મનુ પ્રતિમા - ન્યાયાલયના આંગણે અન્યાયનું પ્રતીક સાંખી લેવાય?

રાજસ્થાન હાઈકોર્ટના પરિસરમાં છેલ્લાં કેટલાય વર્ષોથી વર્ણવ્યવસ્થાના મૂળ રોપનાર કથિત ભગવાન મનુની પ્રતિમા ઉભી છે. તેને હટાવવા માટે માન્યવર કાંશીરામથી લઈને વર્તમાન કર્મશીલો સુદ્ધાંએ પ્રયત્નો કરી જોયા છે. પણ હજુ સુધી તેને હટાવી શકાઈ નથી. વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક ચંદુ મહેરિયા અહીં મનુની પ્રતિમા સ્થાપિત કરવા પાછળના ઈરાદાથી લઈ વર્તમાન સુધીનો ઈતિહાસ વિસ્તારથી સમજાવે છે.

મનુ પ્રતિમા - ન્યાયાલયના આંગણે અન્યાયનું પ્રતીક સાંખી લેવાય?
image credit - Google images

- ચંદુ મહેરિયા 

૨૫મી ડિસેમ્બરનો મનુસ્મૃતિ દહન દિન ૨૦૨૩માં પણ યાદ રાખવો પડે છે. એટલું જ નહીં હવે તો પહેલાં કરતાં વધુ ઉગ્રતા અને તીવ્રતા સાથે મનુ સ્મૃતિનું દહન અને વિરોધ કરવો પડે તેવો દેશનો માહોલ છે. રાજસ્થાનના પાટનગર જયપુરમાં તો હાઈકોર્ટ પરિસરમાં મનુનું પૂતળું અનેક વિરોધો છતાં સાડા ત્રણ દાયકાથી અડીખમ ઉભું છે ત્યારે તો મનુસ્મૃતિનો વિરોધ વધુ આક્રમક હોઈ શકે. ૨૦૨૩માં યોજાયેલી રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ન્યાયાલયના આંગણે અન્યાયના પ્રતીક સમી મનુની પ્રતિમા રાજ્યના એકેય રાજકીય પક્ષના એજેન્ડામાં નહોતી તેથી પણ દલિતો સહિતના સૌ પીડિતોનો વિરોધ વધુ વ્યાપક બનવો જોઈએ.


અમેરિકી પોલીસે ૨૦૨૦માં જ્યૉર્જ ફ્લૉઇડ નામક કાળા નાગરિકની બેરહેમીથી સરાજાહેર હત્યા કરી, તેના વિરોધમાં દુનિયાના ઘણાં દેશોમાં વિરોધ આંદોલનો થયાં હતા. આ હત્યાના મૂળમાં અમેરિકાની ધોળી પ્રજાનો કાળી પ્રજા સામેનો રંગભેદ કારણભૂત છે. અમેરિકા અને અન્યત્ર ‘બ્લેક લાઈવ્સ મેટર’(કાળાઓનું જીવન પણ મહત્ત્વનું છે) એવું નામ ધરાવતી ચળવળ પણ ચાલી હતી. તેની અંતર્ગત કાળા લોકોને અન્યાય કરનાર ઘણા નેતાઓની પ્રતિમાઓ ધ્વસ્ત કે ખંડિત કરાઈ હતી. શાયદ એના પગલે, રાજસ્થાન હાઇકોર્ટ જયપુરના પરિસરમાં છેલ્લા પાંત્રીસેક વરસોથી અનેક વિરોધો છતાં અડીખમ મનુની પ્રતિમા હઠાવવાની ઝુંબેશ, દલિત અગ્રણી માર્ટિન મેકવાનની પહેલથી શરૂ થઈ હતી.

દેશના છસો જેટલા બૌદ્ધિકો, કર્મશીલો, અધ્યાપકો અને જાહેર જીવનના વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકોએ તત્કાલીન કૉંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને રાજસ્થાનના તત્કાલીન કૉંગ્રેસી મુખ્યમંત્રી અશોક ગહેલોતને પત્ર લખી આગામી ૨૫મી ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં આ પ્રતિમા હઠાવી દેવાની માગણી કરી હતી. પરંતુ આ ઝુંબેશનું કોઈ ઠોસ પરિણામ આવ્યાનું જાણ્યું નથી.

