જાણીતા દલિત વાર્તાકાર ધરમાભાઈ શ્રીમાળીની લઘુનવલ ‘નદી અને કિનારો’નો વિમોચન કાર્યક્રમ યોજાયો
અગ્રણી દલિત વાર્તાકાર ધરમાભાઈ શ્રીમાળીની પ્રથમ લઘુનવલ ‘નદી અને કિનારો’ ના વિમોચનનો કાર્યક્રમ ગઈકાલે ગાંધીનગરમાં યોજાઈ ગયો, જેમાં મોટી સંખ્યામાં સાહિત્યકારો, કવિઓ ઉપસ્થિત રહ્યા હતા. વાંચો આ કાર્યક્રમનો વિસ્તૃત અહેવાલ

જાણીતા વાર્તાકાર ધરમાભાઈ શ્રીમાળીની લઘુનવલ "નદી અને કિનારો"નું વિમોચન ૧૦ ફેબ્રુઆરીએ ગાંધીનગર સાહિત્ય સભાના ઉપક્રમે, સુપ્રસિદ્ધ સાહિત્યકાર ડો.કેશુભાઈ દેસાઈના હસ્તે થયું. ઉપસ્થિત રમેશ ઠક્કર (અધ્યક્ષ-ગાંધીનગર સાહિત્ય સભા), સંજય પટેલ (ઉપપ્રમુખ - ગાંધીનગર સાહિત્ય સભા)ના વક્તવ્યો તથા ઉદઘોષક કવિ પ્રતાપસિંહ ડાભી "હાકલ" (ઉપપ્રમુખ – ગાંધીનગર સાહિત્ય સભા)નું સંચાલન સરસ રહ્યા. વિશેષ ઉલ્લેખનીય ધરમાભાઈ પોતે અને સભાધ્યક્ષ ડો. કેશુભાઈ દેસાઈ રહ્યા.
મૂર્ધન્ય સાહિત્યકાર ડૉ. કેશુભાઈ દેસાઈએ એમના અત્યંત અભ્યાસપૂર્ણ વક્તવ્યમાં "નદી અને કિનારો"ની વિશેષતાઓ અને મર્યાદાઓ સ્પષ્ટ કરી આપી હતી, તો ધરમાભાઈએ બહુ જ નિખાલસભાવે સર્જક તરીકેની પોતાની સર્જનયાત્રાનું બયાન રજૂ કર્યું હતું. આભારવિધિ નિરંજનભાઈએ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ધરમાભાઈ શ્રીમાળી દલિત સાહિત્ય ક્ષેત્રે અને ખાસ કરીને વાર્તાક્ષેત્રે એક અગ્રિમ નામ છે. એમની વાર્તાઓ અને છ જેટલા વાર્તાસંગ્રહો બહુ પોંખાયા છે. "નદી અને કિનારો" દ્વારા તેઓ લઘુનવલક્ષેત્રે પ્રવેશ કરવા જઈ રહ્યા છે, ત્યારે અહીં સાહિત્યકાર મિત્રોએ આપેલા વધામણાં અને કરેલા સૂચનો-સલાહો તેમને ફળદાયી બનશે, એમ લાગે છે.
આ વિમોચનમાં સર્વ શ્રી પ્રવીણ ગઢવી, સાહિલ પરમાર, રમણ વાઘેલા, નટુભાઈ પરમાર, પાર્થ ઠક્કર, ઊત્તમ મેવાડા, રણછોડભાઈ પરમાર, ભાનુભાઈ દવે, મૂળજીભાઈ 'દધિ' સહિત સાહિત્યભાવકો - ચાહકો સૌ ઉપસ્થિત હતા.
આ પણ વાંચોઃ મનુ આજે પણ કાર્યરત છે, આ દેશમાં પણ અને આ દેશવાળા જ્યાં જ્યાં ગયા છે તે વિદેશોમાં પણ
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.