આપણી શાળાઓમાં માતા સાવિત્રીબાઈ ફૂલેનો પાઠ કેમ ભણાવાતો નથી?

સાવિત્રીબાઈ ફુલે આપણા દેશના પ્રથમ મહિલા શિક્ષિકા હતા. આ દેશની છોકરીઓ અને મહિલાઓ માટે શિક્ષણના અધિકાર માટે લાંબી લડાઈ લડનાર શિક્ષિકા. પરંતુ શું આપણી શાળાઓ અને વિશ્વવિદ્યાલયોમાં તેમના સ્થાન અને કદ પ્રમાણે તેમની વાત કરવામાં આવે છે, શું આપણે આપણી શાળાઓ અને કોલેજોમાં દેશના પ્રથમ મહિલા શિક્ષિકા તરીકે તેમનો પરિચય કરાવવામાં આવે છે? ના, અને તેનો શબ્દો ચોર્યા વિનાનો જવાબ છે જાતિવાદ. માતા સાવિત્રીબાઈ ફૂલે ઓબીસી સમાજમાંથી આવતા હોવાથી જાતિવાદી મનુવાદીઓ તેમને કદી પૂજનીય કે મહાન ન ગણે તે સ્વાભાવિક છે. જો કે, ચિંતા ત્યારે થાય જ્યારે આજે ઓબીસી સમાજ આટલો જાગૃત હોવા છતાં કાલ્પનિક દેવીને વિદ્યાની દેવી તરીકે પૂજવા બાબતે વાંધાવિરોધ નથી નોંધાવતો અને અસલ જિંદગીમાં ખરા અર્થમાં વિદ્યાની દેવી ગણાતા માતા સાવિત્રીબાઈ ફૂલેને શાળાઓમાં ભણાવવા બાબતે અવાજ બુલંક નથી કરતો.
બ્રિટીશ શાસનના સમયગાળા દરમિયાન, જ્યારે અંગ્રેજો ભારતમાં શિક્ષણને પ્રોત્સાહન આપી રહ્યા હતા અને ભારતીય પુરુષો તેમની સ્ત્રીઓને માત્ર ઘરના વાસણો સુધી મર્યાદિત રાખવા માંગતા હતા. આવા સમયે, સાવિત્રીબાઈએ માત્ર છોકરીઓના શિક્ષણ માટે જ કામ કર્યું ન હતું, પરંતુ વિધવા પુનર્લગ્ન, સગર્ભા બળાત્કાર પીડિતાના પુનર્વસન અને અસ્પૃશ્યતા નાબૂદીમાં પણ યોગદાન આપ્યું હતું. સાવિત્રીબાઈ અને જ્યોતિબા ફુલેએ 1848માં પુણેમાં પ્રથમ શાળા ખોલી અને 1853માં સગર્ભા બળાત્કાર પીડિતો માટે એક ઘર પણ શરૂ કર્યું.
તે એક શિક્ષક અને સમાજ સુધારક તેમજ મરાઠી કવિ હતાં. ‘ફૂલે કાવ્ય’ તેમની પ્રખ્યાત કૃતિ છે. ફૂલે દંપતીએ 1873માં સત્યશોધક સમાજની શરૂઆત કરી હતી અને 25 ડિસેમ્બર 1873ના રોજ પ્રથમ વિધવા પુનર્લગ્ન પણ કરાવ્યા હતા. સાવિત્રીબાઈ ફુલે એ ભારતમાં વાસ્તવિક નારીવાદી અને સશક્તિકરણનો પુરાવો છે. પરંતુ આજે આપણે જોઈએ છીએ કે તે સમયની બ્રાહ્મણવાદી અને પુરુષપ્રધાન વિચારસરણી આજે પણ આપણા સમાજમાં છે. આજે પણ શાળાના શિક્ષણમાં સાવિત્રીબાઈ ફુલેનો ઉલ્લેખ સુદ્ધાં નથી. સાવિત્રીબાઈ ફૂલે દેશના પ્રથમ શિક્ષક હતા પરંતુ ભારતીય શિક્ષણ પ્રણાલીમાં, શાળાના અભ્યાસક્રમથી અનુસ્નાતક સુધી, તેમના વિશે ન તો કોઈ પ્રકરણ/પાઠ શીખવવામાં આવે છે કે ન તો તેમના પર કોઈ વિશેષ અભ્યાસક્રમ બનાવવામાં આવ્યો છે.
સુધારો કેવો રીતે લાવી શકાય?
જ્યારે આપણે સર્વસમાવેશક શિક્ષણ પ્રણાલીની વાત કરીએ છીએ, ત્યારે તે જરૂરી છે કે સર્વસમાવેશક ઈતિહાસ પણ તેમાં નિષ્પક્ષતા સાથે સામેલ થવો જોઈએ. અભ્યાસક્રમ તૈયાર કરતી વખતે આધુનિક ભારતના નિર્માણમાં દલિત, બહુજ અને વંચિત વર્ગમાંથી આવતા વ્યક્તિત્વોનો પ્રામાણિકપણે ઉલ્લેખ કરવો ખૂબ જ જરૂરી છે.
મોટે ભાગે આપણે જોઈએ છીએ કે શાળાના અભ્યાસક્રમમાં સ્ત્રીઓનું પ્રતિનિધિત્વ ઓછું હોય છે અને મોટાભાગે પરંપરાગત ભૂમિકાઓમાં દર્શાવવામાં આવે છે. જે મહિલાઓ સ્વતંત્ર અને તેમના કામમાં અવાજ ઉઠાવતી હતી તેમને મોટાભાગના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવી નથી. ઇન્સ્ટિટ્યૂટ ફોર પોલિસી રિસર્ચ દ્વારા રચાયેલી સમિતિ 'શાળાના પાઠ્યપુસ્તકોની સામગ્રી અને ડિઝાઇનમાં સુધારો'ના અહેવાલ મુજબ, તેણે NCERTને પાઠ્યપુસ્તકોને લૈંગિક સમાવેશી બનાવવા, ઉભરતા વ્યવસાયોમાં મહિલાઓનું ચિત્રણ કરવા, ભારતીય સ્વતંત્રતા ચળવળમાં મહિલાઓની ભૂમિકાને પર્યાપ્ત રીતે રજૂ કરવા માટે સૂચન કર્યું હતું. હજુ સુધી આનો શાળાના અભ્યાસક્રમમાં વ્યાપકપણે અમલ કરવામાં આવ્યો નથી.