મનુ અને ‘મનુસ્મૃતિ’
મનુ હિંદુ ધર્મના આદિપુરુષ મનાય છે. તેમણે જ હિંદુઓના આદિ ધર્મશાસ્ત્ર ગણાતા ‘મનુસ્મૃતિ’ની રચના કરી હતી. ‘સ્મૃતિ’નો અર્થ ધર્મશાસ્ત્ર કે સંહિતા થાય છે. મનુ દ્વારા રચાયેલી સંહિતા ‘મનુસ્મૃતિ’ કહેવાય છે.  હિંદુ ધર્મનાં પુસ્તકોમાં કુલ ચૌદ મનુનાં નામ અને ઉલ્લેખ જોવા મળે છે. મનુના સમયગાળા કે ‘મનુસ્મૃતિ’ના રચનાકાળ અંગે જુદા જુદા મંતવ્યો પ્રવર્તે છે. મહાભારત અને રામાયણમાં મનુ અને ‘મનુસ્મૃતિ’ના ઉલ્લેખો છે પરંતુ ‘મનુસ્મૃતિ’માં તેના ઉલ્લેખો નથી. તેથી મનુ અને ‘મનુસ્મૃતિ’નો સમય વેદોની રચના પછીનો અને મહાભારત-રામાયણ પૂર્વેનો માની શકાય. ઈસુ વરસનાં ૨૦૦ કે ૩૦૦ વરસ પૂર્વે ‘મનુસ્મૃતિ’ રચાઈ હોવાનું કહેવાય છે. ચૌદ પૈકીના આઠમા મનુ તેના રચયિતા હોવાનું એકમત તારણ છે. ડૉ. બાબાસાહેબ આંબેડકર ‘મનુસ્મૃતિ’માં તેના લેખકનું નામ જણાવ્યું ન હોવાનું નોંધી, શંકારહિત વિદ્વાનોના હવાલાથી તેના રચનાકાર સુમતિ ભાર્ગવ(મનુનું ઉપનામ કે પ્રચ્છન નામ) હોવાનું અને ‘મનુસ્મૃતિ’ની રચના ઈ.સ.પૂર્વે ૧૭૦ થી ૧૫૦ના મધ્યકાળમાં થઈ હોવાનું તેમના ગ્રંથ ‘પ્રાચીન ભારતમાં ક્રાંતિ અને પ્રતિક્રાંતિ’માં લખે છે.


હિંદુઓનું આદિ ધર્મશાસ્ત્ર ‘મનુસ્મૃતિ’ ભારતના ઈન્ડિયન પિનલ કોડ કે ક્રિમિનલ પ્રોસિજર કોડ(જેનું સંસદની છેલ્લી બેઠકમાં નવીનીકરણ થયું છે) ની  જેમ લખાયેલું છે. ’મનુસ્મૃતિ’માં ૧૨ અધ્યાય અને ૨,૬૮૪ શ્લોક છે. કેટલાક વિદ્વાનો શ્લોકની સંખ્યા ૨,૯૬૪ હોવાનું પણ નોંધે છે. ‘મનુસ્મૃતિ’માં કાળક્રમે એટલા બધાં સુધારા વધારા થયા છે કે મૂળ ‘મનુસ્મૃતિ’માં ૫૬ ટકા ક્ષેપકો હોવાનું કહેવાય છે. અધિકાર તથા અપરાધનું બયાન કરતી અને તે માટેની સજાની જોગવાઈ કરતી ‘મનુસ્મૃતિ’ સમાજના ઉચ્ચ વર્ણોને ફાયદો કરી આપનારી અને નિમ્ન વર્ણોને અન્યાય કરનારી છે. તેથી વરસોથી તેનો વિરોધ થતો રહ્યો છે.

મનુસ્મૃતિ’ - વિરોધથી દહન

ભારતમાં પ્રવર્તમાન વર્ણવ્યવસ્થા, આભડછેટ અને ઉંચ-નીચના ભેદ ‘મનુસ્મૃતિ’ને કારણે હોવાની વ્યાપક માન્યતા છે. સ્ત્રીઓ અને શૂદ્રાતિશૂદ્રોના ઉદ્ધારક એવા મહાન સમાજસુધારક મહાત્મા ફુલેએ તેમના ઘણાં પુસ્તકોમાં ‘મનુસ્મૃતિ’નો તર્કબદ્ધ વિરોધ કર્યો છે. ભારતમાં દલિતોને સમાનતાનો અધિકાર અપાવનાર ડૉ. આંબેડકરે ‘મનુસ્મૃતિ’નું દહન કરી પોતાનો વિરોધ ઉગ્ર રીતે વ્યક્ત કર્યો હતો. મહારાષ્ટ્રના તત્કાલીન કોલાબા અને હાલના રાયગઢ જિલ્લાના મહાડ નગરમાં દલિતોના પીવાના પાણીના અધિકાર માટે ઈ.સ. ૧૯૨૭માં ડૉ. આંબેડકરે સત્યાગ્રહ કર્યો હતો. પહેલાં ૧૯૨૭ના માર્ચમાં અને બીજા તબક્કામાં ડિસેમ્બરમાં યોજાયેલા મહાડ જળ સત્યાગ્રહમાં, ૨૫મી ડિસેમ્બર ૧૯૨૭ના રોજ બાબાસાહેબે ‘મનુસ્મૃતિ’નું દહન કર્યું હતું. તેમના બ્રાહ્મણ સાથી ગંગાધર સહસ્ત્રબુદ્ધેના હસ્તે ‘મનુસ્મૃતિ’નું દહન કરતી મહાડ પરિષદના ઠરાવમાં જણાવાયું હતું કે, “હિંદુ કાયદા ઘડનાર મનુના નામે જાહેર કરવામાં આવેલા, ‘મનુસ્મૃતિ’માં જણાવવામાં આવેલા અને હિંદુઓની સંહિતા તરીકે માન્ય ઠરેલા કાયદાઓ નીચી જાતિની વ્યક્તિઓનું અપમાન થાય તેવા, તેમના માનવીય અધિકારો છીનવી લેનારા અને તેમનું વ્યક્તિત્વ કચડી નાખનારા છે. સભ્ય દુનિયાના માનવ અધિકારો સાથે તેની તુલના કરતાં આ સંમેલનને લાગે છે કે આ ‘મનુસ્મૃતિ’ કોઈપણ જાતના આદરની હકદાર નથી. તે પવિત્ર ગ્રંથ કહેવડાવવાને લાયક નથી. ‘મનુસ્મૃતિ’માં દર્શાવેલી અસમાનતાની પ્રથા સામેના વિરોધ રૂપે, ‘મનુસ્મૃતિ’ના ભારે વિરોધ અને તિરસ્કાર સાથે આ સંમેલનના અંતે તેની નકલ બાળવામાં આવે છે.” 
 


