દેશના પ્રથમ દલિત ક્રિકેટર P. Baloo ની બાયોપિક બનશે, અજય દેવગણ નિભાવશે મુખ્ય ભૂમિકા?

Palwankar Baloo biopic: વીસમી સદીના મહાનતમ ક્રિકેટરોમાં જેમની ગણના થાય છે તેવા દેશના પહેલા દલિત ક્રિકેટર પી. બાલુ પર બાયોપિક બનવા જઈ રહી છે. જાણીતા ઈતિહાસકાર રામચંદ્ર ગુહાના પુસ્તક પરથી તિગ્માંશુ ધુલિયા અજય દેવગણને લઈને ફિલ્મ બનાવશે.

દેશના પ્રથમ દલિત ક્રિકેટર P. Baloo ની બાયોપિક બનશે, અજય દેવગણ નિભાવશે મુખ્ય ભૂમિકા?
Photo credit: Google Images

Palwankar Baloo biopic: દેશના પહેલા દલિત ક્રિકેટર પી. બાલુ (P. Baloo) પર બાયોપિક બનવા જઈ રહી છે. હાંસિલ, સાહિબ બીવી ઔર ગેંગસ્ટર અને પાનસિંહ તોમર જેવી સુપરહિટ ફિલ્મો આપી ચૂકેલા ડિરેક્ટર તિગ્માંશુ ધુલિયા આ ફિલ્મ ડિરેક્ટ કરશે. આ માટે તેમણે અજય દેવગણ સાથે હાથ મિલાવ્યો છે. ફિલ્મમાં અજય પી. બાલુનો રોલ ભજવતો જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, પલવંકર બાલુ(Palwankar Baloo) ઉર્ફે પી. બાલુ(P. Baloo) ને વીસમી સદીના સૌથી મહાન ક્રિકેટરો પૈકીના એક ગણવામાં આવે છે. તેમને સ્પીન બોલિંગના જાદુગર તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વ ક્રિકેટ આજે પણ તેમની સ્પીન બોલિંગને યાદ કરે છે, ત્યારે તેમની બાયોપિક આવતા વર્ષના અંત સુધીમાં રૂપેરી પડદે જોવા મળે તેવી શક્યતા છે.


સમયની સાથે ભારતના અનેક જાણીતા લોકો ઈતિહાસના પાનામાં સમેટાઈ જતા હોય છે. એમાં પણ વાત જ્યારે દલિત, આદિવાસી, ઓબીસી કે લઘુમતી સમાજની વ્યક્તિની આવે ત્યારે ચોક્કસ જ તેને ભૂલાવી દેવામાં આવે છે, પછી ભલેને તે પોતાના ક્ષેત્રમાં ગમે તેટલો મહાન કેમ નથી. પી. બાલુને પણ ઈતિહાસનું આવું જ એક નામ કહી શકાય. તેઓ ભારતના પહેલા દલિત ક્રિકેટર હતા. તેમને વીસમી સદીના લેજેન્ડરી ક્રિકેટર માનવામાં આવે છે. પી. બાલુની કહાનીને જાણીતા ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ પોતાના પુસ્તક  A Corner of a Foreign Field: the Indian history માં ખાસ સ્થાન આપ્યું હતું. આ પુસ્તક વાંચ્યા પછી ડિરેક્ટર તિગ્માંશુ ધુલિયાએ પી. બાલુની કહાનીને ફિલ્મી પડદે ઉતારવાનું નક્કી કર્યું હતું.


હાલ મળતા સમાચાર મુજબ તિગ્માંશુ ધુલિયાએ પી. બાલુની કહાનીને સિનેમાના પડદે ઉતારવા માટે અજય દેવગણ સાથે હાથ મિલાવ્યો છે. છેલ્લાં કેટલાય સમયથી અજય તેની ઈમેજથી અલગ પ્રકારની તાસીર ધરાવતી ફિલ્મો તેના ફિલ્મ બેનર હેઠળ નિર્માણ કરી રહ્યો છે. એવામાં અજય પોતે જ પી. બાલુનો રોલ કરશે તે લગભગ નક્કી મનાય છે. મળતી માહિતી પ્રમાણે ડિરેક્ટર તિગ્માંશુ ધુલિયાએ રામચંદ્ર ગુહા પાસેથી તેમના પુસ્તકના અધિકારો ખરીદ્યાં છે, જેથી તેઓ પલવંકર બાલુની કહાનીને યોગ્ય રીતે ફિલ્મી પડદે રજૂ કરી શકે. ટૂંક સમયમાં તેઓ તેને પડદા પર ઉતારવા માટે લેખકો સાથે કામ શરૂ કરશે. ધુલિયાએ હજુ સુધી અજય દેવગણ સિવાય બીજી સ્ટારકાસ્ટને ફાઈનલ નથી કરી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે એકવાર ફિલ્મનું લેખન પૂર્ણ થઈ જાય એ પછી બાકીની સ્ટારકાસ્ટને ફાઈનલ કરવામાં આવશે અને એ પછી મોટા સ્તર પર ફિલ્મનું નિર્માણ કાર્ય શરૂ કરશે.

