લોકસભા ચૂંટણી 2024 ના પરિણામો બાદ RSS ની રણનીતિ શું છે?

2024ની લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપ-સંઘના કોમવાદી-બંધારણવિરોધી એજન્ડાને મતદારોએ ફગાવી દીધો હતો. નિરાશાજનક આ પરિણામો બાદ સંઘની ચૂંટણી રણનીતિ શું છે તે સમજીએ.

લોકસભા ચૂંટણી 2024 ના પરિણામો બાદ RSS ની રણનીતિ શું છે?
image credit - Google images

Strategy of RSS: 2024ની લોકસભા ચૂંટણીના પરિણામો ભાજપ માટે નિરાશાજનક રહ્યાં છે. લોકસભામાં તેના સભ્યોની સંખ્યા 303 થી ઘટીને 240 થઈ ગઈ. જેનું પરિણામ એ આવ્યું છે કે, ગત વખતે માત્ર નામની એનડીએ સરકાર હતી, જ્યારે આ વખતે ખરેખર સરકાર કોઈ એક પક્ષની નહીં પણ NDA ગઠબંધનની દેખાય છે. વર્ષ 2014 અને 2019ની સરકારોમાં ગઠબંધન પક્ષોને સાંભળનાર કોઈ નહોતું. પરંતુ હવે સ્પષ્ટ રીતે દેખાય છે કે સરકાર ગઠબંધનના સાથી પક્ષોના અભિપ્રાયો અને માંગણીઓ સાંભળી રહી છે અને તેના પર વિચાર પણ કરવા મજબૂર બની છે. જેના કારણે ભાજપ તેના હિંદુ રાષ્ટ્રવાદી એજન્ડાને પહેલાની જેમ આસાનીથી અમલમાં મૂકી શકતી નથી. લેટરલ એન્ટ્રી અને વકફ બિલ તેનું તાજું ઉદાહરણ છે. લોકસભામાં વિપક્ષી ઈન્ડિયા ગઠબંધનની તાકાત પણ વધી છે અને તેના કારણે તે હવે પોતાની વાત વધુ મજબૂતીથી વ્યક્ત કરવા સક્ષમ બન્યો છે.

શક્ય છે આ ચૂંટણીઓમાં RSS તેના રાજકીય સંતાન ભાજપને મદદ કરવા મેદાનમાં ન ઊતર્યું હોય. પરંતુ એનો અર્થ એ નથી કે તે ચૂંટણીમાં ભાજપની હાર ઇચ્છતું હતું. તે માત્ર ભાજપના 'નોન બાયોલોજિકલ' નેતાને ચેતવણી આપવા માંગતું હતું, તેના વધતા વર્ચસ્વની હવા કાઢવા માંગતું હતું. આજે પણ ભાજપની ગાડીનું સ્ટીયરીંગ આરએસએસના હાથમાં છે. સંઘ પાછળની સીટ પર બેસીને તેને ચલાવી રહ્યો છે. આરએસએસ અને ભાજપના નેતાઓની લાંબી બેઠકો ચાલી રહી છે, જેમાં ચૂંટણી પરિણામો પર ચર્ચાઓ થઈ રહી છે અને ભવિષ્યની રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. શું છે આરએસએસ અને ભાજપની આગામી રણનીતિ?

ઉત્તર પ્રદેશમાં આવી જ એક બેઠકમાં RSS પ્રતિનિધિમંડળના નેતા સહ સરકાર્યવાહ (સંયુક્ત મહાસચિવ) અરુણ કુમાર હતા, જેઓ લાંબા સમયથી સંઘ અને ભાજપ વચ્ચે સંકલન કરતા આવ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં થઈ રહેલી ચૂંટણીની કમાન આરએસએસના રામ માધવને સોંપવામાં આવી છે.  

આ પણ વાંચો: કેન્દ્રમાં બધા મંત્રીઓ સવર્ણ, ભાજપ દલિત વિરોધી પક્ષ છેઃ ભાજપ સાંસદ

આરએસએસને લાગે છે કે ચૂંટણીમાં ભાજપની બેઠકોમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ દલિત મતોનું વિપક્ષી ઈન્ડિયા ગઠબંધન તરફ ખસકી જવું છે. તેનો સામનો કરવા માટે VHPને સક્રિય કરવામાં આવી રહી છે. તેના કાર્યકરો દલિતવાસમાં સભાઓ કરશે અને દલિતો સાથે ભોજન કરશે. દલિતોને આકર્ષવા માટે VHP સાથે સંકળાયેલા કથિત સાધુસંતો દલિતવાસોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરશે.

