ફાતિમા શેખ: પ્રથમ મુસ્લિમ શિક્ષિકા જેમણે ક્રાંતિસૂર્ય ફૂલે દંપતી સાથે મળીને 170 વર્ષ પહેલાં કન્યા કેળવણીની મશાલ પ્રગટાવી હતી
170થી વધુ વર્ષ પહેલાં શિક્ષણ મોટાભાગના લોકો સુધી પહોંચ્યું ન હતું. જ્યારે વિશ્વ આધુનિક શિક્ષણમાં ઘણું આગળ વધી ગયું હતું ત્યારે ભારતમાં મોટાભાગના લોકો શિક્ષણથી વંચિત હતા. એ સમયે કન્યા કેળવણીની શું હાલત હતી એ તો પૂછવા જેવું જ નથી. જ્યોતિબા ફૂલેનો જન્મ 1827માં પૂના (હાલ પુણે)માં થયો હતો. તેમણે બહુજનોની દુર્દશા ખૂબ નજીકથી જોઈ હતી. તેઓ જાણતા હતા કે આનું કારણ નિરક્ષરતા છે. તેથી જ તેઓ ઈચ્છતા હતા કે બહુજનોના ઘર સુધી શિક્ષણનો ફેલાવો થવો જોઈએ. ખાસ તો તેઓ કન્યા કેળવણીના પ્રબળ સમર્થક હતા. જેની શરૂઆત તેમણે પોતાના ઘરેથી જ કરી હતી. તેમણે સૌપ્રથમ તેમનાં જીવનસાથી સાવિત્રીબાઈને શિક્ષણ આપ્યું. જ્યોતિબાએ પોતાનાં પત્નીને શિક્ષણ આપીને પોતાનું કાર્ય આગળ ધપાવવાની તૈયારી શરૂ કરી.
તે સમયના લોકોને આ વાત બિલકુલ પસંદ ન આવી. ચારે બાજુથી તેમનો વિરોધ થવા લાગ્યો. એમ છતાં જ્યોતિબા જોરશોરથી પોતાનું કામ કરતા રહ્યા. જ્યારે જ્યોતિબા સંમત ન થયા, ત્યારે તેમના પિતા ગોવિંદરાવ પર દબાણ લાવવામાં આવ્યું. આખરે પિતાને પણ પ્રસ્થાપિત વ્યવસ્થા સમક્ષ ઝૂકવા મજબૂર થવું પડ્યું. જ્યોતિબાને પોતાનું ઘર છોડવાની ફરજ પડી.
તેમના એક મિત્ર ઉસ્માન શેખ પુણેની ગંજ પેઠમાં રહેતા હતા. તેમણે પોતાનું ઘર જ્યોતિબાને રહેવા માટે આપ્યું. ઉસ્માન શેખ પણ કન્યા કેળવણીનું મહત્વ સમજતા હતા. તેમની એક બહેન હતી ફાતિમા. ઉસ્માન શેખે તેમના હૃદયમાં શિક્ષણ પ્રત્યેની રુચિ કેળવી. સાવિત્રીબાઈની સાથે તેમણે પણ લખવાનું અને વાંચવાનું શીખવાનું શરૂ કર્યું. બાદમાં તેમણે શૈક્ષણિક પ્રમાણપત્ર મેળવ્યું. જ્યોતિબાએ 1848માં ઉસ્માન શેઠને ત્યાં પોતાની પ્રથમ શાળા શરૂ કરી હતી.
ક્રાંતિસૂર્ય ફૂલે દંપતીએ કન્યાઓ માટે ઘણી શાળાઓ સ્થાપી. સાવિત્રીબાઈ અને ફાતિમાએ ત્યાં ભણાવવાનું શરૂ કર્યું. જ્યારે પણ તેઓ ત્યાંથી પસાર થતા ત્યારે લોકો તેમની મજાક ઉડાવતા, તેમના પર પથ્થર અને ગંદકી ફેંકતા. બંનેએ આ અત્યાચાર સહન કરવાનું ચાલુ રાખ્યું, પણ પોતાનું કામ બંધ ન કર્યું. ફાતિમા શેખના સમયમાં છોકરીઓના શિક્ષણમાં અસંખ્ય અવરોધો આવ્યા. એવા સમયમાં તેમણે જાતે જ શિક્ષણ મેળવ્યું. બીજાને વાંચતા-લખતા શીખવ્યું. શિક્ષણ આપનારાં તેઓ પ્રથમ મુસ્લિમ મહિલા હતાં, જેમની પાસે શિક્ષણનું પ્રમાણપત્ર હતું.
ફાતિમા શેખે છોકરીઓના શિક્ષણ માટે આપેલી સેવાઓને ભૂલી શકાય તેમ નથી. ફાતિમા શેખ ઘરે ઘરે જઈને લોકોને શિક્ષણની જરૂરિયાત સમજાવતા અને દીકરીઓને શાળાએ મોકલવા માતા-પિતાને સમજાવે. આખરે તેમની મહેનત ફળવા લાગી. લોકોના વિચારોમાં પરિવર્તન આવ્યું. તેઓ તેમના ઘરની છોકરીઓને શાળાએ મોકલવા લાગ્યા. છોકરીઓમાં પણ શિક્ષણ પ્રત્યે રુચિ કેળવવા લાગી. શાળામાં તેમની સંખ્યા સતત વધતી ગઈ. મુસ્લિમ છોકરીઓ પણ ખુશીથી શાળાએ જવા લાગી.
એક બહાદુર માનવતાવાદી શિક્ષિકા ફાતિમા શેખને હૃદયપૂર્વક સલામ, જેમણે પ્રતિકૂળ સંજોગોમાં સ્થાપિત પ્રણાલીની વિરુદ્ધ જઈને શિક્ષણના મહાન કાર્યમાં આત્મસૂઝ વડે ફૂલે દંપતીને ટેકો આપ્યો.