નશામાં ધૂત 3 પોલીસવાળાએ દલિત યુવકને બૂટમાં પાણી ભરીને પીવરાવ્યું
પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગયેલા બે દલિત યુવકોને નશામાં ધૂત ત્રણ પોલીસવાળાએ આખી રાત બાંધીને નિર્દયતાથી ફટકાર્યા અને તેમના જોડામાં પાણી ભરીને પીવડાવ્યું હતું.
નસીરુદ્દીન શાહ અને અનુપમ ખેરની સુપરહિટ ફિલ્મ 'A Wednesday' માં એક સંવાદ છે, જે આ સ્ટોરીને સારો એવો લાગુ પડે છે. આખા શહેરમાં બોંબ મૂક્યાનો મેસેજ પોલીસ કમિશનર એવા અનુપમ ખેર પાસે પહોંચે છે, એ પછી બંને અભિનેતાઓ વચ્ચે લાંબો વાર્તાલાપ થાય છે. વાત વાતમાં અનુપમ ખેર નસીરુદ્દીનને પૂછે છે, "તુમ કૌન સે ઓર્ગેનાઈઝેશન સે હો?" જવાબમાં નસીરુદ્દીન કહે છે, "મેરા કોઈ ઓર્ગેનાઈઝેશન નહીં. આઈ એમ જસ્ટ સ્ટુપિડ કોમનમેન."
એ પછી તરત અનુપમ ખેરના અવાજમાં એક જુદા પ્રકારનો કોન્ફીડન્સ આવી જાય છે, તેનો ડર ગાયબ થઈ જાય છે, એ પછી નસીરુદ્દીન આગળ સંવાદમાં તે બાબતનો ઉલ્લેખ કરતા કહે છે, "જ્યાં સુધી મેં તમને હું એક સામાન્ય માણસ છું એમ જણાવ્યું નહોતું ત્યાં સુધી તમે મારાથી ડરતા પણ હતા અને મારી માંગણીઓને પણ ગંભીરતાથી લેતા હતા. પણ હવે તમને જ્યારે હું એક કોમનમેન છું એ ખ્યાલ આવ્યો કે, તરત તમારામાં એક ગજબનો કોન્ફીડન્સ આવી ગયો છે, કે અચ્છા આતંકવાદી નથી, સામાન્ય માણસ છે, તો તો પકડી લઈશ?"
આ ઘટના અહીં ટાંકવાનું કારણ એટલું જ કે જ્યારે અત્યાચારીઓને તેઓ જેમના પર અત્યાચાર ગુજારી રહ્યાં છે તેની જાતિ દલિત છે તે ખબર પડી જાય છે ત્યારે તેમનામાં એક જુદા પ્રકારનો કોન્ફીડન્સ આવી જાય છે કે, "અચ્છા દલિત છે, તો તો આપણને કંઈ નહીં થાય?"
આ પણ વાંચો: દલિત દંપતિ પોલીસ સાથે વાવણી કરવા ગયું, જાતિવાદીઓએ બધાંને માર્યા
આ આત્મવિશ્વાસ મનુવાદની દેન છે. વર્ષોથી કથિત સવર્ણો દ્વારા થતા દલિતો પરના અત્યાચારોને આપણી આખી સિસ્ટમ છાવરતી આવી છે. તેનું જ કારણ છે કે, આવા તત્વોને દલિતો પર અત્યાચાર કરતી વખતે જાણે કાયદો વ્યવસ્થાનો જરાય ડર જ નથી લાગતો. આપણે અહીં જેની વાત કરવા જઈ રહ્યાં છીએ તે ઘટનામાં પણ કંઈક આવું જ બન્યું છે. જેમાં પોલીસ ચોકીમાં બેસીને દારૂ પી રહેલા ત્રણ પોલીસવાળાને જ્યારે ખબર પડી કે તેમના દારૂના રંગમાં ભંગ પાડનાર ફરિયાદી યુવક દલિત છે, તો તેમણે તેને પોલીસ ચોકી બહાર લઈ જઈને બાંધી દીધો અને આખી રાત નિર્દયતાથી ફટકાર્યો. એટલાથી તેમનું મન ન ભરાયું તો યુવકને તેમના જોડામાં પાણી ભરીને બળજબરીથી પીવડાવ્યું. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ઘટના જાતિવાદના એપીસેન્ટર ગણાતા ઉત્તરપ્રદેશના કાનપુરની છે. અહીંના કલ્યાણપુરની એક દલિત મહિલાએ પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે કે નવશીલ ધામ પોલીસ ચોકીના ઈન્ચાર્જ અને અન્ય બે પોલીસવાળાએ મળીને તેમના દીકરાને આખી રાત બાંધી રાખી નિર્દયતાથી ફટકાર્યો હતો. એટલું જ નહીં ત્રણેય પોલીસવાળાએ વારાફરતી યુવકને પોતાના જોડામાં પાણી ભરીને પીવડાવ્યું હતું. મીડિયા રિપોર્ટ મુજબ મહિલાની ફરિયાદ બાદ હવે કલ્યાણપુરના એસીપીએ સમગ્ર ઘટનાની તપાસ પોતાના હાથમાં લીધી છે.
