દલિત અત્યાચાર મામલે સ્વામિનારાયણના ‘પ્રગટ બ્રહ્મસ્વરુપો’ ચૂપ કેમ રહે છે?

સ્વામિનારાયણ સંપ્રદાયના શિક્ષાપત્રી સહિતના ગ્રંથોમાં દલિતો વિશે અનેક વાંધાજનક બાબતો લખવામાં આવેલી છે. આ લેખ તેના વિશે વિગતે વાત કરે છે.

દલિત અત્યાચાર મામલે સ્વામિનારાયણના ‘પ્રગટ બ્રહ્મસ્વરુપો’ ચૂપ કેમ રહે છે?
image credit - khabarantar.com

કડવા ભગત(1785-1850)નું ભજન છે, ‘મંદિર બાંધીને માયા વધારી, સાચા જતિ-સતિ રે સંતાણા; જગતમાં પાખંડવાળા પૂજાણા!’ આ ભજન સ્વામિનારાયણ સંપ્રદાય માટે જ કડવા ભગતે રચ્યું હશે. સ્વામિનારાયણના ભક્તો કહે છે કે ‘BAPSએ અબુધાબી, દુબઈ, અમેરિકા વગેરે દેશોમાં ‘હિન્દુ મંદિરો’નું નિર્માણ કરીને સનાતન ધર્મનો જયજયકાર કર્યો છે.’

વિદેશોમાં હિન્દુઓને પોતાના સંપ્રદાયના મંદિરમાં આવતા કરવા માટે BAPSવાળા સ્વામિનારાયણ મંદિરને ‘હિન્દુ મંદિર’ કહે છે. પરંતુ સનાતન દેવી-દેવતાઓની મૂર્તિઓ નાની અને સહજાનંદની મૂર્તિ મોટી હોય છે. સહજાનંદજીને રામ, કૃષ્ણ અને શિવની ઉપર મૂકે છે; તેમને સર્વોપરી ભગવાન કહે છે. આ તો સનાતન ધર્મનું હળાહળ અપમાન છે. વિદેશમાં પોતાના મંદિરને હિન્દુ મંદિર કહે છે પરંતુ ભારતની સુપ્રિમ કોર્ટ સમક્ષ સોગંદ પર સ્વામિનારાયણ સંપ્રદાયે કહ્યું હતું કે ‘સ્વામિનારાયણ સંપ્રદાય હિન્દુ ધર્મનો ભાગ નથી!’

સ્વામીનારાયણ સંપ્રદાયે સુપ્રિમ કોર્ટ સમક્ષ આવું કેમ કહ્યું? કેમ કે, સ્વામિનારાયણ મંદિરોમાં દલિતો પ્રવેશ કરે તેવું તેઓ ઈચ્છતા ન હતા. કેટલાંક દલિતો BAPSના અનુયાયીઓ છે. એમને બંધારણ કરતા શિક્ષાપત્રી મહાન લાગે છે. શિક્ષાપત્રીના શ્લોક-45 મુજબ દલિતો તિલક કરી શકતા નથી. શ્લોક-90 મુજબ શૂદ્રોએ ઉપલા ત્રણ વર્ણની સેવા જ કરવાની છે. સમાજમાં લઘુતાગ્રંથિ અને ગુરુતાગ્રંથિના શિખરસમા વર્ણ-ભેદભાવો થઈ રહ્યા છે તેનું કારણ મનુસ્મૃતિની વર્ણવ્યવસ્થા છે. આ વ્યવસ્થાનું પ્રચંડ સમર્થન સહજાનંદજીએ શિક્ષાપત્રીમાં કર્યું છે. 

આ પણ વાંચો: બ્રાહ્મણોની સાંસ્કૃતિક ગુલામીમાંથી બહુજનોને કેવી રીતે બચાવી શકાય?

સ્વામિનારાયણ સંપ્રદાય કાયમ દલિતો વિરોધી રહ્યો છે. ગુજરાતમાં વર્ષ 1981 અને 1985માં અનામત વિરોધી આંદોલનો થયા ત્યારે આંદોલનને વેગ આપવામાં આ સંપ્રદાયની ભૂમિકા હતી. ગુજરાતમાં ઘોડી પર બેસવા, મૂછો રાખવા, જમીન રાખવા, કાર રાખવા, સારા કપડાં પહેરવા વગેરે કારણોસર દલિતોનું જાહેર અપમાન, મારઝૂડ, બળાત્કાર, હત્યા થાય છે; તે વખતે સ્વામિનારાયણના સ્વામીઓ, કથાકારો, પ્રગટ બ્રહ્મસ્વરૂપોએ આવું નહીં કરવા લોકોને ક્યારેય શીખામણ આપી નથી.

