lateral entry એટલે દેશમાં મનુસ્મૃતિના કાયદા લાગુ કરવાનું ષડયંત્ર?
કેન્દ્ર સરકારે Lateral Entry નો નિર્ણય હાલ પુરતો ભલે પાછો ખેંચી લીધો હોય, પણ તેની પાછળનો તેનો લાંબા ગાળાનો ઈરાદો શું છે તે સમજવ જેવું છે.
નરેન્દ્ર મોદી સરકારે તેના ત્રીજા કાર્યકાળમાં લેટરલ એન્ટ્રી દ્વારા ફરી એકવાર 24 મંત્રાલયોમાં 45 જગ્યાઓ ભરવા માટેની જાહેરાત બહાર પાડી હતી, પણ ચોતરફી દબાણને કારણે પરત ખેંચવી પડી. આ ડેપ્યુટી સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી અને ડાયરેક્ટર જેવા ઉચ્ચ હોદ્દા પરની નિમણૂંકમાં કોઈ અનામત આપવામાં આવતી નથી. અહીં એ યાદ રાખવું જોઈએ કે આ હોદ્દો ધરાવતા અધિકારીઓ જ દેશની પોલિસી નક્કી કરતા હોય છે. બહુજન સમાજની રાજનીતિ કરતા પક્ષો બીએસપી, એસપી, એલજેપી, હમ, આરજેડી વગેરેએ લેટરલ એન્ટ્રીનો જોરદાર વિરોધ કર્યો હતો. એ પછી કોંગ્રેસે પણ તેમાં જોડાવું પડ્યું હતું. રાહુલ ગાંધીએ લેટરલ એન્ટ્રી દ્વારા આ નિમણૂંકોની જાહેરાત પર કહ્યું હતું કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન(UPSC) દ્વારા પસંદ કરાયેલા લોકોની જગ્યાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS) અને કોર્પોરેટ હાઉસમાંથી ઉચ્ચ હોદ્દા પર નિમણૂક કરવાનું આ ષડયંત્ર છે.
એમાં કોઈ શંકા નથી કે, લેટરલ એન્ટ્રી(Lateral Entry) દ્વારા ઉચ્ચ હોદ્દા પર ભરતી સંપૂર્ણપણે ગેરબંધારણીય છે. સવાલ એ છે કે, આમાં અનામત શા માટે લાગુ નથી પડતી? શું સરકાર એવું માને છે કે દલિતો, આદિવાસીઓ અને ઓબીસી સમાજના લોકો દેશ માટે નીતિઓ બનાવવા માટે સક્ષમ નથી? 2018માં જ્યારે લેટરલ એન્ટ્રીની રજૂઆત કરવામાં આવી હતી ત્યારે દલીલ એવી હતી કે નિષ્ણાતોની પોલિસી મેકીંગની જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. નિષ્ણાતોના નામે ટેકનોક્રેટ્સ અને કોર્પોરેટ ગૃહોના સંચાલકોની નિમણૂંક કરવામાં આવી હતી. હવે લેટરલ એન્ટ્રી દ્વારા કરાયેલી એ નિમણૂકો પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.
પહેલો પ્રશ્ન એ છે કે મૂડીવાદી ગૃહોના ટેક્નોક્રેટ્સ અને સંચાલકો ખેડૂતો, મજૂરો, દલિતો અને આદિવાસીઓ માટે શું નીતિઓ બનાવશે? તે સમજવા માટે કોઈ રોકેટ સાયન્સની જરૂર નથી. શું ઉચ્ચ વર્ગમાંથી આવતા આ કહેવાતા નિષ્ણાતો નબળા અને વંચિત સમાજના હિતમાં નીતિઓ બનાવશે? છેલ્લા છ વર્ષમાં આ નિષ્ણાતોએ ગરીબોના ઉત્થાન માટે કઈ ફાયદાકારક નીતિઓ બનાવી છે?
આ પણ વાંચો: મનુસ્મૃતિના એ કાયદા, જેણે ભારતીય સમાજમાં અસમાનતાના બીજ વાવ્યાં
હવે પછીની ભરતી કરતા પહેલા, શું સરકારે એ ન જણાવવું જોઈએ કે કહેવાતા ગુણવાન ઉચ્ચ જ્ઞાતિના નિષ્ણાતોએ દેશના લોકો, ખાસ કરીને ગરીબો અને વંચિતોના ઉત્થાનમાં શું યોગદાન આપ્યું છે? એ પણ પૂછવું જોઈએ કે છેલ્લા આઠ વર્ષમાં દેશની અંદર અસમાનતાની ખાઈ આટલી બધી કેવી રીતે વધી ગઈ? 81 કરોડ લોકોને 5 કિલો રાશન કેમ આપવામાં આવે છે? મતલબ કે દેશની સૌથી મોટી વસ્તી કમાવાની અને ખાવાની સ્થિતિમાં નથી. શા માટે આજે ઘણા લોકો પોતાનું પેટ ભરવા માટે સરકારી યોજનાઓ પર નિર્ભર છે?