આ પણ વાંચો: બિમાર હોવાથી ઢોલ ન વગાડ્યો, ગામે વાલ્મિકી પરિવારનો બહિષ્કાર કર્યો
મહિલાના જણાવ્યા પ્રમાણે તેમનો દીકરો પડોશી યુવકની સાથે રિક્ષા ચલાવે છે. 17મી ઓગસ્ટના રોજ બંને વચ્ચે પેસેન્જર બેસાડવાને લઈને માથાકૂટ થઈ ગઈ હતી. જેની ફરિયાદ કરવા માટે મહિલાનો દીકરો નવશીલ ધામ પોલીસ ચોકી ગયો હતો. જ્યાં બાદમાં પડોશી યુવક પણ પહોંચ્યો હતો અને બંને વચ્ચે સમાધાન થઈ ગયું હતું. જેથી તેઓ પોલીસને સમાધાન થઈ ગયાની જાણ કરવા ગયા હતા.
જો કે, તેમણે જોયું કે, ત્રણેય પોલીસવાળા ચોકીના પાછળના ભાગમાં દારૂ પી રહ્યા હતા. યુવકે ત્યાં જઈને સમાધાન થઈ ગયું છે અને હવે મારે ફરિયાદ નથી કરવી તેમ જણાવ્યું એટલે ત્રણેય ઉશ્કેરાઈ ગયા હતા. ફરિયાદ પહેલા તેમને યુવક દલિત જાતિનો હોવાની જાણ હોવા છતાં તેને નશામાં ધૂત થઈને જાતિસૂચક ગાળો ભાંડવાનું શરૂ કરી દીધું હતું. એટલું જ નહીં તેમણે યુવકને કહ્યું કે, "તું તારી ઈચ્છા થાય ત્યારે ફરિયાદ કરે અને ઈચ્છા થાય ત્યારે પાછી ખેંચી લે તેમ નહીં ચાલે. હવે તારે અમને રૂ. 10,000 આપવા પડશે." એ દરમિયાન યુવકની માતા પણ ત્યાં પહોંચી ગઈ હતી. તેને પણ ત્રણેય પોલીસવાળાઓએ જાતિસૂચક ગાળો ભાંડીને અભદ્ર વર્તન કર્યું હતું.
મહિલાના જણાવ્યા પ્રમાણે એ પછી પોલીસવાળા બંને યુવકોને પોલીસ સ્ટેશને લઈ ગયા હતા અને ત્યાં પોલીસ સ્ટેશનની પાછળ લઈ જઈ બંને યુવકોને જાતિસૂચક ગાળો ભાંડીને સવાર સુધી નિર્દયતાથી માર મારતા રહ્યા હતા. એટલું જ નહીં, તેમણે મહિલાના દીકરાને તેમના જોડામાં પાણી ભરીને બળજબરીથી પીવડાવ્યું હતું. દરમિયાન બંને યુવકોના શરીર પર અનેક ઠેકાણે ઈજાઓ પહોંચી હતી. જેને લઈને પોલીસે બંનેને એમ કહેતો એક વીડિયો ઉતારવા મજબૂર કર્યા હતા કે, તેમને આ ઈજાઓ તેમના અંદરોઅંદરના ઝઘડાને કારણે થઈ છે. એ પછી બીજા દિવસે તેમની દંડની પાવતી ફાડીને છોડી મૂક્યા હતા.
હિંદુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ મુજબ કલ્યાણપુરના એસીપી અભિષેક પાંડેએ જણાવ્યું છે કે, તેમને આ ઘટનાની ફરિયાદ મળી છે અને તેઓ પોતે તેની તપાસ કરી રહ્યાં છે. ત્રણેય પોલીસકર્મીઓ અને પીડિત યુવકોને બોલાવીને તેમનું નિવેદન નોઁધવામાં આવશે અને જે પણ ગુનેગાર સાબિત થશે તેમના પર કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો:સવર્ણ પ્રેમિકાના પરિવારની મારામારીથી તંગ દલિત યુવકે આત્મહત્યા કરી