવે ફિલ્મની સૌથી મોટી વિશેષતા એ છે કે ઉપરના તમામ કલાકારોમાં જો એકપણ કલાકાર પોતાની ક્ષમતા મુજબ કામ ન કરે કે વાર્તાને ન્યાય ન આપી શકે તો આખી ફિલ્મને દર્શકો નકારી દેતા હોય છે.

હાલની કેટલીક આવી જ ફિલ્મોની વાત કરીએ. હમણાં સોશિયલ મીડિયામાં મને અભિનેતા રણદીપ હુડ્ડાનો પુસ્તકો સાથેનો એક ફોટો જોવા મળ્યો. અત્યાર સુધી એક પ્રતિભાશાળી અભિનેતા તરીકેનું ટેગ લઈ ફરતા રણદીપ હુડ્ડાને અચાનક નકલી દેશભક્તિનું ચાનક ચડ્યું અને ‘વીર સાવરકર’ ફિલ્મ બનાવી પોતાની કારકિર્દીને ICUમાં પહોંચાડી દીધી છે. અનુપમ ખેર, અક્ષય કુમાર કે કંગના રાણાવત કોઈને પણ જોઈ લો જેણે પણ બોલિવૂડમાં હિન્દુત્વનો ઝંડો ઉપાડ્યો છે એ તમામની કારકિર્દી મરણપથારીએ પહોંચી ગઈ છે. કંગનાએ તો ભાજપમાંથી સાંસદની ટીકીટ મેળવી કારકિર્દી પણ બદલી દીધી.

આ પણ વાંચો: નાનો હતો ત્યારે પિતાજી મને ‘ગાંધી’ ફિલ્મ જોવા લઈ ગયા હતા, જે મારે નીચે બેસીને જોવી પડી હતી કેમ કે...

રણદીપ હુડ્ડાએ વીર સાવરકર માટે આ બધાં પુસ્તકો વાંચ્યા હશે અને વાંચવું જરૂરી પણ છે, પણ વાંચવું, માહિતી એકઠી કરવી અને સિનેમાના પડદે તે માહિતીને તેના મૂળ સ્વરૂપે રજૂ કરવી તેમાં ઘણો ફરક છે. સિનેમા એ સાહિત્યનું જ એક સ્વરૂપ છે. પણ પુસ્તકો અને સિનેમામાં ફરક એટલો છે કે પુસ્તકમાં માહિતીને રજૂ કરતી વખતે તમે તેમાં કોઈ છૂટછાટ ન લઈ શકો જ્યારે સિનેમામાં માહિતીને ઓડિયો-વિઝ્યુઅલ ફોર્મેટમાં રજૂ કરવાની હોઈ તેમાં થોડીઘણી છૂટછાટનો અવકાશ ચોક્કસ રહે છે. 

આ પણ વાંચો: દેશના પ્રથમ દલિત ક્રિકેટર P. Baloo ની બાયોપિક બનશે, અજય દેવગણ નિભાવશે મુખ્ય ભૂમિકા?

પણ અહી રણદીપ હુડ્ડાએ તો કંઈક વધારે જ છૂટછાટ લઈ લીધી. ફિલ્મનું ટ્રેલર જોઈને જ તમને ખબર પડી જશે કે આ એક પ્રોપેગેંડા ફિલ્મ છે જેમાં અંગ્રેજોના એક સેવકને અંગ્રેજોના ઘોર વિરોધી અને દુશ્મન બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. મોહનદાસ ગાંધી, શહીદ ભગતસિંહ તથા બીજા કેટલાક ઐતિહાસિક પાત્રોને તેમના મૂળ પાત્ર કરતા એક અલગ જ રીતે રજૂ કરવામાં આવ્યા છે. જે માણસે કાયદેસર માફી માંગી અંગ્રેજોને વફાદાર રહેવાનું કબૂલ કર્યું હતું તેને અંગ્રેજોના દુશ્મન તરીકે રજૂ કરવાનું સાહસ રણદીપ હુડ્ડાએ કર્યું, જે પચાવવું દર્શકો માટે અઘરું થઈ પડ્યું.

