ઉર્વીન મહેશ્વરીના મોતની તપાસ CBIને સોંપવા મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ
અમદાવાદની એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજમાં ભણતા કચ્છના વિદ્યાર્થી ઉર્વીન મહેશ્વરીના શંકાસ્પદ મોત મામલે હવે સીબીઆઈ તપાસની માંગ કરાઈ છે.
કચ્છના માંડવીના રહેવાસી અને અમદાવાદની એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજમાં ભણતા મહેશ્વરી મેઘવાળ સમાજના ઉર્વીન ચુઈયા(મહેશ્વરી) નામના યુવકની થોડા દિવસ પહેલા અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી સ્થિત હોસ્ટેલમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. જેમાં તેના શરીર પર અનેક ઠેકાણે બ્લેડના ઘા મારેલા હતા. આ ઘટનાના કચ્છ સહિત સમગ્ર ગુજરાતના દલિત સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. મૃતકના પરિવારજનોનું સ્પષ્ટપણે માનવું છે કે ઉર્વીન આત્મહત્યા કરે તેવો ડરપોક છોકરો નહોતો અને તેની આયોજનપૂર્વક હત્યા કરવામાં આવી છે. જો કે, પોલીસે આ મામલામાં અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હોવાથી તેના વિરોધમાં કચ્છમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.
કચ્છના ભૂજ ખાતે ગઈકાલે સમસ્ત મહેશ્વરી મેઘવાળ સમાજે હજારોની સંખ્યામાં રેલી સ્વરૂપે નીકળી મૃતક ઉર્વીન ચુઈયા(મહેશ્વરી)ને ન્યાય મળે તે માટે ડૉ. બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યૂથી જ્યુબિલી સર્કલ થઈને જિલ્લા કલેક્ટર કચેરી સુધી પહોંચ્યો હતો. આ રેલીમાં સમસ્ત મહેશ્વરી સમાજ સહિત મોટી સંખ્યામાં બહુજન સમાજના લોકો જોડાયા હતા અને કલેક્ટર કચેરીએ પહોંચીને મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર આપ્યું હતું.
આ પણ વાંચો: Exclusive: ઉંમર અને ઊંચાઈને પણ સામાજિક ભેદ નડે છે!
આવેદનપત્રમાં મૃતક ઉર્વીન ચુઈયાના પરિવારને ન્યાય માટે પોલીસ તટસ્થ તપાસ કરી એલ.ડી. એન્જિનિયરીંગ કૉલેજેના જવાબદારો સામે ધોરણસરની ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. આ સાથે જ સમગ્ર ઘટનાની સીબીઆઈ તપાસની પણ માંગ કરાઈ છે.
ગુજરાત પ્રદેશ મહેશ્વરી મેઘવાળ સમાજના પ્રમુખ નરેશભાઈ મહેશ્વરીની સહી સાથેના લેટરહેડ પર લખાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે, તા. 8 જુલાઈ 2024ના રોજ અમદાવાદની એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજની હોસ્ટેલમાંથી માંડવીના ઉર્વીન મહેશ્વરીનો ત્રીજા માળે બંધ રૂમમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.
આ પણ વાંચો: વિરમગામના દલિતો 'ભેદભાવ નો ગરબો' માથે ઉપાડી ગાંધીનગર સુધી જશે
જેમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. પણ ઉર્વીનનો મૃતદેહ જોતા તેણે આત્મહત્યા નથી કરી પરંતુ તેની હત્યા થઈ છે. કારણ કે, તેના શરીરમાં ગળું, હાથ, પગ બ્લેડના તિક્ષ્ણ ઘા છે અને કોઈ એકવાર ઘાયલ થયા પછી આટલી બેરહેમીથી પોતાને ઘા ન કરી શકે. આ સિવાય પણ બીજા અનેક કારણો છે જે પોલીસની આત્મહત્યાની થિયરી પર શંકા પેદા કરે છે.
આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું છે કે, કેમિકલ એન્જિનિયરીંગના વિદ્યાર્થી ઉર્વીને જો આત્મહત્યા જ કરવી હોત તો તે બીજા સરળ રસ્તા અપનાવી શક્યો હતો, તે ગળેફાંસો ખાઈ શક્યો હોત, ઝેરી દવા પી શક્યો હોત અથવા ત્રીજા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી શકત. પણ હોસ્ટેલના એક અવાવરૂ રૂમમાં જઈને તે આત્મહત્યા કરે તે અનેક સવાલો પેદા કરે છે.