આ પણ વાંચોઃ મુખ્યધારાના મીડિયામાં મુખ્ય પદો પર એકેય દલિત, આદિવાસી કે ઓબીસી નહીં – રિપોર્ટ


કોણ હતા પલવંકર બાલુ?
પૂણેના એક દલિત પરિવારમાં જન્મેલા પલવંકર બાલુને ભારતીય ક્રિકેટ ઈતિહાસના મહાનતમ ખેલાડી ગણવામાં આવે છે. પુણેમાં ગ્રાઉન્ડમેન તરીકે કામ કરનાર પી. બાલુ ૧૮૯૬માં બૉમ્બે શિફ્ટ થયા હતા. અહીં ગ્રાઉન્ડમેન તરીકે કામ કરતી વખતે એકવાર તેમને એક અંગ્રેજ ખેલાડીએ નેટ પ્રેક્ટિસ માટે બોલિંગ કરવા કહ્યું અને બાલુએ તેમને એકથી વધુ વખત ક્લિન બોલ્ડ કર્યા. તેમની એ પ્રતિભા પારખીને એ અંગ્રેજ ખેલાડીએ બાલુને ક્રિકેટમાં આગળ વધવા પ્રેરણા આપી. એ પછી તેઓ હિન્દુ જિમખાના માટે રમવા સિલેક્ટ થયા હતા. ૧૯૧૧ની ઇન્ડિયાની ઇંગ્લૅન્ડ ટૂર માટે લેફ્ટ-આર્મ સ્પિનર પી. બાલુની ટીમમાં પસંદગી કરવામાં આવી હતી. જેમાં તેમણે ૨૩ મૅચમાં ૧૧૪ વિકેટ લીધી હતી. ૨૦મી સદીના મહાનત ક્રિકેટરોમાં સામેલ પી. બાલુને જો કે તેમની દલિત જાતિના કારણે અનેક અપમાનો સહન કરવા પડ્યા હતા. ટીમના સાથી હિંદુ અને પારસી ખેલાડીઓ તેમની સાથે ભયંકર ભેદભાવ રાખતા હતા. તેમને પૅવિલિયનમાં પણ એન્ટ્રી નહોતી. મૅચમાં ટી-બ્રેક દરમ્યાન તેમના માટે અલગથી ચા લાવવામાં આવતી અને ભોજન પણ અલગ ટેબલ પર લેવું પડતું હતું. આવા ભયંકર અપમાનો છતાં બાલુએ ક્રિકેટ રમવાનું નહોતું છોડ્યું. પરિસ્થિતિ એવી પેદા થતી કે હિંદુઓની ટીમમાં જો પી. બાલુ ન હોય તો બીજા બોલરોનું એ ગજું જ નહોતું કે તે અંગ્રેજ ટીમના ટોપ ઓર્ડરને આઉટ કરી શકે. હિંદુ-પારસીની ટીમ બાલુ વગર નકામી બની જતી હતી. હવે આ દલિત ક્રિકેટર પર તિગ્માંશુ ધુલિયા જેવા ડિરેક્ટર ફિલ્મ બનાવવા જઈ રહ્યાં છે ત્યારે એક આશા ચોક્કસ બંધાય છે કે ફિલ્મમાં તેમની સાથે કરવામાં આવેલા જાતિગત ભેદભાવની વાતને પણ યોગ્ય રીતે દર્શાવવામાં આવે.

આ પણ વાંચોઃ Palwankar Baloo: એ દલિત ક્રિકેટર, જેણે અસ્પૃશ્યતા વેઠીને પણ દેશનું નાક બચાવેલું

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.