RSS કહે છે હિંદુ ધર્મગ્રંથોમાં કોઈ 'અછૂત' નથી, તો પછી 'મનુસ્મૃતિ' માં શું છે?

RSS ના નેતા ભૈયાજી જોષી કહે છે કે, હિંદુ ધર્મગ્રંથોમાં ક્યાંય પણ શૂદ્રો અછૂત હોવાનો ઉલ્લેખ નથી, પણ એ જ RSS જેને આદર્શ માને છે તે 'મનુસ્મૃતિ' આ દાવાઓની પોલ ખોલી નાખે છે.

RSS કહે છે હિંદુ ધર્મગ્રંથોમાં કોઈ 'અછૂત' નથી, તો પછી 'મનુસ્મૃતિ' માં શું છે?
image credit - Google images

RSS and Casteism: આ વર્ષે એપ્રિલ-મેમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં જાતિની વસ્તી ગણતરી મહત્વનો મુદ્દો હતો. વિપક્ષોએ જાતિની વસ્તી ગણતરીની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, પણ ભાજપે તેનો વિરોધ કર્યો હતો. જાતિ ગણતરી અંગે વિરોધ પક્ષોના વિચારો એકદમ સ્પષ્ટ જણાય છે.

એ વાત સૌ જાણે છે કે, જાતિના મુદ્દાએ હિંદુત્વની રાજનીતિ(Hindutva Politics)ને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. જ્યોતિરાવ ફૂલે(Jyotirao Phule) અને ભીમરાવ આંબેડકર(Dr. Ambedkar) જેવા મહાનુભાવોને ખ્યાલ હતો કે ઉચ્ચ જાતિઓ નીચલી જાતિઓનું શોષણ કરે છે. આ મુદ્દા પરથી દલિત(SC), આદિવાસી(ST), ઓબીસી(OBC) સમાજનું ધ્યાન ભટકાવવા માટે કથિત ઉચ્ચ જાતિના સંગઠનોએ ભારતના ભૂતકાળનું ગૌરવ ગાવાનું શરૂ કર્યું. હિન્દુ રાષ્ટ્ર(Hindu Rashtra)ની કલ્પના અને મનુ સ્મૃતિ(Manusmriti)ના નિયમો આધારિત રાજ્યની સ્થાપના આ તાકાતોના એજન્ડાના મૂળમાં હતી. છેલ્લાં કેટલાક દાયકાઓથી RSS એ નેરેટિવને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું છે કે, તમામ જાતિઓ એકસમાન છે. સંઘ સાથે જોડાયેલા લેખકોએ વિવિધ જ્ઞાતિઓ પર ઘણાં પુસ્તકો લખ્યા, જેમાં કહેવામાં આવ્યું કે ભૂતકાળમાં તમામ જાતિઓનો દરજ્જો સમાન હતો.

RSS ના નેતાઓ દાવો કરે છે કે અસ્પૃશ્ય જાતિઓ વિદેશી આક્રમણકારોના અત્યાચારોને કારણે અસ્તિત્વમાં આવી હતી અને તે પહેલા હિન્દુ ધર્મમાં તેમનું કોઈ સ્થાન ન હતું. સંઘના ઓછામાં ઓછા ત્રણ નેતાઓએ દલિતો, આદિવાસીઓ અને અન્ય ઘણાં સમૂહોના જન્મ માટે મધ્યકાલીન 'મુસ્લિમ આક્રમણ'ને ​​જવાબદાર ઠેરવ્યું છે.