અહીં પુસ્તકો વાંચી શું સાચું શું ખોટું એ તર્ક લગાવ્યા વિના માત્ર અમે જે કહીએ એજ સાચું વાળી માનસિકતા ફિલ્મ નિર્દેશકે રજૂ કરી છે. જે આ ફિલ્મના ટ્રેલરથી જ ખબર પડી જાય છે. માટે જ લોકોએ થિયેટર સુધી લાંબા થવાનું જોખમ નથી લીધું. લોકો પ્રોપેગેંડા ફિલ્મોને નકારી રહ્યા છે તેનો સૌથી મોટો પુરાવો એ છે કે ૨૦ કરોડના બજેટમાં બનેલી ‘વીર સાવરકર’ ફિલ્મે તેના પહેલા દિવસે ભારતમાં માત્ર ૧ કરોડની કમાણી કરી!

આ પણ વાંચો: Kaala - સિનેમાના પડદે રજૂ થયેલી દલિત અસ્મિતાની સિંહગર્જના

ભારતમાં ફિલ્મો માટેની લોકોની ઘેલછા જગજાહેર છે. હમણાં છેલ્લા કેટલાક વર્ષોથી હિન્દુત્વના ઠેકેદારો પ્રોપેગેંડા ફિલ્મો દ્વારા લોકોને વોટબેંકમાં પરિવર્તિત કરવાના જે પ્રયાસો કરી રહ્યા છે તે સિનેમા માટે હાનિકારક છે. પરંતુ મનુવાદી મિડીયાના સતત ભ્રામક પ્રચારની સામે લોકો દ્વારા જાતે સોશિયલ મીડિયામાં થઈ રહેલા જાગૃત પ્રચારનો એ ફાયદો થઈ રહ્યો છે કે લોકો હવે આવી કુપ્રચાર ફિલ્મોનો બહિષ્કાર કરી રહ્યા છે. 

આ પણ વાંચો:વિદ્યાઃ આઝાદ ભારતમાં જાતિને પડકાર આપનારી પહેલી ફિલ્મ

અભિનેતા, ફિલ્મ નિર્દેશક, લેખક, મીડિયા કર્મચારી, નેતા કે સામાન્ય માણસ કેટલું વાંચે છે તે મહત્વનું નથી પરંતુ શું વાંચે છે તે મહત્વનું છે. અંતે એક વિનંતી કે તમારા બાળકો, તમારા ઘરની મહિલાઓને એક માફી માંગનારા વિશે જણાવવા કરતા કોઈ એવા વ્યક્તિ વિશે જણાવો જેનાથી તેમને કોઈ પ્રેરણા મળે. જો તમારે હિન્દી ફિલ્મોમાં બનેલી શ્રેષ્ઠ બાયોપિક ફિલ્મ જોવી હોય તો મિલ્ખા સિંહના જીવન ઉપર બનેલી 'ભાગ મિલ્ખા ભાગ' ફિલ્મ જુઓ. મિલ્ખા સિંહની તમામ મહત્વની વાતોને જે બારીકાઈથી નિર્દેશક રાકેશ ઓમપ્રકાશ મહેરાએ રજૂ કરી છે તે કાબિલેદાદ છે. જોવી જ હોય તો દક્ષિણ ભારતના નિર્દેશક પા.રંજિથે, વેટરીમારને નિર્દેશિત કરેલી અનુક્રમે કબાલી, કાલા, અસુરન, સરપટ્ટા પરંબરાઈ જુઓ. દલિત, બહુજન સમાજની ખરી સમસ્યાઓને રજૂ આ કરતી ફિલ્મો શા માટે બોલીવૂડથી ચડિયાતી છે તે તમને આપોઆપ સમજાઈ જશે.

(લેખક વિખ્યાત બહુજન ડિજિટલ પ્લેટફોર્મ આર.કે. સ્ટુડિયોઝના ફાઉન્ડર, એક્ટિવિસ્ટ અને ફિલ્મરસિયા છે.)

આ પણ વાંચો: ફિલ્મ 12th Fail - વાત સંઘર્ષની નહીં બ્રાહ્મણોને મળતા વિશેષાધિકારોની છે

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.