ચારધામ યાત્રામાં આ વર્ષે 52, કેદારનાથમાં 10 વરસમાં 350 લોકોના મોત

બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીમાં બેકાબૂ ભીડ ઉમટી પડી છે, જેમાં અત્યાર સુધીમાં 52 લોકો મોતને ભેટ્યાં છે. 10 વરસમાં બદ્રીનાથમાં 350 લોકો મૃત્યુ પામ્યા છે.

ચારધામ યાત્રામાં આ વર્ષે 52, કેદારનાથમાં 10 વરસમાં 350 લોકોના મોત
all image credit - Google images

ભારતની ધર્માંધ પ્રજા ધર્મના નામ પર ગમે તેવા સાહસો કરવા માટે જાણીતી છે. તેના માટે તેઓ મોતનું જોખમ હોય તો પણ તેની પરવા કરતી નથી. જેના કારણે દર વર્ષે સેંકડો લોકો માત્ર ધાર્મિક યાત્રાઓના કારણે મોતને ભેટે છે. આ વખતે પણ આવા જ આંકડાઓ સામે આવ્યા છે. જેમાં ચારધામ યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં 52 લોકોના મોત થયા છે. જેમાંથી બદ્રીનાથમાં 14, કેદારનાથમાં 23, ગંગોત્રીમાં 03 અને યમુનોત્રીમાં 12 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા છે. છેલ્લા ૧૦ વર્ષમાં કેદારનાથમાં ૩૫૦ શ્રદ્ધાળુઓના મોત થયા છે, અને તેનું મુખ્ય કારણ છાતીમાં દુખાવો, બેચેની અને હાર્ટ એટેક છે.

બદ્રીનાથમાં ભક્તને હાર્ટ એટેક આવ્યો

બે દિવસ પહેલા બદ્રીનાથની યાત્રાએ આવેલા કેરળના એક ભક્તને કાર્ડિયાક અરેસ્ટ આવતા મોત થયું હતું. એ પછી પણ તેના પરિવારે ઘરે પરત જઈને અંતિમ સંસ્કાર કરવાને બદલે વિષ્ણુપ્રયાગમાં જ અંતિમ સંસ્કાર કર્યા હતા. અત્યાર સુધીમાં બદ્રીનાથ ધામની યાત્રાએ આવેલા 8 શ્રદ્ધાળુઓના મોત હૃદય બંધ પડી જવાથી થયા છે.

આ પણ વાંચો: ધર્મની તાકાત શું છે?

કેરળના તિરુવનંતપુરમથી ચાર મહિલાઓ અને બે પુરૂષો બદ્રીનાથ દર્શન માટે આવ્યા હતા. શ્રીનિવાસન (૬૩)નું બુધવારે કાર્ડિયાક અરેસ્ટને કારણે અચાનક અવસાન થયું હતું. એ પછી પરિવારજનો મૃતદેહને વિષ્ણુપ્રયાગ લઈ આવ્યા, પરંતુ તેમની પાસે અંતિમ સંસ્કાર કરવા માટે કોઈ સામગ્રી ન હતી. આ અંગે તેમણે જોશીમઠ નગરપાલિકા પાસે મદદ માંગી હતી અને પાલિકાએ તેમને સામગ્રી પૂરી પાડી હતી, ત્યારબાદ જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

અગાઉ હેમકુંડ સાહિબની યાત્રાએ આવેલા પંજાબના એક યાત્રીનું કાર્ડિયાક અરેસ્ટને કારણે મોત થયું હતું. ગોવિંદઘાટના એસઓ લક્ષ્મી પ્રસાદ બિજલવાને જણાવ્યું કે, ગુરુવારે પંજાબના લુધિયાણાના રહેવાસી જસવિંદર સિંહ (૬૦), જે ગોવિંદઘાટથી ઘંગારિયા જઈ રહ્યા હતા, ભુંદરની સામે રામધુંગી પાસે કાર્ડિયાક અરેસ્ટને કારણે મૃત્યુ પામ્યા હતા. હેમકુંડ સાહિબના દરવાજા ૨૫ મેના રોજ ખુલશે અને પ્રથમ બેચ શુક્રવારે ગોવિંદઘાટથી ખંગરિયા જવા રવાના થશે પણ કેટલાક ભક્તો પહેલેથી જ ખંઢેરિયા પહોંચી રહ્યા છે.

છેલ્લા ૧૦ વર્ષમાં કેદારનાથમાં ૩૫૦ શ્રદ્ધાળુઓના મોત થયા

તમને જાણીને આઘાત લાગશે છેલ્લા ૧૦ વર્ષમાં કેદારનાથમાં ૩૫૦ શ્રદ્ધાળુઓના મોત થયા છે તેમ છતાં ગાડરિયા પ્રવાહની જેમ શ્રદ્ધાળુઓની ભીડ ત્યાં ઉમટી પડે છે. મોતના મુખ્ય કારણ છાતીમાં દુખાવો, બેચેની અને હાર્ટ એટેક છે. અગાઉ કેદારનાથમાં જ સ્થાનિકોએ પહાડ તોડીને બનાવેલી હોટલોના કારણે પૂર આવ્યું હતું અને તેમાં હજારો લોકો માર્યા ગયા હતા. આશ્ચર્યની વાત એ છે કે, આટલી મોટી સંખ્યામાં લોકો માર્યા જતા હોવા છતાં કેન્દ્ર કે સ્થાનિક રાજ્ય સરકાર દ્વારા આ બાબતે કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી.

આ પણ વાંચો: ચારધામ યાત્રા અને મોતનો ખતરો અને લૂંટની ખાતરી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.