'ભંગી' જાતિ નથી કહી હાઈકોર્ટે સલમાન ખાન, શિલ્પા શેટ્ટીને જામીન આપી દીધાં

ફિલ્મના પ્રમોશન વખતે વાલ્મિકી સમાજનું જાહેર અપમાન કરનાર સલમાન ખાન અને શિલ્પા શેટ્ટીને કોર્ટે એટ્રોસિટી કેસમાં વિચિત્ર તર્ક આપીને રાહત આપી દીધી છે.

'ભંગી' જાતિ નથી કહી હાઈકોર્ટે સલમાન ખાન, શિલ્પા શેટ્ટીને જામીન આપી દીધાં
image credit - Google images

બોલિવૂડ એક્ટર સલમાન ખાન (Salman Khan) અને શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) સામે એસસી એસટી એક્ટ (Atrocity Act) હેઠળ નોંધાયેલી ફરિયાદમાં જોધપુરની કોર્ટે (Jodhpur Court) રાહત આપી છે. બંને સામે ચૂરુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ મામલે ગઈકાલે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. જોધપુર હાઈકોર્ટ (Jodhpur High Court) ની બેંચે આ કેસમાં શિલ્પા શેટ્ટી અને સલમાન ખાનની તરફેણમાં ચુકાદો આપ્યો છે.

રાજસ્થાનમાં કેસ નોંધાયો હતો

રાજસ્થાનના ચુરુ પોલીસ સ્ટેશનમાં એસસી એસટી એક્ટ હેઠળ સલમાન ખાન અને શિલ્પા શેટ્ટી વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. ગુરુવારે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન શિલ્પા શેટ્ટી વતી એડવોકેટ પ્રશાંત પાટીલે તેનો પક્ષ રજૂ કર્યો હતો. બીજી તરફ શક્તિ પાંડે અને ગોપાલ સાંડુએ અરજદારનો પક્ષ રજૂ કર્યો હતો.

ફિલ્મના પ્રમોશનમાં વાલ્મિકી સમાજનું અપમાન કર્યું હતું

ઘટના સલમાનની ફિલ્મ 'ટાઈગર ઝિંદા હૈ' (Tiger Zinda Hai) રિલીઝ થવા જઈ રહી હતી ત્યારની છે. કહેવાય છે કે ફિલ્મની એક પ્રમોશનલ ઈવેન્ટમાં અભિનેતાએ એસસી-એસટી સમાજને લઈને વાંધાજનક નિવેદન કર્યું હતું. એ પછી તરત સલમાન અને કેટલાક ફિલ્મ કલાકારો વિરુદ્ધ પટિયાલા કોર્ટમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. ફિલ્મના પ્રમોશન દરમિયાન સલમાન ખાન અને શિલ્પા શેટ્ટી પર વાલ્મિકી સમાજ માટે જાતિગત અને અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવાનો આરોપ લાગ્યો હતો.

કોર્ટનો તર્ક - 'ભંગી' શબ્દ કોઈ જાતિ નથી

શિલ્પા શેટ્ટીને હાઈકોર્ટના જસ્ટિસ અરુણ મોગાની કોર્ટમાંથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે શિલ્પા વિરુદ્ધ એસસી-એસટી એક્ટ હેઠળ નોંધાયેલી એફઆઈઆર રદ કરી હતી. શિલ્પાને આપવામાં આવેલી રાહત પાછળનો કોર્ટનો તર્ક છે કે, એસસી-એસટી એક્ટમાં એફઆઈઆર મંજૂરી અને તપાસ વિના નોંધી શકાય નહીં સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે 'ભંગી' શબ્દ કોઈ જાતિ નથી પણ સ્લર (Slur) છે. આમાંની એક દલીલ એવી છે કે શિલ્પાએ કોઈને નીચું દેખાડવા માટે આ શબ્દોનો પ્રયોગ નહોતો કર્યો પરંતુ ખુદને આ શબ્દોથી સંબોધિત કરી હતી. આ મામલે શિલ્પાએ વર્ષ ૨૦૧૭માં જ સોશિયલ મીડિયા પર માફી માંગી હતી.

મામલો શું હતો?

આ સમગ્ર મામલો વર્ષ ૨૦૧૭ નો છે. ૨૩ વર્ષના અશોક પંવારે ચુરુ જિલ્લામાં સલમાન ખાન અને શિલ્પા શેટ્ટી વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી હતી. તેણે કહ્યું હતું કે ૨૨ ડિસેમ્બર, ૨૦૧૭ ના રોજ, તેણે સલમાન ખાન અને શિલ્પા શેટ્ટીને ખુલ્લેઆમ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરતા સાંભળ્યા હતા, જેનાથી વાલ્મિકી સમાજની લાગણીઓને ઠેસ પહોંચી હતી. ત્યારબાદ સલમાન અને શિલ્પા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 153એ (ધર્મ, જાત વગેરેના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું) અને અનુસૂચિત જાતિ-અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) એક્ટની વિવિધ કલમો હેઠળ ચુરુ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી.

આ પણ વાંચો:'તું ભંગી છે' કહીને સફાઈકર્મી પર હુમલો, પરાણે 'જય શ્રી રામ' બોલાવ્યું


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.