ચાતુર્વર્ણ્ય મનુના ભેજાની પેદાશ નથી તેમ સ્વીકારીને ડૉ. આંબેડકરે તેમના ગ્રંથ ‘અસ્પૃશ્યો અને અસ્પૃશ્યતા, સામાજિક-રાજકીય-ધાર્મિક’માં જણાવ્યું હતું કે, સમાજનું ચાર વર્ણોમાં વિભાજન તો મનુના પહેલાં પણ અસ્તિત્વમાં હતું. વર્ણોમાં સમાજવિભાજનનો પ્રારંભ મનુ સાથે થયો નહોતો. મનુએ ચાતુર્વર્ણ્યની અંદર અને તેની  બહાર રહેલા વચ્ચે જે વિભાજન કર્યું છે તે તેનું મૌલિક પ્રદાન છે.” ડૉ. આંબેડકરે ભારતમાં દલિતો અને મહિલાઓ પ્રત્યેના ભેદભાવ અને પ્રતિબંધો કે બહિષ્કારના ઘણાં બનાવો ટાંકીને હાલના સમયમાં પણ દેશમાં મનુના કાયદા પ્રવર્તમાન હોવાનું પુરવાર કર્યું. ડૉ.આંબેડકર અને બીજા વિદ્વાનોએ ‘મનુસ્મૃતિ’ કઈ રીતે શુદ્રો, સ્ત્રીઓ અને વર્ણબહારના લોકોને ભારે અન્યાયકર્તા છે તે અવારનવાર લેખો, ભાષણો અને પુસ્તકો દ્વારા દર્શાવ્યું છે.


ન્યાયના દરબારમાં અન્યાયનું પ્રતીક

રાજકીય, સામાજિક અને આર્થિક સમાનતા આણનારું, ‘એક વ્યક્તિ, એક મત’નું મૂલ્ય પ્રસ્થાપિત કરતું આઝાદ ભારતનું બંધારણ ઘડ્યાની જાહેરાત કરતાં ડૉ.આંબેડકરે કહ્યું હતું કે “આ બંધારણે મનુના શાસનની સમાપ્તિ કરી દીધી છે.” પરંતુ ભારતમાં છેલ્લા ત્રણેક દાયકાથી, દલિતોના સામાજિક-રાજકીય આંદોલનોમાં, ખાસ કરીને બહુજન સમાજ પાર્ટીના ઉભાર પછી, બ્રાહ્મણવાદના વિકલ્પે ‘મનુવાદ’ શબ્દ જે છૂટથી અને વિરોધથી વપરાય છે તે દર્શાવે છે કે મનુ અને મનુના વિચારો આજે પણ હયાત છે. રાજસ્થાન રાજ્યની જયપુર સ્થિત વડી અદાલતના પ્રાંગણમાં મનુનું પૂતળું હોય તે દર્શાવે છે કે સમાનતાના સંવિધાનના દેશમાં અન્યાય, અસમાનતા અને ભેદભાવના પ્રતીક મનુના ચાહકો મોટી સંખ્યામાં છે. 


રાજસ્થાન હાયર જ્યુડિશિયલ ઓફિસર્સ એસોસિએશનના તત્કાલીન પ્રમુખ પદમકુમાર જૈને માર્ચ ૧૯૮૯માં એકટિંગ ચીફ જસ્ટિસ એન.એસ. કાસલીવાલ સમક્ષ  હાઈકોર્ટ પરિસરના બ્યુટીફીકેશનમાં વધારો કરવા મનુની પ્રતિમા સ્થાપિત કરવાની મંજૂરી માંગી અને તુરત મળી ગઈ. મનુનો સમયગાળો અઢી-ત્રણ હજાર વરસ પહેલાંનો મનાય છે અને તેમનું કોઈ ચિત્ર કે મૂર્તિ નથી ત્યારે તેમની પ્રતિમા ઘડવી તે મુશ્કેલ કામ હતું. સુમરેન્દ્ર શર્મા નામક જયપુરના એક શિલ્પકારે અઢી એક મહિનાની મહેનતથી ચાર ફુટની સિમેન્ટની મનુપ્રતિમા ઘડી. વકીલોના મંડળને આ પ્રતિમાસ્થાપનમાં જયપુરની લાયન્સ કલબનો સહયોગ મળ્યો હતો.


