લાંચ ન આપી તો તલાટીએ અરજદારનું ડેથ સર્ટિફિકેટ બનાવી નાખ્યું!
મૃત પત્નીનું ડેથ સર્ટિફિકેટ કઢાવવા ગયેલા દલિત શખ્સે તલાટીને લાંચ આપવાનો ઈનકાર કરી દેતા બદલો લેવા તલાટીએ તે વ્યક્તિનું જ મૃત્યુનું પ્રમાણપત્ર બનાવી દીધું.

ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાંથી લાંચનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક દલિત વ્યક્તિ તેની મૃત પત્નીનું ડેથ સર્ટિફિકેટ કઢાવવા માટે ગ્રામ પંચાયતમાં ગયો હતો. જ્યાં તલાટીએ તેની પાસે સર્ટિ કઢાવવા માટે લાંચ માંગી હતી. દલિત વ્યક્તિએ તે આપવાનો ઈનકાર કરી દીધો. તેથી બદલો લેવા માટે તલાટીએ તેની પત્નીને બદલે એ દલિત શખ્સનું જ ડેથ સર્ટિફિકેટ બનાવી દીધું. અરજીકર્તા દલિતે આ મામલે કલેક્ટરને ફરિયાદ કરી છે. એ પછી તલાટી સામે કાર્યવાહી કરવામાં આવી અને તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને તેની વિરુદ્ધ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો.
મામલો શું છે?
મામલો જાતિવાદ માટે કુખ્યાત ઉત્તરપ્રદેશનો છે. અહીં હરદોઈ જિલ્લાના કોથાવાના અટવા ગામના રહેવાસી વિશ્વનાથની પત્ની શાંતિ દેવીનું ૧૯ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ અવસાન થયું હતું. એ પછી વિશ્વનાથ પત્નીનું મૃત્યુ પ્રમાણપત્ર કઢાવવા માટે ગ્રામ પંચાયતના તલાટી સરિતા દેવી પાસે ગયા હતા. વિશ્વનાથના મતે, શરૂઆતમાં તલાટી સરિતા દેવી ડેથ સર્ટિફિકેટ કાઢી દેવામાં ખચકાટ અનુભવતા હતા. એ પછી તેણે સર્ટિફિકેટ બનાવી આપવા માટે બે હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી.
કલેક્ટરને ફરિયાદ કરી
મળતી માહિતી અનુસાર, જ્યારે વિશ્વનાથે તલાટીને લાંચ આપવાની ના પાડી. તો તેણે વિશ્વનાથને ખૂબ ધક્કા ખવડાવ્યા. અંતે, જ્યારે પ્રમાણપત્ર બનાવવામાં આવ્યું ત્યારે પણ તે પત્ની શાંતિ દેવીનું નહોતું, પરંતુ તેમનું ખુદનું જ હતું. ૩ જાન્યુઆરીના રોજ, તલાટી સરિતા દેવીએ વિશ્વનાથને 'વિશ્વનાથનું' જ મૃત્યુ પ્રમાણપત્ર પકડાવી દીધું હતું. વિશ્વનાથે કહ્યું કે તે સ્થળ પર પ્રમાણપત્ર યોગ્ય રીતે જોઈ શક્યો નહીં. પણ જ્યારે તેણે ઘરે જઈને પ્રમાણપત્ર જોયું ત્યારે તે સ્તબ્ધ થઈ ગયો હતો. એ પછી તેણે આ અંગે હરદોઈ જિલ્લા મેજિસ્ટ્રેટ મંગલા પ્રસાદ સિંહને ફરિયાદ કરી.
ઘરે જ આપવામાં આવ્યું મૃત્યુ પ્રમાણપત્ર
કલેક્ટર મંગલા પ્રસાદ સિંહે આ મામલે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો. જે બાદ જિલ્લા પંચાયતના અધિકારીએ તલાટી સચિવ સરિતા દેવીને સસ્પેન્ડ કરી દીધી. તેમની સામે FIR પણ દાખલ કરવામાં આવી છે. એટલું જ નહીં તાલુકા વિકાસ અધિકારીએ પોતે વિશ્વનાથના ઘરે ગયા અને તેમને તેમની પત્ની શાંતિ દેવીનું મૃત્યુ પ્રમાણપત્ર આપ્યું હતું.
આ પણ વાંચોઃ દલિત મહિલા સરપંચ ને ઉપસરપંચ-તલાટીએ બેસવા ખુરશી ન આપી