ભારતની જેલોનું જાતિવાદી મોડેલ : દલિત કેદી સફાઈ કરે, સવર્ણ કેદી રસોઈ કરે

દલિત કેદીઓને સફાઈ કરવી, પોતું મારવું જેવા નિમ્ન સ્તરના કામો સોંપાય છે, જ્યારે સવર્ણ કેદીઓને રસોઈ બનાવવી જેવા કામો સોંપાય છે. જાણો ભારતીય જેલોનું જાતિવાદી મોડેલ.

ભારતની જેલોનું જાતિવાદી મોડેલ : દલિત કેદી સફાઈ કરે, સવર્ણ કેદી રસોઈ કરે
image credit - Google images

સુપ્રીમ કોર્ટે હાલમાં જ દેશની જેલોમાં દલિતો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમાજના કેદીઓ સાથે દાખવવામાં આવતા જાતિગત ભેદભાવને ખતમ કરવાનો ચૂકાદો આપ્યો હતો. એ પછી આજે કેન્દ્ર સરકારે જેલ મેન્યુઅલમાં ફેરફારની જાહેરાત કરી છે. પણ આ બધી ચર્ચા વખતે દલિત, આદિવાસી અને ઓબીસી કેદીઓ સાથે જેલમાં કેવા પ્રકારના ભેદભાવો થઈ રહ્યાં છે તે ખુદ કેદીઓએ જણાવ્યું છે તેની ચર્ચા થઈ રહી છે.

દેશભરમાં દલિત કેદીઓ અને કાર્યકર્તાઓ, જેમ કે દોલત કુંવર, જેઓ લાંબા સમયથી જેલોમાં ચાલતા જાતિગત ભેદભાવો અને અત્યાચારો સામે ફરિયાદ કરી ચૂક્યાં છે, તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. દૌલત કુંવર જણાવે છે કે, જેલોમાં કેદીઓને તેમની જાતિના આધારે કામ સોંપવામાં આવે છે. દલિત કેદીઓને સફાઈ જેવા અપમાનજનક કામો સોંપવામાં આવતા. જ્યારે સવર્ણ કેદીઓ, ખાસ કરીને બ્રાહ્મણ કેદીઓને રસોડામાં રસોઈ કરવા જેવા કામો સોંપાતા.

આ ભેદભાવ માત્ર કામ પૂરતો સીમિત ન હતો પરંતુ દલિતો પર ખાવા-પીવાની બાબતમાં પણ ભેદભાવ રખાતો. દલિત કેદીઓ અન્યોની સરખામણીમાં નિમ્નસ્તરનું ભોજન પીરસવામાં આવતું હતું. આ માત્ર તેમના માનવ અધિકારોનું ઉલ્લંઘન ન હતું, પરંતુ ભારતીય સમાજમાં ઉંડે સુધી જડ ઘાલી ગયેલી જાતિ વ્યવસ્થા સાબિતી હતી. કેટલાક કેદીઓ પોતાની જેલની વાતો શેર કરી છે, જેમાં તેમને કેવી રીતે તેઓ બીમાર હોવા છતાં બ્રશ વિના ટોઈલેટની સફાઈ માટે મજબૂર કરાયા હતા તેની પણ વાત કરી.

આ પણ વાંચો: જેલમાં કેદીઓને કયા માનવ અધિકારો મળે છે?

દલિત કેદીઓને વધેલું ભોજન આપવામાં આવતું?

હાપુડના ઇન્દર પાલ અને મોનુ કશ્યપ નામના બે દલિત કેદીઓએ એક ન્યૂઝ પોર્ટલને જણાવ્યું કે, કેવી રીતે દલિત કેદીઓને ઓછો ખોરાક આપવામાં આવતો હતો, અને જાનવરોની જેમ કતારોમાં ઊભા રહીને બચેલો ખોરાક આપવામાં આવતો હતો. આ પરિસ્થિતિએ તેમની ગરિમાનું અપમાન તો કર્યું જ, પરંતુ તેમની સાથે થઈ રહેલા જાતિય શોષણનું સત્ય પણ ઉજાગર કર્યું.

સર્વોચ્ચ અદાલતે જેલ મેન્યુઅલમાં ઘણા જૂના નિયમોને ફગાવી દેતા કહ્યું હતું કે, આ નિયમો શ્રમના જાતિ આધારિત વિભાજનને પ્રોત્સાહન આપે છે. આ નિર્ણય દલિત કેદીઓ માટે ન્યાય અને સમાનતા તરફ નવી આશા જગાવે છે. પોલીસ અને વહીવટી અધિકારીઓએ પણ આ નિર્ણયની પ્રશંસા કરી છે.

માત્ર મેન્યુઅલમાં ફેરફારથી પરિસ્થિતિ બદલાશે?

સામાજિક કાર્યકરો માને છે કે જેલ મેન્યુઅલમાં કરાયેલા ફેરફારો માત્ર શરૂઆત છે. દલિત કાર્યકર્તા સતીશ પ્રકાશ કહે છે કે અસલી પડકાર સમાજમાં ઊંડા ઉતરી ગયેલા જાતિગત પૂર્વગ્રહને દૂર કરવાનો છે, જે જેલની અંદર અને બહાર બંને જગ્યાએ અસ્તિત્વ ધરાવે છે. સોશિયલ એન્જિનિયરીંગ અને માનસિકતામાં પરિવર્તન વિના, ફક્ત કાયદાકીય સુધારાઓ પૂરતા નથી. કિશોર કુમાર જેવા વકીલો પણ એ વાત પર ભાર મૂકે છે કે જેલ પ્રશાસન માટે 'દલિત' શબ્દ માત્ર એક ઓળખ નથી, પરંતુ તેમને પરંપરાગત વ્યવસાયો સાથે જોડવાની માનસિકતાને પણ બદલવાની જરૂર છે.

જેલના અધિકારીઓ કેવો અમલ કરે છે તેના પર આધાર

સુપ્રીમ કોર્ટના નિર્ણયથી જેલોમાં જાતિ ભેદભાવને દૂર કરવાની દિશામાં એક નવી દિશા મળી છે. આ ચુકાદો માત્ર દલિત કેદીઓ માટે ન્યાયની આશા જ નહીં પરંતુ ભારતીય સમાજમાં સમાનતા અને ગૌરવને પ્રોત્સાહન આપતા વ્યાપક સુધારાઓનું પણ આહ્વાન કરે છે. કેન્દ્ર સરકારે જેલ નિયમાવલીમાં સુધારા કર્યા છે પણ તેનો છેવટનો અમલ તો જેલ તંત્ર પર નિર્ભર કરે છે. એ સ્થિતિમાં આ સુધારાનો કેટલો અને કેવો અમલ થાય છે, તેના પર જ જેલોમાં થતા જાતિ આધારિત ભેદભાવને ખતમ કરવાનો આધાર રહેલો છે.

આ પણ વાંચો: જેલમાં પણ જાતિવાદ : દલિતો સફાઈ કરે, સવર્ણો રસોઈ બનાવે


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.