વડી અદાલતના પરિસરમાં મનુની પ્રતિમા સ્થાપનના સમાચારથી મનુના વિરોધીઓનો આક્રોશ ફાટી નીકળ્યો. હજુ બે વરસ પહેલાં ૧૯૮૭માં, બંધારણના ઘડવૈયા ડૉ. આંબેડકરની પ્રતિમા ટ્રાફિકને અડચણરૂપ હોઈ તેને કોઈ મોકાની જગ્યાએ સ્થાપિત કરવાની શાસને મંજૂરી આપી નહોતી. એટલે વડી અદાલતની બહાર એક ચૌરાહે તે મૂકવી પડી હતી ત્યારે મનુની પ્રતિમા ન્યાયની દેવડીએ સ્થપાય તે દલિતોને સ્વીકાર્ય નહોતું. તત્કાલીન એકટિંગ ચીફ જસ્ટિસ મિલાપચંદ જૈનના હસ્તે પ્રતિમાનું અનાવરણ રખાયું હતું. દલિતોના ભારે વિરોધથી અનાવરણનો કાર્યક્રમ તો ન થઈ શક્યો, પણ વગર લોકાર્પણે ૨૮મી જુલાઈ ૧૯૮૯ના રોજ મનુની પ્રતિમા ખુલ્લી મુકી દેવામાં આવી. 

આ પણ વાંચોઃ મનુસ્મૃતિના એ કાયદા, જેણે ભારતીય સમાજમાં અસમાનતાના બીજ વાવ્યાં 

હાઈકોર્ટમાં મનુની પ્રતિમા મુકાઈ તેનો દેશભરમાં ભારે વિરોધ થતાં બીજા જ દિવસે રાજસ્થાન હાઈકોર્ટના તમામ ૧૮ જજની જોધપુરની મુખ્ય વડી અદાલતમાં બેઠક મળી અને તેમણે સર્વાનુમતે વહીવટી પ્રસ્તાવ પસાર કરીને હાઈકોર્ટના રજિસ્ટારને આ પ્રતિમા હઠાવી લેવા વકીલમંડળને જણાવવા આદેશ કર્યો. માનનીય ન્યાયાધીશોની પૂર્ણ પીઠના વહીવટી પ્રસ્તાવમાં જણાવાયું હતું કે, “મનુ પ્રત્યે કોઈ અનાદર રાખ્યા સિવાય આ બાબતનો વિવાદ જોઈને પ્રસ્તાવ કરવામાં આવે છે કે મૂર્તિને રાજસ્થાન હાઈકોર્ટના પરિસરમાંથી હઠાવી લેવામાં આવે” જો કે આ બાબતનો અમલ થાય તે પૂર્વે જ વિશ્વ હિંદુ પરિષદના ધર્મેન્દ્ર મહારાજે પ્રતિમા ન હઠાવવા  હાઈકોર્ટમાં દાદ માગી. હાઈકોર્ટની એકલપીઠના જજ મહેન્દ્રભૂષણે હાઈકોર્ટના તમામ જજોના પ્રતિમા હઠાવી લેવાના સર્વાનુમત નિર્ણય સામે મનાઈહુકમ આપ્યો અને આ બાબતની સુનાવણી કોર્ટની ત્રણ ન્યાયાધીશોની બૅન્ચને કરવા પણ આદેશ કર્યો.

પી.એલ મીમરોઠ


૧૯૮૯ થી ૨૦૨૩ સુધીમાં રાજસ્થાનની વડી અદાલતમાં વીસ જેટલા મુખ્ય ન્યાયાધીશો આવ્યા-ગયા છે પરંતુ એક અપવાદ સિવાય કોઈએ આ બાબતની સુનાવણી  હાથ ધરી નથી. છેક ૨૩ વરસે તે સમયના ચીફ જસ્ટિસ સુનીલ અંબવાનીએ ૧૩ ઓગસ્ટ, ૨૦૧૫ના રોજ આ કેસની સુનાવણી હાથ ધરી. હતી. આ દિવસે અદાલતનો ખંડ ચારસો-પાંચસો વકીલોથી ભરાઈ ગયો હતો. મનાઈહુકમ ઉઠાવી લઈને કોર્ટના સર્વાનુમત વહીવટી  હુકમનો અમલ કરવા માટે જાણીતા દલિત આગેવાન અને વકીલ પી.એલ મીમરોઠે રિટ કરી હતી. પણ તેમના એડવોકેટ અજયકુમાર જૈને જેવી દલીલો કરવી શરૂ કરી કે તુરત તેમના વિરોધમાં અદાલતમાં શોરબકોર અને બૂમબરાડા થવા માંડ્યા. ચીફ જસ્ટિસે શાંતિ સ્થાપવા પ્રયત્નો કર્યા પણ તે સફળ ન થતાં તેઓ કાર્યવાહી સ્થગિત કરીને ચાલ્યા ગયા. એટલે વીત્યાં પાંત્રીસ વરસમાં આ કેસ એમ જ લટકેલો પડ્યો છે. વિરોધીઓ મનુની પ્રતિમાને કોઈ તકતી સુધ્ધાં લગાવવા દેતા નથી કે તરફદારો એને હઠાવી લેવાની માંગણી આગળ જરાય ઝુકતા નથી. 


