વાસદમાં બુલેટ ટ્રેન બ્રિજનો એક હિસ્સો ધરાશાયી, 4 મજૂરો દટાયા, બેનાં મોત

આણંદના વાસદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટી દુર્ઘટના ઘટી છે. અહીં ગડરનો એક હિસ્સો ધરાશાયી થતા ચાર મજૂરો દટાઈ ગયા છે, જેમાં બેનાં મોત થયા છે. 

વાસદમાં બુલેટ ટ્રેન બ્રિજનો એક હિસ્સો ધરાશાયી, 4 મજૂરો દટાયા, બેનાં મોત
image credit - Google images

સુરત બાદ હવે આણંદમાં પણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટી દુર્ઘટના ઘટી છે. આણંદના વાસદ નજીક રાજપુરા ખાતે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી હતી, એ દરમિયાન બ્રિજ પર ગડરનો ભાગ ધરાશાયી થતાં કોંક્રિટના કાટમાળમાં ચાર શ્રમિકો દટાયા હતા. જેમાંથી ત્રણ શ્રમિકોને બહાર કાઢીને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી બે શ્રમિકોના મોત થયાના પણ સમાચાર મળી રહ્યા છે. જ્યારે હજુ એક શ્રમિકની શોધખોળ ચાલી રહી છે. પ્રાથમિક માહિતી અનુસાર, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ મહીસાગર બ્રિજ પર લોખંડની ગડર નાખવાની અને પથ્થરો બેસાડવાની કામગીરી ચાલી રહી છે ત્યારે આ ઘટના ઘટી હતી.

નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે જણાવ્યું હતું કે, “આજે સાંજે ચાર કામદારો મહી નદી પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નિર્માણ સ્થળ પર કોંક્રીટ બ્લોક વચ્ચે ફસાયા હતા. જેમાંથી બેના મોત થયા છે. હાલ બચાવ કાર્ય ચાલુ છે. ત્રણ મજૂરને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જે પૈકી બેના મોત નીપજ્યા છે.

ઘટના અંગે ડીએસપી આનંદ ગૌરવ જસાણીએ જણાવ્યું હતું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઈટ પર લગાવવામાં આવેલો ગર્ડર આજે પડી ગયો હતો. આ ઘટનામાં ત્રણ મજૂરોને બચાવીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ હજુ એક મજૂર તેમાં ફસાયેલો છે અને તેને બચાવવાનું ઓપરેશન ચાલી રહ્યું છે. 

આ તરફ દુર્ઘટના સર્જાતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને તંત્રના અધિકારીઓ અને એમ્બ્યુલન્સ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ સહિતના કાફલા દ્વારા તાબડતોબ બચાવ અને રાહત કામગીરી હાથ ધરાઈ. જેસીબી-ક્રેન વડે પથ્થરો હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે.

આ પણ વાંચો: બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ગિરધરનગરના 150 દલિતોના ઘર તૂટ્યાં, વળતર નહીં


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.