આ પણ વાંચો: હવે દલિતોને રીઝવવા વિશ્વ હિંદુ પરિષદ તેમના ઘરે જઈને ભોજન કરશે

સંઘના ટોચના નેતા ભૈય્યાજી જોશી(Bhaiyyaji Joshi)ના મતે, હિન્દુ ધર્મગ્રંથોમાં ક્યાંય પણ શુદ્રોને 'અસ્પૃશ્ય' ગણાવ્યા નથી. મધ્યકાલીન સમયગાળામાં 'ઈસ્લામિક અત્યાચારો'ને કારણે અસ્પૃશ્ય દલિતોનો એક નવો વર્ગ અસ્તિત્વમાં આવ્યો. ભૈય્યાજી જોશીએ લખ્યું છે: "હિંદુઓના સ્વાભિમાનને તોડવા માટે આરબ વિદેશી આક્રમણકારો, મુસ્લિમ રાજાઓ અને ગૌમાંસ ખાનારાઓએ ચંદ્રવંશી ક્ષત્રિયોને ગાયોની કતલ કરવા, તેમની ચામડી કાપવા અને તેમના હાડપિંજરને કોઈ નિર્જન જગ્યાએ ફેંકી દેવા જેવા જઘન્ય કૃત્યો કરવા મજબૂર કર્યા. આ રીતે વિદેશી આક્રમણકારોએ 'ચર્મ-કર્મ' કરવા માટે એક નવી જાતિ બનાવી અને આ કામ સ્વાભિમાની હિંદુ કેદીઓને સજા તરીકે આપવામાં આવ્યું હતું."

આ બધાં દુષ્પ્રચારનો હેતુ જાતિને એક એવી સકારાત્મક સંસ્થા તરીકે દર્શાવવાનો છે જે હિન્દુ રાષ્ટ્રનું રક્ષણ કરતી આવી છે. જાતિની વસ્તી ગણતરીની માંગ જોર પકડવાની પૃષ્ઠભૂમિમાં RSS ના મુખપત્ર 'પાંચજન્ય' (Panchajanya)એ તેના 5 ઓગસ્ટ (2024) ના અંકમાં હિતેશ સરકાર(Hitesh Sarkar) દ્વારા " ए नेताजीः कौन जात हो" શીર્ષકથી એક લેખ પ્રકાશિત કર્યો હતો. લેખમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, "વિદેશી આક્રમણકારો જાતિની દિવાલો તોડી શક્યા નથી અને તેથી જ તેઓ હિન્દુઓનું ધર્માંતરણ કરાવી શક્યા નથી. જાતિ એ હિંદુ સમાજનો 'મુખ્ય આધાર' છે અને તેના કારણે વિદેશી હુમલાઓ પછી પણ દેશ સુરક્ષિત અને મજબૂત રહ્યો."

આ લેખમાં બોમ્બેના ભૂતપૂર્વ બિશપ લુઈસ જ્યોર્જ મિલ્ને(Louis George Milne)ના પુસ્તક "મિશન ટુ હિંદુઝ: અ કોન્ટ્રીબ્યુશન ટુ ધ સ્ટડી ઓફ મિશનરી મેથડ"(Mission to Hindus: A Contribution to the Study of Missionary Method) માંથી એક વાક્ય ટાંકવામાં આવ્યું છે, જે કંઈક આવું છે: "...તો પછી તે (જ્ઞાતિ) સામાજિક માળખાનો આવશ્યક ભાગ છે. પરંતુ તેમ છતાં, વ્યવહારિક દૃષ્ટિકોણથી તે લાખો લોકો માટે ધર્મ છે. તે વ્યક્તિના સ્વભાવ અને ધર્મ વચ્ચે કડીનું કામ કરે છે."

આ પણ વાંચો:  દલિતો અને ગણેશોત્સવઃ અહીંથી હું ભવ તરી શકું, અહીંથી ડૂબી શકું..

લેખકના મતે, તે સમયે મિશનરીઓને જે વાત પરેશાન કરતી હતી તે જ બાબત આજે વિપક્ષોને પરેશાન કરી રહી છે, ખાસ કરીને કોંગ્રેસને, જે ઈસ્ટ ઈન્ડિયા કંપની અને લોર્ડ એ.ઓ. હ્યુમની અનુગામી છે. લેખક એમ પણ કહે છે કે આક્રમણકારો જાતિના કિલ્લાને તોડી શક્યા ન હોવાથી તેમણે (મુસ્લિમો) સન્માનનિય જાતિઓના લોકોને હાથથી મેલું સાફ કરવાના કામે લગાડ્યા, એ પહેલા હાથથી મેલું સાફ કરવાની પ્રથાનું ક્યાંય વર્ણન મળતું નથી. લેખમાં કહેવાયું છે કે મિશનરીઓ સમાજના પછાતપણા માટે જાતિ વ્યવસ્થાને જવાબદાર માને છે અને વિપક્ષ પણ જાતિને કાંટાની જેમ જુએ છે. 