તરફદારો અને વિરોધીઓનાં આંદોલનો

મનુની પ્રતિમા હઠાવવા માટે દલિતો અને મહિલાઓનાં આંદોલનો સતત ચાલતાં રહ્યાં છે. બહુજન સમાજ પાર્ટીના સ્થાપક કાંશીરામે ૧૯૯૬માં એક મોટી રેલી અને સભા મનુપ્રતિમા હઠાવવા કરી હતી. મહારાષ્ટ્રના જાણીતા કર્મશીલ બાબા આઢવે ૨૦૦૦ના વરસમાં ત્રણ મહિનાની મહાડથી જયપુરની ‘મનુપ્રતિમા હઠાવો યાત્રા’ કરી હતી.

જેનો મુખ્ય નારો ‘મનુવાદ હઠાવો, મનુપ્રતિમા હઠાવો, આંબેડકરપ્રતિમા લગાવો’ હતો. આઠમી માર્ચ ૨૦૦૦ના આંતરરાષ્ટ્રીય મહિલા દિને રિપબ્લિકન પાર્ટીના આગેવાન અને વર્તમાન એનડીએ સરકારમાં મંત્રી રામદાસ આઠવલેના નેતૃત્વમાં જયપુરમાં વિરોધ આંદોલન થયુ હતું. ૨૦૧૭ના વરસમાં દલિત નેતા અને હાલ ગુજરાત વિધાનસભાના સભ્ય જિજ્ઞેશ મેવાણીના નેતૃત્વમાં જયપુરમાં મનુવાદવિરોધી સંમેલન યોજવામાં આવ્યું હતું અને તેમાં મનુની પ્રતિમા હઠાવી લેવાની માગ થઈ હતી.

બાબા આઢવ

રિપબ્લિકન પાર્ટીના ખરાત જૂથનાં ઓરંગાબાદનાં બે મહિલા કાર્યકરો કાંતા અહીરે અને શીલાબાઈ પવારે છેક ૧,૨૫૦ કિલોમીટર દૂર ઔરંગાબાદથી જયપુર આવીને, આઠમી ઓકટોબર ૨૦૧૮ના રોજ મનુની પ્રતિમા પર કાળો રંગ લગાડીને ઉગ્ર વિરોધ કર્યો હતો. તેના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા. 

આ પણ વાંચોઃ ભારતીય બંધારણઃ જાણો, માણો, સમજો અને સમજાવો

મનુના વિરોધીઓ મનુપ્રતિમા હઠાવો સંઘર્ષ સમિતિઓ રચીને આંદોલનો કરે છે, તો તેના તરફદારો ‘મનુપ્રતિષ્ઠા સંઘર્ષ સમિતિ’ દ્વારા પ્રતિમાને યથાવત રાખવા કામ કરે છે. સંઘ પરિવારની રગરગમાં મનુ અને મનુના વિચારો પડેલા છે અને તે વ્યક્ત પણ થાય છે. ડાબેરી લેખક સુભાષ ગાતાડેના પુસ્તક ‘મોદીનામા’ના પ્રકરણ પાંચ ‘મનુનું સંમોહન’માં મનુ અને વડાપ્રધાન મોદીના વિચારોની ચર્ચા છે. ડિસેમ્બર ૨૦૧૭માં આર.એસ એસના અગ્રણી ઈન્દ્રેશકુમારે જયપુરમાં યોજેલી સભાનો વિષય હતો, “આદિપુરુષ મનુને ઓળખો, ‘મનુસ્મૃતિ’ને જાણો”. 

