30 ટકા સવર્ણો પાસે દેશની 89 ટકા સંપત્તિ, 41 ટકા OBC પાસે માત્ર 8 ટકા
દેશમાં OBC 41 ટકા, SC 20 ટકા, ST 10 ટકા જ્યારે General વર્ગ 30 ટકા છે. પણ વાત જ્યારે દેશની સંપત્તિની વહેંચણીની આવે છે ત્યારે આખું ચિત્ર ઉલટું થઈ જાય છે.

જો જાતિ કે વર્ગના આધારે આર્થિક અસમાનતા હશે તો આખરે રાષ્ટ્રને તેની કિંમત ચૂકવવી પડશે. જ્યાં સુધી શબ્દોમાં રાષ્ટ્રવાદના પોકળ નારા લગાવવામાં આવશે ત્યાં સુધી કોઈ પ્રગતિ અને સુખ નહીં મળે. છેલ્લા 14 વર્ષના અભ્યાસમાં બહાર આવ્યું છે કે દેશની સંપત્તિમાં SC-STનો હિસ્સો 2% વધ્યો છે અને OBCનો હિસ્સો ઘટ્યો છે. એવું જાણવા મળ્યું કે શ્રીમંતોમાં 89% જનરલ કેટેગરીના, 8% OBC અને 3% SC-ST વર્ગમાંથી છે. બિઝનેસ સ્ટાન્ડર્ડે ત્રણ સંશોધનોના આધારે આ આંકડા મેળવ્યા છે.
NSSO ના તાજેતરના સર્વે અનુસાર, દેશની 41% વસ્તી OBC, 20% SC, 9% ST અને 30% સામાન્ય વર્ગની છે. એટલે કે વસ્તીની સરખામણીમાં સંપત્તિનું અસંતુલન સ્પષ્ટ દેખાય છે. વર્ષ 2022 સુધીમાં દેશની 88.4% સંપત્તિ સામાન્ય વર્ગની જાતિઓ પાસે હતી, જ્યારે અનુસૂચિત જાતિનો હિસ્સો માત્ર 2.6% જ રહ્યો હતો. આ સંશોધન મે 2024માં બહાર પાડવામાં આવેલા વર્લ્ડ ઇકવાલિટી લેબના 'ટુવર્ડ્સ ટેક્સ જસ્ટિસ એન્ડ વેલ્થ રિડિસ્ટ્રિબ્યુશન' રિપોર્ટના ડેટાના આધારે કરવામાં આવ્યું હતું. એ મુજબ 8% OBC અબજોપતિ છે. એસટી કેટેગરીના એક પણ અબજોપતિ નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા 14 વર્ષમાં દેશની સંપત્તિમાં OBC કેટેગરીની ભાગીદારીમાં 2%નો ઘટાડો થયો છે, જ્યારે SC-STનો હિસ્સો 2% વધ્યો છે. 2008માં ઓબીસીનો હિસ્સો 10% હતો, જે 2022માં ઘટીને 8% રહી ગયો છે. એ જ રીતે, SC-STનો હિસ્સો 1% હતો, જે 3% થયો.
સંશોધનમાં સામેલ પેરિસ સ્કૂલ ઓફ ઈકોનોમિક્સના અનમોલ સોમાંચી કહે છે, 'મોટાભાગના નવા ધનવાન લોકો ઉચ્ચ જાતિમાંથી આવે છે, કારણ કે શિક્ષણ, આરોગ્ય, સામાજિક સંબંધો અને મૂડી જેવા તમામ પાસાઓમાં જાતિ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેના આધારે જ ઉદ્યોગસાહસિકતા આવે છે અને સંપત્તિનું સર્જન થાય છે. આજે પણ ઘણી જગ્યાએ દલિતોને જમીનના માલિક બનવા દેવામાં આવતા નથી. તેમની આર્થિક પ્રગતિના માર્ગમાં જમીન ન હોવી એ મોટું રોડું છે.
આ પણ વાંચો: ઉનસે અલગ રાય રખતા હું, ઈસલિયે મેરા કરિયર બરબાદ કર દિયા ગયા – પ્રો. લક્ષ્મણ યાદવ
આ અભ્યાસમાં કેટલાક મુદ્દાઓ પર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું નથી. હજારો વર્ષોથી માત્ર અમુક જાતિઓ પાસે જ શા માટે સંપત્તિ છે? અન્ય સમાજો અને દેશોમાં પૈસા કે મૂડી ફરતી રહે છે, પરંતુ ભારતીય સમાજમાં તે સ્થિર છે. જ્ઞાતિના ઘણાં કાયમી લાભ જન્મથી પ્રાપ્ત થાય છે.
ભારતમાં ગુલામીનું સૌથી મોટું કારણ જાતિ છે અને તેના કારણે જ આજે પણ લોકો ગરીબીમાં જીવે છે. જ્યાં સુધી જાતિ અસ્તિત્વમાં છે ત્યાં સુધી કંઈપણ મોટું પરિવર્તન આવવું અશક્ય છે. સંપત્તિમાં SCની ભાગીદારી કેમ નહિવત છે? ડો. આંબેડકરે કહ્યું હતું કે જાતિ વ્યવસ્થા એક ઘર જેવી છે, જેમાં અનેક માળ તો છે, પરંતુ એક માળેથી બીજા માળે ન આવી શકાય છે, ન જઈ શકાય છે. જે જાતિ જે વ્યવસાયમાં છે, તે અંદરોઅંદર જ લેવડદેવડ કરે છે અને એકબીજાને મદદ કરે છે. આ મુખ્ય કારણ છે જેના કારણે એસસી, એસટી અને ઓબીસી વર્ગના લોકો વ્યવસાયમાં અથવા એવા ક્ષેત્રોમાં પ્રવેશ કરી શકતા નથી જ્યાં ધન, સંપત્તિ અને સન્માન છે. જ્યાં સુધી જાતિ વ્યવસ્થા અસ્તિત્વમાં છે ત્યાં સુધી આ વર્ગો માટે સંપત્તિ મેળવવી મુશ્કેલ છે.