આ લેખ જૂઠાણાંનું પોટલું છે. પહેલી વાત એ છે કે છેક ઈ.સ.ની બીજી સદીમાં લખાયેલી 'મનુસ્મૃતિ'(Manusmriti)માં જાતિ પ્રથાની વ્યાખ્યા અને એની જબરજસ્ત તરફેણ કરવામાં આવી છે. મનુસ્મૃતિ દેશમાં વિદેશી આક્રમણકારોના આગમનના સેંકડો વર્ષ પહેલા લખવામાં આવ્યું હતું. અન્ય ઘણા હિંદુ ગ્રંથો પણ કહે છે કે નીચલી જાતિના લોકોએ ઉચ્ચ જાતિઓથી દૂર રહેવું જોઈએ. આ વિચારસરણી જ આભડછેટ અને હાથથી મેલું સાફ કરવાની પ્રથાની જનની છે.

આ પણ વાંચો: મનુસ્મૃતિના એ કાયદા, જેણે ભારતીય સમાજમાં અસમાનતાના બીજ વાવ્યાં 

પવિત્રતા અને પ્રદૂષણ સંબંધિત તમામ નિયમો, આચરણ અને પુનર્જન્મનો સિદ્ધાંત પણ આ વિચાર પર આધારિત છે. 'નારદ સંહિતા' અને 'વાજસનેયી સંહિતા' પણ આ જ કહે છે. નારદ સંહિતામાં માનવ મળમૂત્રને સાફ કરવું એ અસ્પૃશ્યો માટે નિર્ધારિત ફરજોમાંનું એક છે. વજસનેયી સંહિતા કહે છે કે ચાંડાલ એ ગુલામો છે જે મનુષ્યોની ગંદકી સાફ કરે છે.

ડો. આંબેડકર(Dr. Ambedkar) માનતા હતા કે જાતિપ્રથા(caste system) બ્રાહ્મણવાદે(Brahmanism) સમાજ પર લાદી છે. આરએસએસના મુખપત્રમાં પ્રકાશિત થયેલા લેખમાં જાતિ પ્રથાની પ્રશંસા કરવામાં આવી છે, જ્યારે ક્રાંતિકારી દલિત વિચારકો અને કાર્યકરો તેને હિન્દુ સમાજની સૌથી મોટી દુષ્ટતા માને છે. એટલે જ ડો.આંબેડકરે જાતિના વિનાશ(Annihilation of caste)ની વાત કરી હતી. 

ભારતીય બંધારણના મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરનારા આંબેડકર અને હિંદુ રાષ્ટ્રવાદની હિમાયત કરનાર RSS વચ્ચેનો તફાવત ભૂલી શકાય તેમ નથી. આંબેડકરે 'મનુ સ્મૃતિ' બાળી હતી જ્યારે RSS આ ગ્રંથને આદર્શ માની તેમાં દર્શાવેલ જાતિ અસમાનતાના મૂલ્યોનું સમર્થન કરે છે. આંબેડકરે ભારતનું બંધારણ ઘડ્યું હતું અને RSS એ આ બંધારણનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો અને આજે પણ સતત તેના નેતાઓ ખૂલ્લેઆમ તેને બદલી નાખવાની વાતો કરે છે. એટલે ભૈયાજી જોષી ગમે તેટલી સારી વાતો કરે પણ જ્યાં મનુસ્મૃતિ છે ત્યાં સુધી હિંદુ ધર્મગ્રંથોની પોલ આ જ રીતે ખૂલતી રહેશે.

આ પણ વાંચો: RSS અને આંબેડકર બે વિરોધી ધ્રુવ છે છતાં કેમ સંઘ બાબા સાહેબના વખાણ કરે છે?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.