જય ભીમ બોલો! કચ્છના જડસા-ખોડાસરમાં 102 એકર જમીન દલિતોને સોંપાઈ
સામાજિક કાર્યકરોની અથાગ મહેનતને કારણે દલિતોને વર્ષો બાદ માથાભારે તત્વોએ પચાવી પાડેલી તેમની જમીનો પરત મળી રહી છે.

કચ્છમાં માથાભારે તત્વો દ્વારા વર્ષોથી અનુસૂચિત જાતિ સમાજની મંડળીઓ કે સ્થાનિક દલિતોને સરકારી ધોરણે કાયદેસર રીતે ફાળવવામાં આવેલી હજારો એકર જમીનો પડાવી લેવામાં આવી છે. અનેક સરકારો આવીને ગઈ પણ જાતિવાદી તત્વો આ જમીનોનો કબ્જો તેના અસલી માલિકો એવા દલિતોને સોંપતા નહોતા. દલિત સમાજના લોકો જો તેમના હકની આ જમીનોની માંગ કરવા જાય તો આ તત્વો નાગાઈ પર ઉતરી આવતા હતા. પણ હવે અનુસૂચિત જાતિ સમાજના સક્રિય આગેવાનોની મહેનતને કારણે ધીરેધીરે આ જમીનો તેના અસલી લાભાર્થીઓ એવા દલિત સમાજના લોકો અને મંડળીઓને મળી રહી છે. ગઈકાલે આ રીતે વધુ 2 ગામોમાં કુલ 102 એકર જમીનોનો પ્રત્યક્ષ કબ્જો અનુસૂચિત જાતિ સમાજની સામુદાયિક મંડળીઓને કબ્જા પાવતી સાથે સોંપવામાં આવ્યો હતો.
ભચાઉના જડસા અને ખોડાસરમાં જમીન સોંપાઈ
મળતી માહિતી પ્રમાણે કચ્છના ભચાઉ તાલુકાના જડસા અને ખોડાસર ગામમાં આવેલી ભચાઉ તાલુકા અનુસૂચિત જાતિ ખેતી સામુદાયિક મંડળી લિ.ની જમીનો પૈકી જડસા ગામે કુલ 8 રે.સ.ન. મળીને 52 એકર ગુંઠા અને ખોડાસર ગામે કુલ 7 રે.સ.ન. મળીને 50 એકર ગુંઠા જમીન એમ બંને ગામની મળીને કુલ 102 એકર ગુંઠા જેટલી જમીન કચ્છ જિલ્લા કલેક્ટરની સૂચનાથી ભચાઉ પ્રાંત અધિકારીના માર્ગદર્શનમાં ભચાઉ મામલતદાર, સર્કલ ઓફિસર, ડીઆઈએલઆર ભૂજના સર્વેયર, સ્થાનિક રેવન્યૂ તલાટી, ગ્રામ પંચાયત તલાટી સહિત પોલીસતંત્રની હાજરીમાં મંડળીના સભાસદોને જમીનની માપણી કરી, ચર્તુદિશા નક્કી કરીને સ્થળ પર જ પ્રત્યક્ષ સોંપવામાં આવ્યો હતો.
4-5 ડિસેમ્બર સુધીમાં કામગીરી પૂર્ણ કરી દેવાશે
છેલ્લાં એક મહિનાથી માથાભારે તત્વોએ પચાવી પાડેલી દલિતોની જમીનો તેમને પરત સોંપવાની કામગીરી ચાલી રહી છે. મળતી માહિતી મુજબ આગામી 4-5 ડિસેમ્બર 2024 સુધીમાં ભચાઉ તાલુકાની તમામ અનુસૂચિત જાતિ ખેતી સામુદાયિક મંડળીઓને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમની માલિકીની જમીનોનો સ્થળ પર જ પ્રત્યક્ષ કબ્જો સોંપી દેવામાં આવશે.
કચ્છમાં દલિત સમાજના લોકોને તેમના હકની આ જમીનો અપાવવામાં સામાજિક કાર્યકર અને મહેશ્વરી સમાજના આગેવાન નરેશભાઈ મહેશ્વર અને તેમની ટીમનો સિંહફાળો છે. તેઓ છેલ્લાં ઘણાં મહિનાઓથી આ મામલે રાતદિવસ જોયા વિના મહેનત કરી રહ્યાં છે અને તેનું પરિણામ હવે દેખાઈ રહ્યું છે.