સવાલ એ છે કે દલિતો પરના અત્યાચાર સમયે સ્વામિનારાયણના ‘પ્રગટ બ્રહ્મસ્વરુપો’ ચૂપ કેમ રહે છે? વર્ણ-ભેદભાવ દૂર કરવા માટે આ સંપ્રદાયના સાધુઓને દલિતવાસ, દેવીપૂજકવાસ કે આદિવાસીઓનાં ઝૂંપડાંઓમાં જવાની જરૂર નથી; પણ શિક્ષાપત્રીમાંથી વર્ણવ્યવસ્થાનું સમર્થન કરેલ છે; તેને દૂર કરવાની જરૂર છે.

’શ્રી સ્વામિનારાયણ સંહિતા’ પુસ્તકના પેજ નં-116 ઉપર લખ્યું છે કે ‘ઉત્તમ દેશ, ઉત્તમ જાતિ, ઉત્તમ યોગ મળે તો જ પ્રભુ ભજાય. સિંધ જેવા દેશમાં જન્મ મળે તો પ્રભુ ભજાય નહીં. આ દેશમાં જન્મ મળે પણ દલિતનો (મૂળ શબ્દ લખી શકાય તેમ નથી) જન્મ મળે તો પણ પ્રભુ ભજી શકાય નહીં; કેમકે તેમાં દેવદર્શન, સાધુસંતનો સમાગમ થાય નહીં.’ વિચારો, આટલું હલકી કક્ષાનું સાહિત્ય વાંચી વાંચીને સ્વામિનારાયણના બાવાઓ અને તેમના સત્સંગીઓ દલિતોને ધિક્કારે કે નહીં? એટલું ચોક્કસ કહી શકાય કે, ‘સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ’ પ્રગટ્યા ન હોત તો દલિતો પ્રત્યેના ભેદભાવો જરૂર ઓછા થયા હોત. યૂટ્યુબર જ્યોત્સના આહિરે પાર્ટ-4માં સ્વામિનારાણ સંપ્રદાયના વિરોધાભાસનો પર્દાફાશ કર્યો છે. 

‘સર્વોપરી ભગવાન’ સહજાનંદજી રાજકોટ ખાતે અંગ્રેજ ગવર્નર માલ્કમને મળવા ગયા હતા અને તેમને આશીર્વાદ આપેલ કે 'તમો ગાય તથા બ્રાહ્મણોનું રક્ષણ કરજો. તમારું રાજ ઘણા કાળ સુધી રહેશે’('સહજાનંદ ચરિત્ર' પ્રકાશકઃ સ્વામિનારાયણ અક્ષરપીઠ, શાહીબાગ, અમદાવાદ. પેજ-145) ભારતને ‘ઘણા કાળ સુધી’ ગુલામ રાખવાના આશીર્વાદ આપે તેને સર્વોપરી ભગવાન કહી શકાય?માત્ર ‘ગાય તથા બ્રાહ્મણોનું રક્ષણ કરજો’ એવી અપીલ કરનારને ‘સર્વોપરી ભગવાન’ કહી શકાય? દલિતો, ગરીબો, કચડાયેલાં, શ્રમિકોનું રક્ષણ કરજો એવી વિનંતિ કરવાનું સહજાનંદજીને કેમ સૂઝ્યું નહીં હોય?
- રમેશ સવાણી (લેખક નિવૃત્ત આઈપીએસ અને રેશનલ વિચારધારાના પક્ષધર છે)

આ પણ વાંચો: સ્વામિનારાયણ સાહિત્યમાં વાહિયાત અને તદ્દન જૂઠાં પરચાઓ છે


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Manubhai Parmar
    Manubhai Parmar
    Good information. We must awake and struggle for our existence.
    4 months ago
  • Parmar Rajanbhai Danabhai
    Parmar Rajanbhai Danabhai
    શ્રીમાન મહોદય. આપને હુ જનવાવા માંગુ સે કે ગુજરાત ની જેટલી પણ જ્ઞાતિ ઓ સે એમના વિષે વિગત વાર જનવાસો આને બીજુ કે ગુજરાત ના વિકાસ મા દલિતો નુ સ્થાન સુ સે ?
    9 months ago
  • C K Raj
    C K Raj
    Very good information
    9 months ago