ધ હિન્દુના એક રિપોર્ટ મુજબ, "આ ધાર્મિક નેતાઓ નિયત સ્થળોએ પદયાત્રાઓ કરશે, સત્સંગ અને ધર્મ સંસદોનું આયોજન કરશે, દલિતોના ઘરે જશે અને તેમની સાથે ભોજન કરશે. આ કાર્યક્રમ VHPના 9,000 વિભાગોમાં કરવામાં આવશે."

આ બધું આપણને રામ મંદિર ચળવળની યાદ અપાવે છે, જેનો પાયો VHP દ્વારા નાખવામાં આવ્યો હતો અને બાદમાં ભાજપે એ આંદોલનનું નેતૃત્વ સંભાળી લીધું હતું. આરએસએસ માત્ર ચાલકો (પ્રચારકો, સ્વયંસેવકો)ને તાલીમ જ નથી આપતું, પણ હવે તે બેકસીટ ડ્રાઈવિંગ પણ કરી રહ્યું છે. 2024ની લોકસભા ચૂંટણીના પરિણામોએ તેને હચમચાવી દીધો છે અને તે ભાજપની ખોવાયેલી વોટબેંક પાછી મેળવવા માટે તમામ શક્ય પ્રયાસો કરવા જઈ રહ્યો છે.

ચૂંટણી પરિણામો પછી આરએસએસ જેટલી સક્રિયતા દર્શાવી રહ્યું છે તેનાથી એ સાબિત થાય છે કે માત્ર એક સાંસ્કૃતિક સંગઠન હોવાનો તેનો દાવો કેટલો પોકળ છે. એ અલગ વાત છે કે આ વખતે RSSએ પોતાની રાજકીય તાકાતનો ઉપયોગ બીજી દિશામાં કરવો પડશે. મંડલ સાથે સ્પર્ધા કરવા માટે રામ મંદિર આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. મોદી સરકારના દસ વર્ષના કાર્યકાળમાં હિંદુત્વના એજન્ડા અનુસાર જોરશોરથી કામ કરવામાં આવ્યું હતું. અને હવે લોકોને લાગે છે કે આરએસએસ, જે 'મનુસ્મૃતિ' અને 'મુસ્લિમોને નફરત કરો'ના સિદ્ધાંતો પર આધારિત છે, તે ક્યારેય સામાજિક ન્યાયની તરફેણમાં ઊભું રહી શકે તેમ નથી.

વિરોધ પક્ષોને હિન્દુ રાષ્ટ્રની રાજનીતિની વાસ્તવિકતા સમજવામાં ઘણો સમય લાગ્યો. ભાજપ-સંઘના 10 વર્ષના પક્ષપાતી અને સરમુખત્યારશાહી શાસન પછી વિરોધ પક્ષોએ RSSની રાજનીતિનો સામનો કરવા માટે કેટલાક પગલાં લીધાં છે. આરએસએસમાં પણ ફેરફારો થયા છે. તેના બીજા સરસંઘચાલક એમ.એસ. ગોલવલકરે તેમના પુસ્તક “વ્હી ઓર અવર નેશનહુડ ડિફાઈન્ડ”માં નાઝી અને ફાસીવાદી વિચારધારાની પ્રશંસા કરી હતી. સંઘે રાષ્ટ્રધ્વજ અને ભારતના બંધારણનો પણ વિરોધ કર્યો હતો. નાથુરામ ગોડસે દ્વારા ગાંધીજીની હત્યા બાદ આરએસએસની છબી સામાન્ય લોકોની નજરમાં ખૂબ ખરાબ થઈ ગઈ હતી. જયપ્રકાશ નારાયણની 'સંપૂર્ણ ક્રાંતિ' નો ઉદય થયો અને તેના દ્વારા RSSને ફરીથી વિશ્વસનીયતા અને સ્વીકૃતિ મળી. જેપી પ્રતિબદ્ધ સ્વતંત્રતા સેનાની હતા, તેમ છતાં તેઓ આરએસએસની અસલીયતને સમજી શક્યા નહોતા. તેમણે તો એમ પણ કહ્યું કે, "જો RSS ફાસીવાદી છે તો હું પણ ફાસીવાદી છું." 

