'આદિલોક' મેગેઝિને 100 અંક પૂર્ણ કર્યા, વેબસાઈટનું લોકાર્પણ કરાયું
આદિવાસી સમાજના અવાજને મજબૂતીથી સમાજ વચ્ચે મૂકતા 'આદિલોક' મેગેઝિનનું લવાજમ ભરીને મૂળનિવાસીઓના પત્રકારત્વને ટેકો કરવા સૌને અપીલ છે.

ગુજરાત સહિત દેશભરમાં આદિવાસી સમાજના અવાજને મજબૂતીથી સમાજ અને દેશ વચ્ચે મૂકી શકે તેવા માધ્યમની ભારે તાણ વર્તાઈ રહે છે ત્યારે ગુજરાતમાં છેલ્લાં 16 વર્ષથી સતત પ્રકાશિત થતા આદિલોક મેગેઝિને તેના 100 અંક પૂર્ણ કર્યા છે. વર્ષ ૨૦૦૮થી સતત પ્રકાશિત થતા આદિવાસી સમાજકેન્દ્રિત દ્વિમાસિકના 100 મા અંકના પ્રાગટ્ય નિમિત્તે એક દિવસીય સેમિનાર અને લેખક-વાચક મિલનનો કાર્યક્રમ અમદાવાદના સેન્ટ ઝેવિયર્સ કોલેજના હર્બર્ટ ડિસોઝા હોલમાં તારીખ ૧૫ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ યોજાયો હતો.
ગુજરાતના વરિષ્ઠ પત્રકાર અજય ઉમટની અધ્યક્ષતામાં યોજાયેલા આ સમારંભમાં અતિથિ વિશેષ તરીકે રમેશ તન્ના અને ભરત મહેતાએ વક્તવ્યો રજૂ કર્યા હતા. ડાંગથી લઈને અમીરગઢ સુધીના પૂર્વપટ્ટીના આદિવાસી પ્રતિનિધિઓ, અમદાવાદની કોલેજ-યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં આદિવાસી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. સમારંભનો શુભારંભ આદિવાસી ભાષામાં પ્રકૃતિવંદના ગાઈને કરાયો હતો.
'આદિલોક'ના તંત્રી આનંદ વસાવાએ આદિલોક સામયિકની 17 વર્ષની સંઘર્ષમય યાત્રાનો આછો પરિચય આપી તેના ધ્યેયકથનનો દિશાનિર્દેશ કર્યો હતો. આદિલોકના પ્રકાશક ડૉ. કનુ વસાવાએ આદિલોકમાં પ્રકાશિત સામગ્રીની સૂચિનો પરિચય કરાવી 'આદિલોક' સામયિકની સિદ્ધિઓ વર્ણવી હતી. અતિથિ વિશેષ તરીકે રમેશ તન્નાએ આદિવાસી સમાજ ના હકારાત્મક પાસાઓ રજૂ કર્યા હતા અને તેમનો હરખ વ્યક્ત કર્યો હતો. પ્રો. ભરત મહેતાએ ભારતીય પત્રકારત્વમાં આદિવાસીઓની ભૂમિકા સમજાવી આદિવાસી પત્રકારત્વની સંઘર્ષપૂર્ણ ભૂમિકાની સદ્રષ્ટાંત રજૂઆત કરી હતી.
સમારંભના અધ્યક્ષ અજય ઉમટે આદિવાસી સમાજનું માધ્યમોમાં નિરૂપણ વિશે તેમનો દ્રષ્ટિકોણ રજૂ કરી પત્રકારત્વના વિદ્યાર્થીઓને પ્રતિનિધિત્વ કરવા આહવાન કર્યું હતું. ભોજન બાદની બેઠકમાં વિશિષ્ટ પ્રદાન કરનાર તાલુકા જિલ્લા સંયોજકોનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત પ્રતિનિધિઓએ આદિલોક વિશેના તેમના અભિપ્રાયો રજૂ કર્યા હતા. ગુજરાતના આદિવાસી ઇતિહાસમાં સૌથી લાબું આયુષ્ય ધરાવતા 'આદિલોક' સામયિકની વેબસાઈટનું લોકાર્પણ સમારંભના અધ્યક્ષના હાથે કરવામાં આવ્યું હતું.
અમીરગઢથી લઈને ડાંગ વિસ્તારના આદિલોકના તાલુકા-જિલ્લા સંયોજકોએ તેમની સમસ્યાઓ રજૂ કરી હતી. લેખન, ફોટોગ્રાફી અને પ્રચાર-પ્રસાર ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર સંયોજકોને સ્મૃતિભેટ આપીને સન્માન કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે વંચિતોના પત્રકારત્વ સાથે સંકળાયેલા અગ્રણીઓ નટુભાઈ પરમાર, નરેશ મકવાણા, મૂળચંદ રાણા, હર્ષદ પરમાર, ભગવાનદાસ પટેલ, વગેરે અગ્રણીઓએ ઉપસ્થિત કહીને આદિલોકની સિદ્ધિને બિરદાવીને પ્રોત્સાહન પુરું પાડ્યું હતું. આદિલોકના માર્ગદર્શક ફાધર એન્થની પિચ્ચાઈએ આદિલોક ટ્રસ્ટ વતી સૌનો આભાર માનીને આ પ્રકારની પ્રવૃત્તિ માટે હંમેશા મદદરૂપ થવાનો ભાવ વ્યક્ત કર્યો હતો. અંતે આસ્થા વસાવાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
આદિલોક મેગેઝિન વિશે વધુ જાણકારી માટે અને તેનું લવાજમ ભરી આદિવાસી સમાજના અવાજને મજબૂત કરવા તેની વેબસાઈટ https://adilok.com/ પર ક્લિક કરો.
આ પણ વાંચોઃ આદિવાસી સમાજે પોતાનું રતન ગુમાવ્યું, ‘આદિલોક’ના તંત્રી પ્રો. આનંદ વસાવાના જીવનસાથી ભાનુબહેનનું અવસાન