આ પણ વાંચો: ઝાંઝરિયાના દલિત શિક્ષકની આત્મહત્યા મામલે સામાજિક કાર્યકર કાંતિલાલ પરમારે માનવ અધિકાર આયોગમાં ફરિયાદ દાખલ કરી
આવેદનપત્રમાં હોસ્ટેલ તંત્રને લઈને પણ અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા છે. જેમાં કહેવાયું છે કે, કોઈપણ પરિવાર પોતાના દીકરાને હોસ્ટેલમાં રહેવા મોકલે છે ત્યારે તેની સંપૂર્ણ જવાબદારી હોસ્ટેલના સંચાલકોની હોય છે. એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજની બેદરકારીને કારણે ઉર્વીનની હત્યા થઈ છે. હોસ્ટેલ કેમ્પસમાં સીસીટીવી નથી, ગેરકાયદેસર રીતે બહારથી આવેલા અનેક છોકરાઓ અહીં કાયમ અડિંગો જમાવીને રહે છે જેઓ અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહે છે. આથી એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજના તમામ જવાબદારો સામે ધોરણસરની ફરિયાદ દાખલ કરવામાં આવે.
વધુમાં આવેદનમાં વિનંતી કરવામાં આવી છે કે, સમગ્ર ગુજરાતમાં વસતા મહેશ્વરી મેઘવાળ સમાજ દ્વારા આ આવેદનપત્ર પાઠવી વિનંતી સાથે રજૂઆત કરવામાં આવે છે, એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજના જવાબદારો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે, આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે અથવા એસઆઈટીની રચના કરી તપાસ કરાય. સાથે જ હોસ્ટેલ કમ્પાઉન્ડમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે, ગેરકાયદેસર રહેતા અસામાજિક તત્વોને હોસ્ટેલમાંથી બહાર કાઢી મૂકવામાં આવે અને ઈન-આઉટ રજિસ્ટર મેઈન્ટેન કરવામાં આવે. જેથી આ પ્રકારની ઘટના બનતી અટકે અને અન્ય કોઈ યુવાનનું મોત ન થાય.
આ પણ વાંચો: JAI BHIM Donors Clubની જય હો! NEETની તૈયાર કરતા ગરીબ વિદ્યાર્થીની ફી ભરી આપી
ગુજરાત પ્રદેશ મહેશ્વરી મેઘવાળ સમાજના પ્રમુખ નરેશભાઈ મહેશ્વરીની આગેવાનીમાં મૃતક ઉર્વીન ચુઈયાના પરિવારજનોની સાથે મોટી સંખ્યામાં સમાજના લોકો આ આવેદનપત્ર આપતી વખતે હાજર રહ્યા હતા. આંબેડકર સ્ટેચ્યૂથી નીકળેલી રેલીમાં અખિલ ભારતીય માતંગ મંડળના પ્રમુખ ધીરજદાદા માતંગ, કોંગ્રેસી અગ્રણી નિતેશભાઈ લાલણ, અનુ. જાતિ મોરચાના આગેવાન અશોકભાઈ હાથી, મહેશ્વરી સમાજના હીરાભાઈ ધુવા, પૂનમભાઈ ચુણા, જીવરાજભાઈ ભાભી, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કુંવરબેન મહેશ્વરી, પૂર્વ ન્યાય સમિતિના ચેરમેન કેશવજી રોશિયા, ધનજીભાઈ હેંગણ, હિતેશ મહેશ્વરી, મંગલભાઈ ફમ્મા, લખપતથી ગોપાલભાઈ માતંગ, મુન્દ્રાથી મહેશ્વરી સમાજના મીઠુભાઈ સીંચ, મેળવાળ વણકર સમાજ મારવાડા સમાજના પ્રેમજીભાઈ મગરિયા, દિનેશભાઈ સીજુ, મયૂરભાઈ મહેશ્વરી સહિત મોટી સંખ્યામાં સમાજના આગેવાનો જોડાયા હતા.
મૃતક ઉર્વીનના પરિવારમાંથી તેના પિતા કમલેશભાઈ ચુઈયા, તેની માતા, લક્ષ્મીબેન ચુઈયા, બાલુબેન ઘેડા, આશાબેન ફુફલ, મહેશ્વરી યુવા સંગઠનના પ્રમુખ નરેશભાઈ ફુલીયા, અજય ભોઈયા, કમલેશભાઈ વાડા સહિત અંદાજે 2500થી વધુ લોકો જોડાયા હતા.
આ પણ વાંચો: LD એન્જિનિયરીંગ કૉલેજના દલિત વિદ્યાર્થીની આત્મહત્યા કે હત્યા?
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
SHAMBHU PARIYAGHAMBHU KUTC