આ પણ વાંચો: ચૂંટણીના પરિણામોએ બતાવી આપ્યું કે ભારત ‘હિંદુ રાષ્ટ્ર’ નથી: અમર્ત્ય સેન

જો કે, નેહરુને આરએસએસના સાચા સ્વભાવની સારી સમજ હતી. ડિસેમ્બર 1947 માં પ્રાંતીય સરકારોના વડાઓને લખેલા પત્રમાં નેહરુએ લખ્યું હતું કે, "અમારી પાસે એવા અનેક પુરાવા છે કે આરએસએસની પ્રકૃતિ એક ખાનગી સેના જેવી છે. તે સંપૂર્ણપણે નાઝીઓના રસ્તે ચાલી રહ્યું છે અને નાઝી સંગઠનોની પદ્ધતિઓ અપનાવી રહ્યું છે." ત્યાર પછીની સરકારોએ આરએસએસની આ વાસ્તવિકતા પર ધ્યાન આપ્યું નહીં. ત્યાં સુધીમાં આરએસએસ દ્વારા તાલીમ પામેલા પ્રચારકોએ દેશની મહત્વપૂર્ણ સામાજિક અને રાજકીય સંસ્થાઓમાં ઘૂસણખોરી કરી લીધી.

મોદી સરકારના બે કાર્યકાળ દરમિયાન જનતાના એક મોટા વર્ગ અને અનેક રાજકીય પક્ષોનો ભાજપથી સંપૂર્ણ મોહભંગ થઈ ગયો છે. તેઓ સમજી ગયા છે કે સંઘ અને ભાજપ કદી દેશના દલિતો, આદિવાસીઓ, ઓબીસી કે લઘુમતી સમાજના સામાજિક ન્યાયની તરફેણમાં ઉભો રહી શકે તેમ નથી. ઉપરાંત ચૂંટણીથી દૂર રહેતા અનેક નાગરિક સંગઠનો પણ હવે જાગી ગયા છે. તેમને એ સ્પષ્ટ દેખાય છે કે ભાજપ-આરએસએસના શાસને આપણા સમાજને કેટલું મોટું નુકસાન પહોંચાડ્યું છે. આવી પરિસ્થિતિમાં દેશનો સામાન્ય મતદાર એ સમજી ચૂક્યો હતો કે વિપક્ષમાં અનેક નબળાઈઓ હોવા છતાં લોકતાંત્રિક અને બહુમતીવાદી મૂલ્યોને પુનઃસ્થાપિત કરવા માટે તેને તમામ રીતે સમર્થન આપવું જરૂરી છે.

આ લાગણી માત્ર રાજનીતિ પૂરતી મર્યાદિત નથી. આપણે જોઈ રહ્યાં છીએ કે દેશમાં કેવી રીતે વૈજ્ઞાનિક અને તાર્કિક વિચારસરણીને તોડી પાડવામાં આવી રહી છે અને અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. પ્રાચીન ભારતનો અતાર્કિક રીતે મહિમા કરવામાં આવી રહ્યો છે. આપણને સમજાવવામાં આવી રહ્યું છે કે પ્રાચીન ભારતમાં પ્લાસ્ટિક સર્જરી થઈ હતી. આપણને એવું પણ સમજાવાય છે કે, ગૌમૂત્રમાં સોનું હોય છે અને થાળી વગાડવાથી કોરોના ભાગી જાય છે. વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે દેશની ટોચની સંસ્થા IITs 'પંચગવ્ય'ની ઉપયોગીતા પર સંશોધન કરી રહી છે. દેશના દરેક મહત્વના પદો પર સંઘના લોકો ગોઠવાઈ ગયા છે અને તે આરએસએસના એજન્ડાની દિશામાં દેશને ખેંચીને લઈ જઈ રહ્યાં છે.

આરએસએસના તાલીમ પામેલા પ્રચારકો દરેક જગ્યાએ છે. તેઓ મીડિયા અને સોશિયલ મીડિયા દ્વારા પ્રતિગામી મૂલ્યોને પ્રોત્સાહન આપી રહ્યા છે. સડો ખૂબ ઊંડે પહોંચી ગયો છે. ચૂંટણીમાં આ તાકાતોને હરાવવી એ આ સડાને નાબૂદ કરવાની દિશામાં પહેલું પગલું હશે. ત્યારબાદ આપણે એવી સામાજિક વિચારસરણીને પ્રોત્સાહન આપવું પડશે જે આ દેશના બંધારણમાં વર્ણવવામાં આવેલા સિદ્ધાતો, કાયદાઓને પ્રોત્સાહન આપતી હોય. છેવાડાના માણસના ઉત્થાન અને સામાજિક ન્યાયની પડખે ઉભા રહેતા હોય. ઈતિહાસ હોય કે વિજ્ઞાન, કે ન્યાયતંત્ર હોય, આપણે કોમવાદી વિચારધારા દ્વારા વાવવામાં આવેલા દરેક ઝેરી છોડને જડમૂળથી ઉખાડીને ફેંકી દેવા પડશે.

આ પણ વાંચો: RSSની બંધારણ બદલવાની વાતે ચૂંટણીનું પાસું પલટી નાખ્યું?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.