શું નિષ્ણાતો ગરીબો માટે આ નીતિઓ બનાવે છે? આનો સીધો મતલબ એ છે કે આ ટેકનોક્રેટ્સ દ્વારા દેશમાં મનુસ્મૃતિનો કાયદો અમલમાં આવી રહ્યો છે. દેશના ગરીબ પછાત લોકો (શુદ્રો) અને દલિતો પાસે ન તો કોઈ મિલકત હોવી જોઈએ કે ન કોઈ સન્માનજનક કામ. તેમને માનસિક ગુલામ બનાવવા માટે આખો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેમના સ્વાભિમાનને ઠેસ પહોંચી રહી છે. તેમના બાળકોનું શિક્ષણ અને સરકારી નોકરીની તકો છીનવાઈ રહી છે. તેમના સપના બરબાદ થઈ રહ્યા છે.
હવે સવાલ એ થાય છે કે આ નિષ્ણાતોની નીતિઓનો ફાયદો કોને મળી રહ્યો છે? લેટરલ એન્ટ્રી દ્વારા સેબી(SEBI)ના ચેરપર્સન(Chairman) બનેલા માધવી પુરી બુચ(Madhvi puri buch) આનું ઉત્તમ ઉદાહરણ છે. યાદ રાખો, SEBI ના અધ્યક્ષ માધવી બુચ પ્રથમ નોન-આઈએએસ અધિકારી(Non IAS Officer) છે જેમને આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. માધવી બુચ અને અદાણી(Adani) વચ્ચેની મિલીભગતનો પર્દાફાશ થયો છે. હિંડનબર્ગ(Hindenburg)ના રિપોર્ટમાં આરોપ છે કે માધવી બુચ અને તેમના પતિ ધવલ બુચે અદાણીની કંપનીઓમાં રોકાણ કરીને નફો રળ્યો છે. જ્યારે અદાણીના શેર કૌભાંડના આરોપની તપાસ માધવી પુરી બુચને સોંપવામાં આવી હતી. એવામાં શું માધવી બૂચ અદાણી પરના આરોપોની નિષ્પક્ષ તપાસ કરી શકે?
લેટરલ એન્ટ્રી એ બંધારણ પર સીધો હુમલો છે. તેના દ્વારા સરકાર RSS ના લોકોને વિવિધ સંસ્થાઓમાં ઉચ્ચ હોદ્દા પર નિયુક્ત કરવા માંગે છે. આ વખતે 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપે અબકી બાર 400 પારનો નારો આપીને બંધારણ બદલવાની જાહેરાત કરી હતી. ભાજપના નેતાઓ ખૂલ્લેઆમ કહેતા હતા કે 400 પ્લસ સીટો બંધારણ બદલવા અને હિંદુ રાષ્ટ્ર બનાવવા માટે જોઈએ છે. પણ દેશના દલિતો, આદિવાસીઓ અને પછાત લોકોએ ડો. બાબાસાહેબ આંબેડકરના બંધારણમાં ફેરફાર કરીને મનુસ્મૃતિના આધારે હિન્દુ રાષ્ટ્રનું બંધારણ અમલમાં મૂકવાના ભાજપ(BJP) અને વડાપ્રધાન(PM)ના ઈરાદાને સાકાર થવા દીધો નહોતો. મૂડીવાદીઓ અને સરકારી તંત્રની તમામ સત્તાનો દુરઉપયોગ કરવા છતાં ભાજપ 240 સીટોમાં સમેટાઈ ગયો અને આજે નરેન્દ્ર મોદી નીતિશકુમાર અને ચંદ્રાબાબુની કાંખઘોડીના સહારે સરકાર ચલાવી રહ્યા છે.
આ પણ વાંચો: મનુ પ્રતિમા - ન્યાયાલયના આંગણે અન્યાયનું પ્રતીક સાંખી લેવાય?
