વડગામ તાલુકાના નાવિસણા ગામે વીજ કરંટ લાગવાથી એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા હતા. સમગ્ર પરિવારમાં એક માત્ર નાનકડી દીકરી બચી જવા પામી હતી, આ નોંધારી બનેલી દીકરીને સરકાર તરફથી સહાય મળે એ માટે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ સરકારને પત્ર લખીને ભારપૂર્વક રજૂઆત કરી હતી, જેને પગલે સરકાર તરફથી આ અનાથ દીકરીને ૨૫ લાખની સહાય આપવામાં આવી હતી.
નાવિસણા ગામે કરંટ લાગવાથી એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા હતા. સમગ્ર પરિવારમાં એક નાનકડી દીકરી જ બચી જવા પામી હતી. સમગ્ર પંથક એ અનાથ બનેલ દીકરી માટે ચિંતાતુર બની ગયો હતો. સર્વ સમાજને સમાન ગણીને મદદ માટે હંમેશા આતુર એવા ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને આ ઘટનાની જાણ થતાં જ એ વખતે ગામના સરપંચ અને અન્ય આગેવાનો સાથે વાત કરી હતી અને શક્ય તમામ મદદ કરવાની તૈયારી બતાવી હતી. આ મુદ્દે સરકાર તરફથી યોગ્ય સહાય મળી રહે એ માટે એમણે સરકારને પત્ર લખીને અસરકારક રજૂઆત કરી હતી. એટલું નહિ રૂબરૂ ગાંધીનગર જઈને મૌખિક રજૂઆત પણ કરી હતી, જેથી અનાથ બનેલી દીકરીનું ભવિષ્ય સુરક્ષિત થઈ શકે. એમની રજૂઆત અને એમના પ્રયત્નોના કારણે આજે સરકાર તરફથી આ અનાથ દીકરીને ૨૫ લાખની સહાયનો ચેક આપવામાં આવ્યો હતો.
શું બનાવ બન્યો હતો?
જુલાઈ મહિનામાં વડગામ તાલુકાના નાવિસણા ગામમાં એક મહિલા તાર પર કપડાં સુકવી રહી હતી. જે દરમિયાન વીજ કરંટ લાગ્યો હતો. મહિલાને કરંટ લાગ્યો હોવાની જાણ થતાં પિતા-પુત્ર તેને બચાવવા માટે પહોંચ્યા હતા પરંતુ કરંટ પ્રસરીને પિતા-પુત્રને પણ લાગ્યો હતો. કરંટ લાગવાથી ત્રણેયના મોત થયાં હતાં, જ્યારે માત્ર ત્રણ વર્ષની બાળકી બચી ગઈ હતી.