રાજકોટના જેતલસરમાં ભૂવાજીએ ગૌશાળામાં કૂટણખાનું શરૂ કર્યું?

ગામલોકોએ તપાસ કરતા ભાંડો ફૂટ્યો. પોલીસને જાણ કરી પણ યોગ્ય કાર્યવાહી ન થતા ગૃહમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી.

રાજકોટના જેતલસરમાં ભૂવાજીએ ગૌશાળામાં કૂટણખાનું શરૂ કર્યું?
image credit - Google images

ધર્મની આડમાં આ દેશમાં કંઈપણ કરી શકાય છે, પછી તે વેશ્યાવૃત્તિ જ કેમ નથી. આવો જ એક કિસ્સો રાજકોટ જિલ્લાના જેતપુરના જેતલસરમાં સામે આવ્યો છે. અહીં ધર્મના નામે ધતિંગ કરતાં એક ભૂવાજીએ જેતપુરના જેતલસર ગામે ગૌશાળાની અંદર કુટણખાનું ચાલુ કર્યું હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે. આ મામલે એક ઓડિયો ક્લિપ વાયરલ થતા રાજકોટ ગ્રામ્ય એસપીએ તપાસના આદેશ કર્યા હતા. જો કે મામલો ધર્મની આડમાં કાળા કામોનો હોવાથી પોલીસે માત્ર નામપુરતી કાર્યવાહી કરીને માત્ર જાહેરમાં ચેનચાળા કરાયા હોવાનો ગુનો નોંધીને આખા મામલાનો વીંટો વાળી દીધો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસે આ મામલામાં જવાબદાર બે મુખ્ય સૂત્રધારોને બચાવી લીધા છે, જેના કારણે હવે આ કેસમાં પુરાવા સાથે ગૃહમંત્રીને રજૂઆત કરાતા સ્થાનિક પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

મામલો શું છે?
ગુજરાતના મોટા શહેરોમાં અને હવે તો નાના ટાઉનોમાં પણ જિમ, સ્પ અને ,બ્યૂટી પાર્લરની આડમાં દેહવ્યાપાર થતો હોવાની વાત નગ્ન સત્ય છે. પરંતુ રાજકોટના જેતપુર તાલુકાના જેતલસર ગામે ગૌશાળાની આડમાં બે સંચાલકોએ 6 માસથી દેહવ્યાપારનો ધંધો શરૂ કર્યો હતો. જેમાં હવસખોરો ગૌશાળાની મુલાકતના નામે ઓરડીમાં બેઠેલી લલનાઓ સાથે રંગરેલીયા મનાવવા માટે આવતા હતા. જો કે અચાનકથી ગૌશાળાના મુલાકાતીઓ વધી જતાં ગામલોકોને શંકા ગઈ હતી અને તેમણે અંદરખાને તપાસ કરાવતા તેમને હોંશ ઉડી ગયા હતા. કેમ કે ભૂવાજી ધર્મની આડમાં અહીં કૂટણખાનું ચલાવી રહ્યા હતા.

આ પણ વાંચોઃ ત્રણ માસની 'ભગવતી'ને ભૂવાએ અગરબત્તીના ડામ દેતા મોત

ગામલોકોએ પોલીસને જાણ કરી
ઘટનાની જાણ થતા જ ગામલોકોએ તરત ગ્રામ્ય એસપીને ફોન કરીને જાણ કરી હતી. એ પછી તરત જેતપુર તાલુકા પોલીસે દરોડો પાડીને ગૌશાળાના સંચાલક ધવલ મનસુખ મારકડા અને રાજકોટ ગ્રામ્યની એક મહિલાને ઝડપી પાડીને જાહેરમાં ચેનચાળા કર્યા હોવાનો ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. જો કે આ બનાવમાં પોલીસે બે સંચાલકોની પોલીસે આબરૂ બચાવી લીધી હોવાની ચર્ચા છે. જેનાથી નારાજ થયેલા ગામલોકોએ આ આખી ઘટનાના કેટલાક ઓડિયો-વીડિયો અને ફોટાં સાથેની સીડી તૈયાર કરીને ગૃહ રાજ્યમંત્રીને મોકલી ન્યાયની માંગણી કરતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે.

ગૌશાળાની અંદર ધંધો કરવો પડશે, નહીંતર હપ્તો આપવો પડશે?
જેતલસરની ગૌશાળાની અંદર ચાલતા કૂટણખાનાને લઈને તેના સંચાલકો વચ્ચે પૈસા બાબતે ડખ્ખો શરૂ થયા બાદ ઓડિયો ક્લિપ વાઇરલ થતાં ચકચાર મચી ગઈ છે. આ મામલે 7 જેટલી ઓડિયો ક્લિપ વાયરલ થતા સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ છે. જેમાં ગૌશાળાની અંદર દેહવ્યાપારનો ધંધો કરતાં શખ્સો તથા અન્ય શખ્સ વચ્ચેની વાતચીત છે. જેમાં સ્પષ્ટ રીતે સાંભળવા મળે છે કે, જેતલસર ગામે અલગ અલગ ત્રણથી ચાર જગ્યાએ કૂટણખાનું ચાલી રહ્યું છે. ઓડિયોમાં એક શખ્સ બોલતો જણાય છે કે, તે પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ સાથે વગ ધરાવે છે તેથી ખંડણી તરીકે રૂ. 10 હજાર આપવા પડશે. તે વધુમાં કહે છે કે, જો ધંધો કરવો હોય તો ગૌશાળાની અંદર જ કરવો પડશે અને દરરોજના 1000 રૂપિયા આપવા પડશે, જો નહીં આપો તો દર મહિને હપ્તો આપવો પડશે. આમ ગૌશાળામાં કૂટણખાનું ચાલું થવાની આ ઘટનાથી ગામલોકોમાં સોંપો પડી ગયો છે અને પોલીસે આ મામલે વહેલીતકે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

આ પણ વાંચોઃ ભૂવાએ સારવારના નામે આંકડાનું પાણી પીવડાવતા મહિલાનું મોત 


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.