એનડીએ(NDA)ના બે સાથી પક્ષો એલજેપી(LJP) અને હમના અધ્યક્ષો અનુક્રમે ચિરાગ પાસવાન અને જીતન રામ માંઝીએ લેટરલ એન્ટ્રી પર નારાજગી વ્યક્ત કરી હતી. ચિરાગ પાસવાને લેટરલ એન્ટ્રીનો ખૂલ્લેઆમ વિરોધ કર્યો હતો. તો ઈન્ડિયા ગઠબંધન(India Allaince)ના તમામ નેતાઓએ પણ આકરી ટીકા કરી હતી. માયાવતી, અખિલેશ યાદવે લેટરલ એન્ટ્રી સામે આંદોલનની તૈયારીઓ કરી લીધી હતી. આમ ચોતરફી ભીંસ વધતા સરકારે હાલ પુરતી લેટરલ એન્ટ્રી પાછી ખેંચી લીધી છે.
RSS એક મનુવાદી સંગઠન છે. બંધારણ બદલવું એ તેનો વર્ષો જૂનો એજન્ડા છે. સંઘ હંમેશાથી અનામતની વિરુદ્ધ રહ્યું છે અને દેશના દલિતો અને પછાત વર્ગોને જૂની જાતિ વ્યવસ્થામાં ધકેલી દેવા માંગે છે. સંઘનો પ્રારંભિક ધ્યેય આ સમુદાયો પર સામાજિક અને આર્થિક વર્ચસ્વ સ્થાપિત કરવાનો છે. આરએસએસ માને છે કે દેશને કબજે કરવા માટે માત્ર 4 ટકા મજબૂત લોકોની જરૂર છે. તેના દ્વારા તે સમગ્ર દેશને નિયંત્રણમાં રાખી શકે છે. તેથી જ આરએસએસે ધીરે ધીરે પોતાના લોકોને દેશના સરકારી તંત્રમાં ફીટ કર્યા છે.
જનતા પાર્ટીની સરકારથી લઈને અટલ બિહારી વાજપેયીની સરકારો સુધી આરએસએસના લોકો વિવિધ સંસ્થાઓમાં પહોંચ્યા હતા. 2014માં નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા બાદ દેશની તમામ સંસ્થાઓને આરએસએસના લોકોએ પોતાના કબજામાં લઈ લીધી હતી. આજે ન્યાયતંત્રથી લઈને સેનાના નિવૃત્ત અધિકારીઓ સુધીના અનેક લોકોએ ખુલ્લેઆમ જાહેર કર્યું છે કે તેઓ આરએસએસ સાથે જોડાયેલા છે અને તેમને તેના પર ગર્વ છે. એ ન ભૂલવું જોઈએ કે આરએસએસ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યાનો આરોપ છે. ગેરબંધારણીય પ્રવૃત્તિઓને કારણે તેના પર ત્રણ વખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આજે તે સંસ્થાના લોકો દેશની દરેક સંસ્થા પર નિયંત્રણ ધરાવે છે. હવે પોલીસી મેકીંગ બ્યૂરોક્રેસીમાં પણ લેટરલ એન્ટ્રી દ્વારા પોતાના માણસોને બેસાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
વાસ્તવમાં, વહીવટી અધિકારીઓમાં હજુ પણ એવા લોકો છે જેમની પસંદગી 80-90ના દાયકામાં કરવામાં આવી હતી. તેમની વિચારધારા અલગ હોઈ શકે છે. તેઓ આરએસએસના પ્યાદા ન હોઈ શકે. પ્રમોશન દ્વારા તેઓ જોઈન્ટ સેક્રેટરી જેવા હોદ્દા પર પહોંચશે અને પોલિસી મેકિંગનું કામ કરશે. એટલે જ લેટરલ એન્ટ્રી દ્વારા તેમનો રસ્તો રોકવો અને નીતિ નિર્ધારણમાં સંઘના લોકોને સ્થાપિત કરવા એ લેટરલ એન્ટ્રીનો મૂળ હેતુ છે.
પરંતુ વિપક્ષના આક્રમક વલણ અને એનડીએના સાથીદારોના વિરોધ બાદ હવે લેટરલ એન્ટ્રીનો રસ્તો આસાન નથી. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે જો નરેન્દ્ર મોદી ચારસો બેઠકો જીત્યા હોત તો દેશની નીતિઓ અને નિમણૂકોની શું દશા થઈ હોત? દેખીતી રીતે, 'બંધારણ જોખમમાં છે' એવી વિપક્ષોની આશંકા જરાય પાયાવિહોણી નથી.
આ પણ વાંચો: IAS નું ખાનગીકરણ અનામત ખતમ કરવાની ગેરંટી છે
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
નારાયણભાઈ પુસાળએકદમ સચોટ માહીતી આપી આભાર