દલિત વિદ્યાર્થી આજીજી કરતો રહ્યો, સવર્ણ શિક્ષક પાઈપથી ફટકારતો રહ્યો
એક સરકારી શાળાના સવર્ણ શિક્ષકે કારણ વિના જ માસુમ દલિત વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો. વિદ્યાર્થી રડતો રહ્યો, આજીજી કરતો રહ્યો પણ શિક્ષકનું દિલ ન પીગળ્યું.

સરકારી શાળાઓમાં દલિત વિદ્યાર્થીઓ સાથે થતા ભેદભાવના કિસ્સાઓ તો દરેક દલિત વ્યક્તિ વર્ણવી શકે તેમ છે. જો એ બધાંનો પટારો ખૂલે તો જાતિવાદી તત્વોના કાળા કારનામાઓની ચોતરફ થૂથૂ થઈ જાય. સદીઓથી આ ચાલતું આવ્યું છે અને કમનસીબે આજે પણ ચાલી રહ્યું છે. મનુસ્મૃતિના વિચારો પર ટકેલા હિંદુ ધર્મમાં શૂદ્રોને ભણવાનો પણ અધિકાર નહોતો. અંગ્રેજો આવ્યા અને દેશમાં શાળાઓ ખૂલી, એ પછી રાષ્ટ્રપિતા જ્યોતિરાવ ફૂલેને કારણે બ્રાહ્મણ સિવાયની જાતિના લોકો શિક્ષણ મેળવતા થયા. ડો. આંબેડકર જેવા મહાનાયક શિક્ષણમાં મનુવાદીઓનો એકાધિકાર તૂટ્યો એ પછી દેશને મળ્યાં. જો કે તેમને પણ ભયંકર જાતિ ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો.
કમનસીબે એ પછી પણ આ ભેદભાવ અટકવાનું નામ નથી લઈ રહ્યો. સદીઓથી શિક્ષણમાં વગર અનામતે સો ટકા અનામત ભોગવી રહેલા એક જ જાતિના લોકો આઝાદ ભારતમાં શિક્ષણ પર એકહથ્થુ કબ્જો જમાવીને બેઠાં છે. આજે પણ નાના ગામડાના પ્રાથમિક શાળાથી લઈને યુનિવર્સિટીના વીસી સુધીની પોસ્ટ સુધી નજર નાખશો તો ખ્યાલ આવશે કે કોણ લોકો શિક્ષણ જગત પર અડિંગો જમાવીને બેસી ગયા છે. આ એ લોકો છે, જે અન્ય સમાજના લોકોને લાયકાત છતાં શિક્ષણ જગતમાં પગ મૂકવા દેતા નથી. તેઓ સતત દલિત સમાજના બાળકોને શિક્ષણ તરફથી મોં ફેરવી લે તેવા પ્રયત્નો કરતા હોય છે અને તેના માટે તેઓ તેમના પર નિર્દયતાથી હાથ ઉપાડવામાં પણ લાજશરમ અનુભવતા નથી.
ઈન્દ્ર મેઘવાળની ઘટના યાદ છે?
વર્ષ 2022માં રાજસ્થાનના જાલોર જિલ્લાના સુરાણા ગામમાં સરસ્વતી વિદ્યા મંદિર સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતા નવ વર્ષના દલિત વિદ્યાર્થી ઈન્દ્ર મેઘવાળને તેના શિક્ષક છેલસિંહે પાણીના માટલાને અટકવા બદલ ઢોર માર માર્યો હતો.
આ પણ વાંચો: આમાં કેવી રીતે 'ભણશે ગુજરાત'?
જેના કારણે તેને સારવાર માટે ઉદયપુર અને પછી અમદાવાદ રિફર કરવામાં આવ્યો હતો. જ્યાં 14 ઓગસ્ટ 2022ના રોજ તેનું મોત થઈ ગયું હતું. આ ઘટના પછી દલિત સમાજ રોષે ભરાયો હતો અને સવર્ણ શિક્ષકના કરતૂતો વિરુદ્ધ દેશભરમાં ભારે હોબાળો મચ્યો હતો. આ ઘટના પણ કંઈક આવી જ છે.
