સ્વામી મારા સિવાય બીજી છોકરીઓને પણ ગંદી નજરથી જોતા હતા...

રાજકોટના ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટીયા ગામના સ્વામીનારાયણ ગુરૂકુળના લંપટ સાધુની કામલીલા વિશે હવે ખુદ પીડિતાએ વાત કરી છે.

સ્વામી મારા સિવાય બીજી છોકરીઓને પણ ગંદી નજરથી જોતા હતા...
image credit - Google images

ધર્મની આડમાં મહિલાઓ, યુવતીઓના શારીરિક શોષણનો મામલો આજકાલ ચર્ચામાં છે. એકબાજુ  વૈષ્ણવ સંપ્રદાયના સ્વામીઓની કામલીલાને દર્શાવતી ફિલ્મ મહારાજ રિલીઝ થઈ છે. બીજી તરફ સ્વામીનારાયણના સાધુઓની લંપટલીલા પણ સામે આવી રહી છે. વડોદરા બાદ હવે રાજકોટના ખીરસરા ગુરુકુળના સ્વામીનારાયણ સંતો સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રાજકોટના ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટીયા ગામના ગુરુકુળમાં સ્વામિનારાયણ સંપ્રદાયના બે સંતો સહિત કુલ ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં છેલ્લા ત્રણ વર્ષથી દુષ્કૃત્ય આચરવામાં આવતું હોવાનું કહેવાયું છે. પોલીસે હાલ સંચાલક મયુર કાંસોદરીયાને ઝડપી લીધો છે અને તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. આ દરમિયાન હવે સ્વામિનારાયણના સંતોની વાસનાનો ભોગ બનેલી પીડિતા મીડિયા સમક્ષ આવી છે.

ખીરસરા ઘેટિયા ગામ ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી ધર્મસ્વરૂપદાસ દ્વારા મહિલા પર દુષ્કર્મ આચારવામાં આવ્યું હતું. પીડિતાને ફેસબુકના માધ્યમથી સ્વામીએ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી ફ્રેન્ડશીપ કરી હતી. એ પછી ગુરુકુળ ખાતે તેને મળવા બોલાવી બળજબરી કરી હતી. પીડિતાના જણાવ્યા પ્રમાણે ગુરુકુળના ગેસ્ટ રૂમમાં સ્વામીએ તેની સાથે લગ્ન પણ કર્યા હતા.

પીડિતાએ મીડિયાને જણાવ્યું હતું કે, “લગ્ન કર્યા બાદ સ્વામીએ ‘હવે હું તારો પતિ છું’ તેમ કહી બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા. જેનાથી હું ગર્ભવતી થઈ હતી. ગર્ભવતી થતા સ્વામી દ્વારા ગર્ભપાતની ગોળી મોકલાવી ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો. મારા સિવાય અન્ય છોકરીઓને પણ સ્વામી ખરાબ નજરે જોતા હતા. નારાયણ સ્વામીને પણ અમારા સંબંધો વિશે ખ્યાલ હતો. સાધ્વી બનવાની ટ્રેનિંગ માટે મને ભુજ અને હળવદ ખાતે મોકલવામાં આવી હતી. ફરિયાદ નોંધાયાને હાલ દસ દિવસથી વધુનો સમય વીતી ચૂક્યો છે તેમ છતાં એક પણ આરોપી પોલીસ ઝડપી શકી નથી.”

આ પણ વાંચો: સ્વામી રામભદ્રાચાર્ય ‘રામને નહીં ભજનારને ચમાર’ કેમ કહે છે?

આ સાથે જ રાજકોટ રૂરલ પોલીસ પર પીડિતાએ આક્ષેપ લગાવ્યા કે, “મને શંકા હતી કે સ્થાનિક પોલીસ આરોપીને સપોર્ટ કરશે. એટલા માટે મેં રાજકોટ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.”

ઉલ્લેખનીય છે કે, સ્વામીનારાયણ સંપ્રદાયના લંપટ સાધુઓનો વિવાદ હવે વકરી રહ્યો છે. આવા સાધુઓના વિરોધમાં હરિભક્તોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ગઢડા સ્વામિનારાયણ મંદિરના ભગવત પ્રસાદ સ્વામીનો અશ્લીલ વીડિયો વાયરલ થયો હતો. મોટી સંખ્યામાં હરિભક્તોએ કલેક્ટર કચેરી પહોચી લંપટ સાધુઓના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. મહિલા હરિભક્તો દ્વારા બેનરો સાથે લંપટ સાધુઓ વિરોધમાં હાય હાયના સૂત્રોચ્ચાર કર્યા હતા. એટલું જ નહીં ગુજરાતભરના હરિભક્તો વડતાલ પહોંચી ગયા હતા અને લંપટ સ્વામીઓને જેલમાં ધકેલી દેવા અંગે હોબાળો મચાવ્યો હતો. જો કે, એ પછી પણ ઈશ્વર અને ભગવાનની વાત કરતા આ લંપટ સાધુઓ વિરુદ્ધ મંદિર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનું જાણવા મળે છે.

આ પણ વાંચો: સ્વામીએ કિશોરનું બ્રેઈનવોશ કર્યું, હવે તેને સાધુ બની જવું છે?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.