'અનામત માથાનો દુઃખાવો બની ગઈ છે' - ભાભરમાં ભાજપની નેતાનો બફાટ
ભાભરમાં પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં ભાજપના પ્રદેશમંત્રી નૌકા પ્રજાપતિએ જાહેર મંચ પરથી અનામતને દૂર કરવાની વાત કરતા હોબાળો મચી ગયો છે.

આરએસએસ, ભાજપ અને તેની સાથે જોડાયેલી સંસ્થાઓ અને તેના કાર્યકરો પર દલિત, આદિવાસી અને ઓબીસી સમાજની અનામતના કટ્ટર વિરોધી હોવાના આરોપો સતત લાગતા રહે છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપના નેતા અનંતકુમાર હેગડેએ જાહેર મંચ પરથી કહ્યું હતું કે 400 સીટો જીતીશું તો બંધારણ બદલી દઈશું. રાજસ્થાન ભાજપના નેતા કિરોડીલાલ મીણાએ પણ બંધારણ બદલી નાખવાની અને અનામત ખતમ કરી નાખવાની વાત કરી હતી. જેનું પરિણામ ભાજપે લોકસભાની ચૂંટણીમાં ભોગવવું પડ્યું હતું. હવે ફરી એકવાર બરાબર પ્રજાસત્તાક દિવસે ભાજપના એક મહિલા નેતાએ અનામતને માથાનો દુઃખાવો ગણી તેને હટાવવી શક્યા નથી તેને લઈને જાહેર મંચ પરથી દુઃખ વ્યક્ત કર્યું હતું. જેને લઈને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.
દેશભરમાં આજે 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે ગુજરાતના બનાસકાંઠાના ભાભરમાં નગરપાલિકા ખાતે યોજાયેલા પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમ દરમિયાન ભાજપના પ્રદેશ મંત્રીએ જાહેર મંચ પરથી અનામતનો વિરોધ કરીને કહ્યું કે, 'અનામત માથાનો દુખાવો બની રહી છે'
બનાસકાંઠાના ભાભરના આઝાદ ચોક ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં જિલ્લાના ભાજપ પ્રદેશ મંત્રી નૌકાબહેન પ્રજાપતિએ જાહેર મંચ પરથી અનામતને લઈને આપેલા નિવેદન આપતા કહ્યું કે, 'તૃષ્ટીકરણની રાજનીતિ અને વોટ બેંકની નીતિના આધારે અનામતને આજે પણ આપણે દૂર કરી શક્યા નથી. અનામત માથાનો દુખાવો બની રહી છે. દેશમાં આપણું આર્થિક સ્તર સુધરીને 5માં સ્થાને જઈ રહ્યું છે. દેશની પ્રોપર્ટી-મિલકત આપણી જ છે મિત્રો, ભારતના નાગરિક તરીકે આપણી શું ફરજ હોઈ શકે. રાષ્ટ્રભક્તિ ફક્ત 15મી ઓગસ્ટ કે 26માં જાન્યુઆરી નહીં પરંતુ આપણા અંદર દેશ પ્રત્યેની નિષ્ઠા હોવી જોઈએ.'
એક તરફ ભાજપ કહેતુ આવ્યું છે કે, દેશમાં બંધારણ છે ત્યાં સુધી અનામતને કોઈ હટાવી નહીં કરી શકે. બીજી તરફ, પ્રજાસત્તાક દિવસે જ ભાજપના આ મહિલા નેતાની અનામત હટાવી દેવાના નિવેદનને કારણે ભારે હોબાળો મચી ગયો છે.
જ્યારે નૌકાબહેન પ્રજાપતિએ સમગ્ર મામલે જણાવ્યું હતું કે, 'આ મારું વ્યક્તિ નિવેદન હતું અને તેનાથી કોઈને હાની પહોંચી હોય તો હું માફી માંગું છે. આ કોઈ પાર્ટી વતી નિવેદન ન હતું.'
આ પણ વાંચો: 'નહેરૂ, ઈંદિરા, રાજીવ ગાંધી અનામત વિરોધી હતા' - દલિત સાંસદના કોંગ્રેસ પર આક્ષેપ
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Babul chauhanMatka banavo Ema faydo chhe