(મનુની પ્રતિમા પર કાળો રંગ ફેરવતા કાંતા અહીરે અને શીલાબાઈ પવારે)


તેમાં મનુને સામાજિક સદ્‌ભાવ અને સામાજિક ન્યાયના પહેલા ન્યાયવિદ ઠરાવવામાં આવ્યા હતા. સાવરકર હિંદુ રાષ્ટ્ર માટે વેદો પછીનો સૌથી મહત્ત્વના ગ્રંથ ‘મનુસ્મૃતિ’ને ગણે, ગુરુ ગોલવલકર ‘વી ઔર અવર નેશનહુડ ડિફાઇન્ડ’માં મનુના કાયદાની હિમાયત કરે, ભાજપ તેના ચૂટણીઢંઢેરામાં બંધારણની સમીક્ષાનો મુદ્દો સામેલ કરે, ૨૦૧૭માં સંઘ સુપ્રીમો મોહન ભાગવત ભારતનું બંધારણ વિદેશી સ્ત્રોતો પર આધારિત હોવાની વાત કરીને દેશની મૂલ્યપ્રણાલીને અનુરૂપ બંધારણની માગ કરે, સંઘતરફી લેખકો અને વિચારકો વિશુદ્ધ ‘મનુસ્મૃતિ’નું સંપાદન અને પ્રકાશન કરે, અદાલતો તેમના ચુકાદામાં ‘મનુસ્મૃતિ’ના સંદર્ભો ટાંકે—એ સઘળું મનુની પ્રતિમાને અને મનુના વિચારોને વાજબી અને પ્રસ્તુત ઠેરવે છે. એ સંદર્ભમાં મનુ વિરોધીઓને અદાલતનો આશરો હતો. અદાલતો રામમંદિરનો ચુકાદો આપી શકે છે, પરંતુ મનુની પ્રતિમાના કેસની તો સુનાવણી પણ કરતી નથી. એ સંજોગોમાં દલિતો અને મહિલાઓ નિરાશા જ નહીં, હતાશા પણ અનુભવે તો નવાઈ નહીં. 


ભારતના બંધારણના અનુચ્છેદ ૧૩માં જણાવ્યું છે કે, “૨૬મી જાન્યુઆરી, ૧૯૫૦ પછી અગર જો કોઈ જૂની પરંપરા યા વિધાન જે મૂળભૂત અધિકારોનું હનન કરે, જે કોઈ પણ પ્રકારની રૂઢિ હોઈ શકે તો એ પરંપરા અનુચ્છેદ ૧૩નું ઉલ્લંઘન મનાશે.” પણ અહીં તો ખુદ અદાલતના આંગણામાં જ અન્યાયનું પ્રતીક શોભાયમાન છે.


શું પ્રતિમાઓ હટાવી શકાતી નથી?

૨૦૨૦ની ‘મનુપ્રતિમા હટાવો ઝુંબેશ’ અમેરિકા, ઈંગ્લેન્ડ અને ફ્રાન્સના કાળા આંદોલનકારીઓની ‘પ્રતિમા હઠાવો આંદોલન’ ઝુંબેશની સફળતાથી પ્રેરિત હતી. એટલે કોઈ સ્થાપિત પ્રતિમા હટાવી ન શકાય તેમ માનવું સાચું નથી. તાલિબાનોએ બળજબરીથી બામિયાનમાં બુધ્ધની પ્રતિમા ધ્વસ્ત કરી હતી. દીર્ધ સામ્યવાદી શાસન પછી માર્ચ ૨૦૧૮માં ત્રિપુરામાં  ભાજપની જીત થઈ કે તુરત જ ભાજપના સમર્થકો અને કાર્યકરોએ ત્રિપુરાના બેલોનિયા અને સબરૂમ શહેરમાં આવેલી રૂસી ક્રાંતિના નાયક લેનિનની પ્રતિમાઓ જેસીબીથી ઉખાડી ફેંકી હતી.

જવાબમાં પશ્ચિમ બંગાળમાં સામ્યવાદી કાર્યકરોએ જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખરજીની પ્રતિમા ક્ષતિગ્રસ્ત કરી હતી. તમિલનાડુમાં પેરિયારની પ્રતિમા ક્ષતિગ્રસ્ત કરનારા છે, તો ભર લૉકડાઉને દેશમાં આંબેડકર પ્રતિમાઓ ખંડિત કરવાના દસ બનાવો બન્યા હતા. બ્લેક મુવમેન્ટમાં ગાંધીજીને રંગદ્વેષી ગણાવીને અમેરિકાના ભારતીય દૂતાવાસમાં સ્થાપિત ગાંધીજીની પ્રતિમા સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો, ૨૦૧૮માં આફ્રિકી દેશ ઘાનાની યુનિવર્સિટીમાં મુકાયેલી ગાંધી પ્રતિમા બે વરસના વિરોધ આંદોલનો પછી હઠાવી દેવામાં આવી હતી. એટલે મનુની પ્રતિમા પણ જરૂર હઠી શકે છે. 

આ પણ વાંચોઃ RSS અને આંબેડકર બે વિરોધી ધ્રુવ છે છતાં કેમ સંઘ બાબા સાહેબના વખાણ કરે છે?