અહીં એક સત્ય ઘટનાનો ઉલ્લેખ કરવો જરૂરી બને છે. કનોટ પ્લેસના પાલિકા બજારમાં એક દલિતની દુકાન હતી. એક દિવસ તેઓ આજુબાજુના દુકાનદારો સાથે બેઠાં હતા ત્યારે તેને મળવા આવતા એક અધિકારી અચાનક આવી ચડ્યાં. વાતચીત દરમિયાન તેમણે પોતે દલિત હોવાનું અને આ દુકાનના માલિક તેમના મિત્ર પણ દલિત હોવાનું જણાવી દીધું. એ પછી પડોશી દુકાનદારો ત્યાંથી ધીરેધીરે ખસકી ગયા. જેવા એ બધાં ગયા કે તરત પેલો દલિત દુકાનદાર રડવા લાગ્યો. તેણે પેલા અધિકારીને કહ્યું કે, "મારી જાતિ કહેવાની શું જરૂર હતી, હવે મારો ધંધો બરબાદ થઈ જશે.
આ પણ વાંચો: દેશની IITs માં અભૂતપૂર્વ રોજગારી સંકટઃ 38 ટકા વિદ્યાર્થીઓ બેરોજગાર
અત્યાર સુધી તેઓ મને પંજાબી માનતા હતા અને હું તેમની સાથે બેસતો-ઉઠતો, ખાતો-પીતો હતો. પૈસાની લેવડદેવડ પણ ચાલતી રહેતી અને સામાન પણ ઉધાર મળી જતો હતો. હવે મારા માટે દુકાન ચલાવવી મુશ્કેલ બની જશે." જેને પેઢીઓથી સામાજિક અને બૌદ્ધિક સંપત્તિ વારસામાં મળી હોય અને તે બીજાને આર્થિક ક્ષેત્રમાં પ્રવેશવા ન દે, તેમાં પ્રવેશવું ખૂબ મુશ્કેલ છે. આ રીતે દેશ ક્યારેય આર્થિક રીતે મજબૂત નહીં બની શકે. ઢંઢેરો પીટવાથી કામ નહીં ચાલે, કારણ કે જીવન તથ્યો પર ચાલે છે. ભારત ભલે વિશ્વની પાંચમી આર્થિક શક્તિ હોય પરંતુ માથાદીઠ આવક કેટલી છે તે જોવું પડશે.
ભારતની વસ્તી 140 કરોડ આસપાસ છે એટલે તે પોતાની મૂળભૂત જરૂરિયાતો તો પૂરી કરશે જ. કશુંક ખાશે અને પહેરશે. ઘરનું બાંધવું, મોબાઈલ, ટીવી, બાઇક, શિક્ષણ, આરોગ્ય વગેરેનો પણ ઉપયોગ કરશે. જ્યારે આટલી મોટી વસ્તી ખરીદ-વેચાણ કરશે ત્યારે અર્થતંત્ર ચોક્કસપણે વધશે. આ કારણે આપણી અર્થવ્યવસ્થા વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે તેવું કહેવું ખૂબ જ ભ્રામક છે. વિકસિત દેશોની માથાદીઠ આવકની સરખામણીમાં ભારત ક્યાં ઊભું છે તે જોતાં લાગે છે કે તેમની બરાબરી પર પહોંચવામાં સદીઓ લાગશે. જો સામાજિક અવરોધો એવા જ રહેશે તો ભારતની આર્થિક સ્થિતિમાં કોઈ મોટો બદલાવ આવે તે મુશ્કેલ છે. નીચે આપેલ કોષ્ટકમાંથી તમે સમજી શકશો કે આપણે વિશ્વમાં ક્યાં છીએ.
જો દલિતો, આદિવાસીઓ અને પછાત લોકો પાસે પૈસા નથી તો માલ કોણ ખરીદશે? સર્વિસનો ઉપયોગ કોણ કરશે? જો 90% લોકો પાસે મોંઘી કાર, સામાન, મકાન અને સારી રહેણીકરણી પર ખર્ચ કરવાની શક્તિ નથી, તો ભારતની અર્થવ્યવસ્થા કેવી રીતે વિકાસ કરશે અને ચીન અને અમેરિકા સાથે સ્પર્ધા કરી શકશે? સરકારી પ્રયાસોથી કંઈક થઈ શકે છે પરંતુ જ્યાં સુધી વર્તમાન સામાજિક વ્યવસ્થા છે ત્યાં સુધી સવર્ણો, દલિતો અને પછાત વર્ગોમાં સંપત્તિની ટકાવારીમાં કોઈ ફેરફાર થવાનો નથી. મુસ્લિમોની સ્થિતિ પણ ઘણી ચિંતાજનક છે. કહેવાતા રાષ્ટ્રવાદીઓ આ વિશે ક્યારેય ચર્ચા કરતા નથી.
આ પણ વાંચો: દેશની સંપત્તિમાં દલિતોનો હિસ્સો ફક્ત 2.6 ટકા, જનરલનો 89 ટકા