મધ્યપ્રદેશના રોજગારમંત્રી નકલી SC સર્ટિ પર ચૂંટણી જીતી મંત્રી બની ગયા?
મધ્યપ્રદેશની ભાજપ સરકારના રોજગારમંત્રી પર અનુસૂચિત જાતિનું નકલી સર્ટિફિકેટ બનાવડાવીને ચૂંટણી જીતવાનો આરોપ લાગ્યો છે.
મધ્યપ્રદેશની મોહનલાલ યાદવ સરકારના રોજગાર મંત્રી ગૌતમ ટેટવાલ પર નકલી જાતિ સર્ટિફિકેટના આધારે વિધાનસભાની ચૂંટણી જીતીને મંત્રી બની જવાનો આરોપ લાગ્યો છે. ટેટવાલ સામે હાઈકોર્ટની ઈન્દોર બેંચમાં અરજી દાખલ કરવામાં આવી છે. કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્ય મંત્રીનો સ્વતંત્ર હવાલો સંભાળતા ગૌતમ ટેટવાલ પાસે અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર છે. જો કે તેઓ સ્વયં અન્ય પછાત વર્ગમાં આવતા જિનગર સમાજના છે.
ટેટવાલના આ પ્રમાણપત્રને પડકારતાં હાઈકોર્ટની ઈન્દોર બેંચમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજદારના વકીલે અરજીમાં આરોપ લગાવ્યો છે કે ટેટવાલ રાજગઢ જિલ્લાની સારંગપુર સીટથી છેતરપિંડી દ્વારા એસસી પ્રમાણપત્ર મેળવીને વિધાનસભા ચૂંટણી લડ્યા હતા.
અરજીમાં જણાવ્યા પ્રમાણે, ગૌતમ ટેટવાલ અન્ય પછાત વર્ગ (ઓબીસી)માં આવતા જિંગર સમુદાયના છે. જ્યારે સારંગપુર બેઠક એસસી અનામત સીટ છે. ગયા વર્ષે નવેમ્બરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ટેટવાલે આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કલા મહેશ માલવિયાને ૨૩,૦૫૪ મતોથી હરાવ્યા હતા અને હવે રાજ્ય સરકારમાં મંત્રી બની ગયા છે.
આ પણ વાંચો: IIT Campus Placement માં ભેદભાવનો ભય, કંપનીઓ માંગી રહી છે SC/ST/OBC વિદ્યાર્થીઓની જાતિની માહિતી
રાજગઢ જિલ્લાના રહેવાસી જીતેન્દ્ર કુમાર માલવિયા દ્વારા હાઈકોર્ટની ઈન્દોર બેંચમાં ટેટવાલ વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી છે. અરજીકર્તાના વકીલ ધર્મેન્દ્ર ચેલાવતે પત્રકારોને જણાવ્યું હતું કે, અરજીની સુનાવણી આવતા સપ્તાહે થઈ શકે છે.
ચેલાવતે અરજીમાં કરાયેલા આક્ષેપોને ટાંકતા કહ્યું કે ટેટવાલ ઓબીસીમાં આવતા જિનગર સમાજમાંથી આવે છે. પરંતુ તેમણે છેતરપિંડી આચરીને અનુસૂચિત જાતિના મોચી સમાજનું સર્ટિફિકેટ બનાવડાવી લીધું હતું.
ધર્મેન્દ્ર ચેલાવતે કહ્યું કે અરજીની સાથે ગૌતમ ટેટવાલના સંબંધીઓ સાથે સંબંધિત અલગ-અલગ દસ્તાવેજો પણ હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે, જેમાં તેમની જાતિને કથિત રીતે જિંગર બતાવવામાં આવી છે. આ અરજી દ્વારા કોર્ટને વિનંતી કરવામાં આવી છે કે ટેટવાલ સાથે સંબંધિત રેકોર્ડ્સ મંગાવવામાં આવે અને તેના આધારે તેમના જાતિ પ્રમાણપત્રની તપાસ કરવામાં આવે.
આ પણ વાંચો: તોડબાજો, નકલી એક્ટિવિસ્ટોને ઓળખીને બોધપાઠ આપવાનો સમય પાકી ગયો છે