રામલીલા જોવા ગયેલા દલિતને પોલીસે માર્યો, લાગી આવતા ગળેફાંસો ખાધો
રામલીલા જોવા ગયેલા એક દલિત વ્યક્તિ ખાલી ખુરશી પર બેઠાં તો પોલીસે તેમને માર માર્યો. જેનાથી લાગી આવતા દલિત વ્યક્તિએ ગળે ફાંસો ખાઈ લીધો.
Kasganj Ramlila Controversy : ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાં એક દલિત વ્યક્તિએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આરોપ છે કે અહીંની પોલીસે રામલીલા જોવા ગયેલા તે દલિત વ્યક્તિનું અપમાન કર્યું હતું અને તેમને ખુરશી પર બેસવા નહોતા દીધાં. એટલું જ નહીં, તેમને માર માર્યો હતો, જેનાથી દુઃખી થઈને તેમણે આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતકની પત્નીએ આરોપી પોલીસકર્મીઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે બાદ હવે પોલીસે આ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.
મામલો શું હતો?
ઘટના ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લાના સોરોં પોલી સ્ટેશનના સલેમપુર વીવી ગામમાં બની હતી. જ્યાં એક દલિત વ્યક્તિએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. મૃતકની પત્નીનો આરોપ છે કે રામલીલાના ચોગાનમાં ખુરશી પર બેઠેલા બે પોલીસકર્મીઓએ તેમના પતિને માર માર્યો અને તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. આ ઘટનાને લઈને તેમને ભારે લાગી આવતા તેમણે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. મૃતકની પત્નીએ બે પોલીસકર્મી બહાદુર સિંહ અને વિક્રમ સિંહ વિરુદ્ધ સોરોં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મૃતકનું નામ રમેશ ચંદ હોવાનું કહેવાય છે. તેમના જમાઈ મનોજ કુમારે કહ્યું કે 'તેઓ રાત્રે 9 વાગ્યે રામલીલા જોવા ગયા હતા. ત્યાં ખુરશીઓ પડી હતી તેથી તેઓ એક ખુરશી પર બેસી ગયા. એ જોઈને હેડ કોન્સ્ટેબલ બહાદુર સિંહ અને એક કોન્સ્ટેબલ વિક્રમ સિંહ ત્યાં આવ્યા અને તેમને ખેંચીને લઈ ગયા. આ બંનેએ તેમને માર માર્યો અને તેમની સાથે ગાળાગાળી કરી દુર્વ્યવહાર પણ કર્યો, જેનાથી તેમની લાગણીઓને ભારે ઠેસ પહોંચી હતી. એ પછી તેમણે ઘરે આવીને રડતા રડતા આખી વાત જણાવી અને પછી ગળે ફાંસો ખાઈ લીધો.
મામલાની તપાસ કરતા કાસગંજના એએસપી રાજેશ કુમાર ભારતીએ જણાવ્યું કે રામલીલા ચાલી રહી હતી ત્યારે ગામના રમેશ ચંદ સ્ટેજ પર બેસી ગયા હતા. આયોજકો અને દર્શકોએ તેમને ત્યાંથી હટવાનું કહ્યું, જેથી પોલીસે તેમને ત્યાંથી હટાવ્યા. એ પછી તેઓ ઘરે પરત ફર્યા. બીજા દિવસે સવારે રમેશ ચંદે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાની માહિતી મળી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
આ પણ વાંચોઃ રામલીલામાં રામનું પાત્ર ભજવતા કલાકારને સ્ટેજ પર આવ્યો હાર્ટએટેક, સારવારમાં મોત