ચડાસણાની ઘટનાને લઈને જનતા સેના આજે ગાંધીનગર એસપીને આવેદનપત્ર આપી ઉગ્ર દેખાવો યોજશે
ગુજરાતમાં જાતિવાદી તત્વો દ્વારા દલિતો પર થઈ રહેલા અત્યાચારોની ઘટનાઓમાં વધારો થયો છે. હાલમાં જ માણસાના ચડાસણા ગામે જાતિવાદી લુખ્ખા તત્વોએ દલિત વરરાજા પર હુમલો કર્યો હતો. આ ઘટનાના વિરોધમાં ગાંધીનગર સ્થિત જનતા સેના દ્વારા આજે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી ઉગ્ર દેખાવોનો કાર્યક્રમ રખાયો છે.
જાતિવાદનું એપીસેન્ટર બનવા જઈ રહેલા ગુજરાતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દલિત સમાજના લગ્નુપ્રસંગો પર જાતિવાદી તત્વો દ્વારા હુમલાઓ જારી રહ્યાં છે. ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના મતવિસ્તારમાં જ છેલ્લાં કેટલાક દિવસોમાં બે જાતિવાદી હુમલાઓની ઘટના બની છે. અગાઉ કલોલ તાલુકાના બિલેશ્વરપુરામાં જાતિવાદી લુખ્ખા તત્વોએ દલિત સમાજની જાન પર હુમલો કર્યો હતો. એ પછી હાલમાં જ માણસાના ચડાસણા ગામે લુખ્ખા તત્વોએ દલિત વરરાજા ઘોડી પર બેસીને જાન લઈને આવતા તેમના પર હુમલો કર્યો હતો. એ પહેલા દેત્રોજ તાલુકાના ચૂંવાળ ડાંગરવા ગામે એક દલિત પરિવારે તેમની દીકરીના લગ્નમાં વરરાજા ઘોડી પર બેસીને આવશે તો ગામના જાતિવાદી લુખ્ખા તત્વો હુમલો કરશે તેવી ભીતિને પગલે પોલીસ રક્ષણ માંગ્યું હતું. આ તમામ ઘટનાઓ ગુજરાતમાં જાતિવાદી તત્વોને કાયદો અને વ્યવસ્થાનો ડર ન હોવાનું સાબિત કરે છે. આ પરિસ્થિતિમાં ગાંધીનગર સ્થિત જનતા સેના દ્વારા ગાંધીનગર જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપીને ઉગ્ર દેખાવોનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
જનતા સેના ગુજરાતના પ્રમુખ કલ્પેશ પરમારના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં દલિતો પર અત્યાચાર દિનપ્રતિદિન વધતા જઈ રહ્યાં છે. ગયા અઠવાડિયે દલિતોના લગ્નપ્રસંગ પર જાતિવાદી લુખ્ખા તત્વો દ્વારા હુમલો કરાયાની ત્રણ મોટી ઘટનાઓ બની છે.
આમાંની બે ઘટનાઓ તો ગાંધીનગર જિલ્લામાં બની છે. જ્યાં ગુજરાતનું પાટનગર જ દલિતો માટે સુરક્ષિત ન હોય ત્યાં બીજા વિસ્તારોની શું દશા હશે તે તમે કલ્પી શકો છો. હાલમાં જ માણસા તાલુકાના ચડાસણા ગામે કેટલાક જાતિવાદી લુખ્ખાઓએ દલિત વરરાજાને ઘોડી પર ચડીને આવતા લાફો મારી દીધો હતો. આવી ઘટનાઓ ફરી ન બને તે માટે અમે આજે બપોરે 1 વાગ્યે સેક્ટર 27 ખાતે આવેલી જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ગાંધીનગર એસપીને આવેદનપત્ર આપીને ઉગ્ર દેખાવો યોજવાના છીએ. આ મામલે વધુ જાણકારી માટે જનતા સેનાના જે.કે. ચૌહાણનો સંપર્ક કરી શકાય છે. જેમનો મોબાઈલ નંબર 7227069440 છે.
આ પણ વાંચો : ગાંધીનગરના ચડાસણામાં જાતિવાદી શખ્સે દલિત વરરાજા પર હુમલો કર્યો, જાનૈયાઓને જાતિસૂચક ગાળો ભાંડી, 4 સામે એટ્રોસિટી
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.