ત્રિપુરામાં ભાજપની જીત પછી લેનિનની પ્રતિમા ધ્વસ્ત કરાઈ ત્યારે રાજ્યપાલના બંધારણીય હોદ્દે બિરાજમાન તથાગત રાયે અદભૂત ટ્વીટ કરી હતી કે, “લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી એક સરકાર જે કામ કરે છે, તેને લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી બીજી સરકાર ખતમ કરી શકે છે” રાજસ્થાનમાં ૧૯૮૯માં મનુની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી ત્યારે રાજ્યમાં કોંગ્રેસનું શાસન હતું જે માર્ચ ૧૯૯૦માં સમાપ્ત થયું તે પછી સતત નવેક વરસ ભાજપના ભૈરોસિંઘ શેખાવત મુખ્યમંત્રી હતા. ગયા પાંચ વરસો (૨૦૧૯થી ૨૦૨૩) થી રાજ્યમાં કોંગ્રેસની સરકાર હતી અને અશોક ગહેલોત મુખ્યમંત્રી હતા. હવે ભારતીય જનતા પક્ષની સરકાર છે અને બ્રાહ્મણ મુખ્યમંત્રી છે. એટલે ૩૫ વરસોમાં આ બે પક્ષોની  સત્તા રાજ્યમાં વારાફરતી આવતી રહી છે, પણ કોઈને મનુની પ્રતિમા હઠાવવાનું સૂઝતું નથી. ત્રિપુરાના ગવર્નર કહે છે તેમ, લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી એક સરકારનું પગલું બીજી સરકાર બદલે તેવું આ કામ નથી. કેમ કે ‘ઈન્ડિયન એક્સપ્રેસ’નો તા. ૨૯-૧૦-૨૦૧૮નો અહેવાલ જણાવે છે તેમ, મનુની પ્રતિમા સ્થાપિત કરવામાં વકીલોનું મંડળ, લાયન્સ કલબ, ચીફ જસ્ટિસની સંમતિની સાથે તે વખતના રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી રાજકુમાર કાલા પણ સક્રિય રીતે ભળેલા  હતા. 


ગઈ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ અને ‘શિવભક્ત’ રાહુલ ગાંધી તથા પ્રભારી અશોક ગહેલોત હિંદુત્વના રસ્તે કેવા મંદિર-દર-મંદિર માથા ટેકવતા હતા. ગળામાં રહેલી રુદ્રાક્ષની માળા સૌને નજરે પડે તેવી જ રીતે કાયમ સાડી પરિધાન કરતાં દાદીમા અને દાદીમાના અંતિમ સંસ્કારમાં જનોઈ દેખાય એવા ખુલ્લા બદનવાળા પિતાજીનું સંતાન રાહુલ ગાંધી ગુજરાતમાં કોઈ આદિવાસી કિશોરી સાથે આચરાતી અંધશ્રદ્ધાનો વીડિયો ટ્વીટ કરી શકે છે (ને તે વખાણવાલાયક જ છે), મનમોહનસિંઘ સરકારનો ખરડો સરેઆમ ફાડી નાંખવાની બહાદુરી  બતાવી શકે છે, પણ  મનુપ્રતિમાને હાથ લગાડી શકશે નહીં એટલું નક્કી જાણવું.


જસ્ટિસ રવાણી અને જસ્ટિસ ભૈરવિયા

આટલા વરસોમાં રાજસ્થાન હાઈકોર્ટમાં જે  ચીફ જસ્ટિસ આવ્યા-ગયા તેમાં એક નામ ગુજરાતના દલિત-ગરીબ તરફી પ્રગતિશીલ જજ એ. પી. રવાણીનું છે. જસ્ટિસ રવાણી તા.૪-૪-૧૯૯૫ થી તા. ૧૦-૦૯-૧૯૯૬ સુધી રાજસ્થાન હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હતા. તે દરમિયાન તેમણે મનુની પ્રતિમા હઠાવવા અંગે કંઈ કર્યું હોય તેમ નોંધાયું નથી. 


