યુપીના હાથરસમાં સત્સંગમાં ભાગદોડ થતા ૧૨૦થી વધુના મોત
ઉત્તરપ્રદેશના હાથરસમાં બાબા ભોલેના સત્સંગ વખતે ભાગદોડ થતા 120થી વધુ લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યાં છે.
ભારત દેશમાં દર વર્ષે સેંકડો લોકો ધાર્મિક કાર્યક્રમો કે મંદિરો, મસ્જિદો સહિતના ધાર્મિક સ્થળોએ યોજાતા કાર્યક્રમોમાં અકસ્માતનો ભોગ બનીને મોતને ભેટતા હોય છે. આવી જ મોટી ઘટના આજે ઉત્તરપ્રદેશના હાથરસમાં ઘટી છે. અહીં રતિભાનપુરમાં બાબા ભોલેના સત્સંગ વખતે નાસભાગ મચી ગઈ હતી. અને તેમાં ૧૨૦થી વધુ લોકોના મોત થતા ખળભળાટ મચી ગયો છે. મૃતકોમાં અનેક મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. ઘટનામાં ૧૫૦થી પણ વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના પણ સમાચાર મળી રહ્યાં છે. એટાના ચીફ મેડિકલ ઓફિસરે આ વાતની પુષ્ટિ કરી હતી.
આ ભયાવહ દુર્ઘટના પછી મુખ્યમંત્રી કાર્યાલય પણ એક્શનમાં આવ્યું હતું. આ દરમિયાન અનેક લોકોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડાયા હતા. રાજ્ય સરકારે રાહત અને બચાવ કાર્યમાં ઝડપ લાવવાના નિર્દેશ આપ્યા છે. આ ઉપરાંત એડીજી આગરા અને અલીગઢના કમિશનરના નેતૃત્વમાં આ દુર્ઘટનાની તપાસના પણ આદેશ અપાયા છે. યોગી સરકારના નિર્દેશ પછી સરકારના બે વરિષ્ઠ મંત્રી અને મુખઅય સચિવ સાથે ડીજીપી પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે.
મળતી માહિતી પ્રમાણે બાબા ભોલેનો સત્સંગ ખતમ થઈ ગયો હતો. ત્યાર પછી અનેક લોકો એક નાનકડા હૉલમાંથી એકસાથે બહાર નીકળી રહ્યા હતા. પણ પ્રવેશદ્વાર નાનો હતો અને સૌ પહેલા બહાર નીકળવાની લ્હાયમાં ધક્કામુક્કી કરવા લાગતા મામલો બિચક્યો હતો. પ્રાથમિક અહેવાલો પ્રમાણે મૃતકોમાં મોટા ભાગની મહિલાઓ અને બાળકો છે.
ભોલે બાબાનું અસલી નામ નારાયણ સાકાર હરિ છે. તેઓ એટા જિલ્લાના પટયાલી તાલુકાના ગામ બહાદુર નગરના રહેવાસી છે. આશરે ૨૬ વર્ષ પહેલા તેમણે સરકારી નોકરી છોડીને પ્રવચનો આપવાનું શરૂ કર્યું હતું. એકવાર તેમણે પ્રવચનમાં જણાવ્યું હતું કે ‘હું પહેલા ગુપ્તચર બ્યુરોમાં કામ કરતો હતો.’ આ ભોલે બાબા ઉત્તર પ્રદેશ, હરિયાણા, દિલ્હી, ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં સૌથી વધુ ભક્તો ધરાવે છે.
આ પણ વાંચો: ચારધામ યાત્રામાં આ વર્ષે 52, કેદારનાથમાં 10 વરસમાં 350 લોકોના મોત
હાથરસના ગામમાં તેમનો સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અચાનક ભાગદોડ મચી જતા આ ઘટના ઘટી છે. કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા અનેક શ્રદ્ધાળુઓના મોત થયાની આશંકાને પગલે હજુ પણ મોતનો આંકડો વધી શકે છે. પ્રવચનમાં હાજરી આપવા આવેલા સેંકડો ભક્તો ભારે ગરમીના કારણે બેહોશ થઈ ગયા હતા. માહિતી મળતાં જ પોલીસ અને પ્રશાસને સેંકડો લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કર્યા છે. આ ઘટના સિકંદરરાવ કોતવાલી વિસ્તારના ફૂલરાઈ ગામમાં બની હતી.
નજરે જોનાર એક વ્યક્તિએ કહ્યું હતું કે, અમે સત્સંગમાં ગયા હતા. ત્યાં ઘણી ભીડ હતી, રસ્તો સંપૂર્ણપણે જામ હતો, બહાર જવા માટે જગ્યા નહોતી. હું અને મારી માતા મેદાનમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે જગ્યા ન હતી. બધાંને ઝડપથી બહાર નીકળવું હતું. એ દરમિયાન કોઈએ ઝમકલું કરતા મામલો બિચક્યો હતો અને ભાગદોડ મચી ગઈ હતી. એ પછી સૌ દોડવા લાગતા અનેક મહિલાઓ અને બાળકો કચડાઈ ગયા હતા.
આ પણ વાંચો: મક્કાની હજયાત્રામાં આ વર્ષે 1300થી વધુ હાજીઓએ જીવ ગુમાવ્યા
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Samidsaiyed388620
-
SamidsaiyedAnand
-
SamidsaiyedKhambhat