અનુસૂચિત જાતિ સમાજને તેમના હકની જમીન મળે તે જ લક્ષ્ય
ખબરઅંતર.કોમ સાથે વાત કરતા નરેશભાઈ મહેશ્વરી જણાવે છે કે, અનુસૂચિત જાતિ સમાજની સામુદાયિક મંડળીઓને તેમના હકની જમીનો, જે માથાભારે તત્વોએ વર્ષોથી દબાવી રાખી છે, તે પરત મળે તે જ અમારું લક્ષ્ય છે. અમારી સતત રજૂઆતોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીની સીધી સૂચના બાદ કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ આ મામલો હાથમાં લીધો હતો. તેમના માર્ગદર્શનમાં જિલ્લા કલેક્ટરની દેખરેખ હેઠળ 13 નવેમ્બર 2024થી દલિત સમાજની મંડળીઓને તેમના હકની જમીનો કબ્જા સોંપવાની કામગીરી ચાલી રહી છે. કોઈપણ પ્રકારના વાદવિવાદ કે અનિચ્છનીય ઘટના ઘટ્યાં વિના આ જમીનોનો પ્રત્યક્ષ કબ્જો તેના અસલી માલિકો એવા દલિત સમાજને મળી રહ્યો છે. અમે સ્થળ પર જઈને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ચતુર્થદિશા નક્કી કરીને તમામ જરૂરી કાર્યવાહી કર્યા બાદ સ્થળ પર જઈને જ મંડળીઓને જમીનનો કબ્જો મળે તેની કાળજી રાખીએ છીએ, જેથી પાછળથી કોઈ સમસ્યા ન સર્જાય.
સામુદાયિક મંડળીના આગેવાનો, કાર્યકરો જોડાયા
ભચાઉમાં જમીનના પ્રત્યક્ષ કબ્જાની આ કામગીરીમાં ભચાઉ મામલતદાર, ડીઆઈએલઆર ભૂજના સર્વેયર, નાયબ મામલતદાર, સર્કલ ઓફિસર, રેવન્યૂ તલાટી, પંચાયત તલાટી સાથે પોલીસ તંત્ર પણ જોડાયું હતું. જમીનનો પ્રત્યક્ષ કબ્જો સોંપવાની આ કામગીરીમાં સામાજિક કાર્યકર નરેશ મહેશ્વરીનીસાથે નીલ વિંઝોડા, મંડળીના સભાસદો સુરેશ કાઠેચા, સુરેશભાઈ વાઘેલા, રમેશભાઈ દાફડા, રાહુલ ખાણીયા, વિશાલ પંડ્યા, ભરતભાઈ દાફડા, કિશન ચૌહાણ, સુમિતભાઈ દાફડા, હિમેશભાઈ કાઠેચા, સંજુ મહેશ્વરી સહિતના આગેવાનો જોડાયા હતા.
નરેશભાઈ મહેશ્વરની મહેનત ફળી રહી છે
ઉલ્લેખનીય છે કે, કચ્છના સામાજિક કાર્યકર નરેશભાઈ મહેશ્વરી પક્ષાપક્ષીના રાજકારણમાં પડ્યાં વિના વર્ષોથી અનુસૂચિત જાતિ સમાજ માટે જમીની લેવલે કામ કરી રહ્યાં છે. અગાઉ તેઓ આ જમીનોના મામલે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ કિશોર મકવાણાને પણ રજૂઆત કરી ચૂક્યા છે. હાલમાં એસસી-એસટી પેટા વર્ગીકરણ અને ક્રિમીલેયરના મુદ્દે પણ તેમણે ખૂલીને વિરોધ કર્યો હતો. સામાન્ય રીતે સત્તાપક્ષ સાથે જોડાયેલી વ્યક્તિ પક્ષ સામે પડવાથી ડરતી હોય છે. પરંતુ નરેશ મહેશ્વરી કોઈની પણ પરવા કર્યા વિના માત્ર અનુસૂચિત જાતિ સમાજને વફાદાર રહીને કામ કરતા રહે છે. હાલ તેમણે કચ્છમાં દલિત સમાજની સામાજિક મંડળીઓની માથાભારે તત્વોએ વર્ષોથી દબાવી રાખેલી જમીનો પરત અપાવવાનું બીડું ઝડપ્યું છે અને તેમાં તેમને મહદઅંશે સફળતા મળી છે. નરેશભાઈ મહેશ્વરી અને તેમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન.
આ પણ વાંચો: કચ્છના 8 ગામોમાં દલિતોને 147 એકર જમીનનો પ્રત્યક્ષ કબ્જો સોંપાયો