આજે અમદાવાદમાં ‘દલિત ચેતના’ કાર્યક્રમમાં પાંચ દિગ્ગજ કવિઓ પોતાની રચનાઓ રજૂ કરશે
આજે અમદાવાદમાં ‘દલિત ચેતના’ શીર્ષક હેઠળ દિગ્ગજ દલિત કવિઓના કાવ્યપાઠનો કાર્યક્રમ યોજવાનો છે. સવાયા દલિત કવિ-લેખક પ્રવીણ ગઢવીના અધ્યક્ષ સ્થાને યોજાનારા આ કાર્યક્રમમાં પાંચ દિગ્ગજ દલિત કવિઓ પોતાની કવિતાઓનું પઠન કરશે. શું છે આ કાર્યક્રમ વાંચો આ અહેવાલમાં.
અમદાવાદમાં આજે દલિત ચેતના શીર્ષક હેઠળ દલિત કવિતાઓના કાવ્યપાઠ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સાંસ્કૃતિક મંત્રાલય, સાહિત્ય અકાદમી અને ઓમ કોમ્યુનિકેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં પાંચ દિગ્ગજ દલિત કવિઓ પોતાની રચનાઓનું પઠન કરશે. આ કાર્યક્રમના અધ્યક્ષપદે સુપ્રસિદ્ધ ગુજરાતી કવિ-સાહિત્યકાર અને સવાયા દલિત કવિ-લેખક તરીકે જાણીતા પ્રવીણ ગઢવીની વિશેષ ઉપસ્થિતિ રહેશે.
અમદાવાદના આશ્રમ રોડ પર આવેલા ગુજરાતી સાહિત્ય પરિષદના ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહમાં આજે તારીખ 24મી જાન્યુઆરી 2024ની સાંજે 5.30 કલાકે યોજાનારા આ કાર્યક્રમમાં આત્મારામ ડોડિયા, અરવિંદ વેગડા, સાહિલ પરમાર, પુરૂષોત્તમ જાદવ અને રમણ વાઘેલા જેવા દિગ્ગજ દલિત કવિઓ પોતાની રચનાઓનું પઠન કરશે.
આ કાર્યક્રમને દલિત ચેતના નામ અપાયું છે અને તેની તાસીર પ્રમાણેના જ કવિઓને તેમાં આમંત્રિત કરાયા છે. સાહિલ પરમાર અને પુરૂષોત્તમ જાદવ તેમની તેજાબી દલિત કવિતાઓ માટે જાણીતા છે. જ્યારે આત્મારામ ડોડીયા, અરવિંદ વેગડા અને રમણ વાઘેલા તેમની સંવેદનશીલ કવિતાઓને લઈને દલિત કવિતાજગતમાં આગવું સ્થાન ધરાવે છે. આ તમામ કવિઓની પોતાની નોખી શૈલી અને અદા છે ત્યારે આ બધાને એકમંચ પર સાંભળવા એ દલિત કવિતાના ચાહકો માટે પણ એક યાદગાર સંભારણું બની રહેશે. આ કાર્યક્રમને લઈને દલિત સાહિત્યના ચાહકોમાં ભારે ઉત્તેજનાનો માહોલ છે અને તેમાં મોટી સંખ્યામાં દલિત કવિઓ, લેખકો અને સાહિત્યકારો ઉમટી પડશે તે નક્કી છે.
આગળ વાંચોઃ નાનો હતો ત્યારે પિતાજી મને ‘ગાંધી’ ફિલ્મ જોવા લઈ ગયા હતા, જે મારે નીચે બેસીને જોવી પડી હતી કેમ કે...
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.