માસુમ આજીજી કરતો રહ્યો, શિક્ષક નિર્દયતાથી મારતો રહ્યો
દલિત વિદ્યાર્થીને ઢોર માર મારવાની આવી વધુ એક ઘટનાની અહીં વાત કરવી છે. જેમાં એક સવર્ણ શિક્ષકે એક દલિત વિદ્યાર્થીને કારણ વિના જ પાઈપ વડે ઢોર માર માર્યો હતો. માસુમ વિદ્યાર્થી આજીજી કરતો રહ્યો, માફી માંગતો રહ્યો પણ સવર્ણ શિક્ષકને તેની જરાય દયા આવી નહોતી અને તેને પાઈપથી બેફામ રીતે ફટકારવાનું ચાલું રાખ્યું હતું. માસુમ વિદ્યાર્થીએ ઘરે જઈ તેના માતાપિતાને આખા મામલાની જાણ કરી હતી. એ પછી વાલીઓ શિક્ષક પાસે ફરિયાદ લઈને ગયા હતા. જો કે માથાભારે શિક્ષકે તેમને પણ જાતિસૂચક ગાળો ભાંડીને મારવાની ધમકી આપી હતી. આથી વિદ્યાર્થીના માતાપિતા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા માટે ગયા હતા. જો કે, પોલીસે હજુ પોલીસે તેમની ફરિયાદના આધારે કેસ દાખલ કર્યો નથી.
મેરઠની સરકારી શાળાની ઘટના
ઘટના જાતિવાદના એપીસેન્ટર ગણાતા યુપીની છે. અહીં મેરઠની રાલી ચૌહાણ ઉચ્ચ સરકારી પ્રાથમિક શાળામાં સવર્ણ શિક્ષક વિવેક સિંહે એક દલિત વિદ્યાર્થીને કારણ વિના જ નિર્દયતાથી પાઈપ વડે ઢોર માર માર્યો હતો. મારતી વખતે મનુવાદી શિક્ષકે દલિત વિદ્યાર્થી, જેને જાતિ કે જાતિ વ્યવસ્થાની સમજણ પણ નથી તેને અન્ય વિદ્યાર્થીઓની હાજરીમાં જાતિસૂચક ગાળો ભાંડીને અપમાનિત કર્યો હતો. જેના કારણે દલિત વિદ્યાર્થી ભાંગી પડ્યો હતો. તે શિક્ષકને આજીજી કરતો રહ્યો, રડતો રહ્યો અને છોડી દેવા માટે વિનંતી કરતો રહ્યો. પણ સવર્ણ શિક્ષકને માસુમની જરાય દયા નહોતી આવી.
માતાપિતાને પણ શિક્ષકે જાતિસૂચક ગાળો ભાંડી
શાળા છૂટ્યા પછી બાળકે ઘરે જઈને સમગ્ર મામલે તેના માતાપિતાને જાણ કરી હતી. તેના વાલીઓએ જ્યારે તેના શરીર પર જોયું તો બરડામાં ઈજાના અનેક નિશાન હતા, પાઈપના ફટકાથી અનેક જગ્યાએ સોજો ચડી ગયો હતો અને સોળ ઉપડી ગયા હતા.
શિક્ષકની આ કરતૂતને લઈને વિદ્યાર્થીના માતાપિતા ગામના અન્ય લોકો સાથે ફરિયાદ કરવા સ્કૂલે પહોંચ્યા હતા. જો કે અહીં પણ સવર્ણ શિક્ષક વિવેક સિંહ લાજવાને બદલે ગાજવા લાગ્યો હતો અને તેણે વિદ્યાર્થીના માતાપિતાને પણ જાતિસૂચક ગાળો ભાંડીને માર મારવાની ધમકી આપી ભગાડી દીધા હતા. આથી આખો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
ફરિયાદ પછી પણ પોલીસ સ્ટેશનમાં કેસ ન નોંધાયો
દલિત વિદ્યાર્થીના માતાપિતા આ મામલે સવર્ણ શિક્ષક વિવેક સિંહની દાદાગીરી સામે ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અહીં તેમણે ફરિયાદ નોંધાવી હતી, જો કે મોટાભાગના દલિત એટ્રોસિટીના કેસોમાં બને છે તેમ અહીં પણ પોલીસે કેસ નોંધવાનું ટાળ્યું હતું. ગામલોકોનો આક્ષેપ છે કે, શિક્ષક સવર્ણ જાતિનો હોવાથી પોલીસ તેને છાવરી રહી છે.
આ પણ વાંચો: ખેડામાં બે શાળાઓને વાલીઓએ વિચિત્ર કારણોસર તાળાં મારી દીધાં