મુંબઈ અને ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જજ, જન્મે દલિત, દિવંગત વિનુભાઈ ભૈરવિયાએ એમની આત્મકથા ‘સ્વાતંત્ર્યની મંઝિલ’માં મનુપ્રતિમા પ્રતિરોધનો એક સરસ અનુભવ લખ્યો છેઃ ૧૯૯૩માં રાજસ્થાન હાઈકોર્ટમાં અનુસૂચિત જાતિ અને જનજાતિને કાનૂની સહાય આપવા અંગે સુપ્રીમ કોર્ટના જજ કે. રામસ્વામીના પ્રમુખસ્થાને અને મારા અતિથિવિશેષપદે સેમિનાર યોજાયો હતો. કાર્યક્રમનું સ્થળ હાઈકોર્ટ પરિસર, જયપુર  હતું. મંચની સામે જ મનુની પ્રતિમા હતી અને વક્તાઓએ તેની સામે જોઈને જ સંબોધન કરવાનું હતું. કાર્યક્રમના આરંભે મનુની પ્રતિમાને હાર પહેરાવવામાં આવ્યો. જ્યારે મારે સંબોધન કરવાનું આવ્યું ત્યારે મેં મુખ્ય આયોજકને બોલાવી મનુના પૂતળાનો ચહેરો ઢાંકી દેવા જણાવ્યું. જો એમ નહીં કરો તો મારાથી પ્રવચન કરી શકાશે નહીં, તેમ પણ કહ્યું. કેમ કે સેમિનારનો વિષય દલિત-આદિવાસી અને સ્ત્રીઓને કાનૂની મદદ પહોંચાડવાનો હતો અને મનુ આવા અધિકારની વિરુદ્ધ હતા. એટલું જ નહીં, મનુએ અસ્પૃશ્યો અને સ્ત્રીઓના માનવગૌરવને નકાર્યું હતું. આયોજકોને મારો મુદ્દો સમજાઈ ગયો. તેમણે પૂતળાને સફેદ સ્વચ્છ કપડાં વડે ઢાંકી દીધું. જોકે તેના પર હાર તો મૂકવામાં આવ્યો જ હતો. મે મારા વક્તવ્યમાં ભારત જેવા લોકશાહી દેશમાં મનુષ્ય ગૌરવના  દુશ્મન અને સામાજિક ભેદભાવ તથા અસમાનતાના સર્જક મનુનું સ્થાન ન્યાયના મંદિરમાં તો ના જ હોવું જોઈએ તે વાત પર ખાસ ભાર મૂક્યો. શ્રોતાઓ અને મંચ પરના મહાનુભાવો આ સાંભળીને ડઘાઈ ગયા.” કાશ, આટલા વરસોમાં જસ્ટિસ ભૈરવિયા જેવો માનનીય જજસાહેબોનો પ્રતિરોધ પણ આપણને મળ્યો હોત! 


ઉકેલ શો?

મનુની પ્રતિમાના જ નહીં, તેમના વિચારોના પણ તરફદારો દેશમાં બહુમતીમાં નથી. છતાં, શાસન અને સ્થાપિત હિતોની ઓથને કારણે તે મજબૂત છે. એટલે મનુની પ્રતિમા હટાવવાનું આંદોલન લોકશાહી ઢબે, શાંત અને અહિંસક રીતે, પણ મજબૂત સંગઠનથી ચાલવું જોઈએ. જાણીતાં લેખિકા અરુંધતી રોય કહે છે, “આપણે એક જ્ઞાતિવાદી, હિંદુ રાષ્ટ્રવાદી દેશમાં રહીએ છીએ. આપણે એ દિવસથી હજુ બહુ દૂર છીએ. જ્યારે આપણે ત્યાં અમેરિકાની જેમ મૂર્તિઓ હઠાવી કે તોડી નંખાશે. આપણે તો આવી મૂર્તિઓ સ્થાપિત કરવાના અને તેના ઉત્સવો મનાવવાના જમાનામાં જીવીએ છીએ.” 


અમેરિકાના બ્લેક લાઈવ્સ મુવમેન્ટ અને કાળાઓના બીજા આંદોલનોને વરસોના સંઘર્ષ અને સંગઠન સાથે કવિતા, કલા, સંગીત સાહિત્યનાં આયોજનો અને સ્મૃતિઓનું પરિણામ ગણાવતાં અરુંધતી નોંધે છે કે “અમેરિકાની નવી પેઢીમાં રંગભેદના મુદ્દે બેહદ રોષ અને શરમ છે.” એ નોંધવું જોઈએ કાળાઓના આંદોલનમાં જ નહીં, પેલી પ્રતિમાઓ તોડવામાં પણ ઘણાં ગોરાઓ તેમની સાથે હતા. ભારતમાં એ દિવસો ઘણા દૂર છે. મનુ અને તેમના વિચારોને પૂર્ણ ભૂતકાળ નહીં, ચાલુ વર્તમાન કાળ ગણાવતાં ડૉ.આંબેડકરે પૂછ્યું હતું, “મનુનો ધર્મ એ કેવળ ભૂતકાળ નથી. એ જાણે આજે જ ઘડાયો હોય તેવો તેનો વર્તમાન છે અને તેની પકડ ભવિષ્યમાં પણ રહેશે એવાં સ્પષ્ટ એંધાણ વર્તાય છે. સવાલ એ છે કે મનુ અને તેના વિચારોની અસર થોડા સમયની જ હશે કે કાયમી?” બાબાસાહેબના સવાલનો જવાબ મનુની પ્રતિમાનું અને મનુના વિચારોનું ભવિષ્ય નિર્ધારિત કરશે.

maheriyachandu@gmail.com

(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના મુદ્દાઓના તલસ્પર્શી અભ્યાસુ છે)

આગળ વાંચોઃ આપણી શાળાઓમાં માતા સાવિત્રીબાઈ ફૂલેનો પાઠ કેમ ભણાવાતો નથી?

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.

 


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Narsinh Ujamba
    Narsinh Ujamba
    સરસ સંશોધનાત્મક લેખો વાંચવા મળે છે ધન્યવાદ. નરસિંહ ઉજંબા
    5 months ago