એક રેશનાલીસ્ટ અખબારનો તંત્રી જેલમાં જતા બચી ગયો...
ધર્માંધ લોકો કેવી રીતે ન્યાયતંત્રના સહારે રેશનાલિસ્ટોને હેરાન-પરેશાન કરતા હોય છે તેની એક સત્ય ઘટના.
ખંભાત શહેરમાં એનવી ચાવડા દ્વારા લખાયેલ એક લેખ, જેનું હેડિંગ "તુલસીદાસ સાચા કે વાલ્મિકી? કે મોરારીબાપુ" તેમજ "હિન્દુઓએ કાઢેલો ભાગવત ગીતા વિરુદ્ધનો મોરચો" તેવા હેડિંગ સાથેના લેખ પ્રસિદ્ધ થયો હતો.
ખંભાતમાંથી બહાર પડતા પાક્ષિક 'તીસરી આઝાદી' ના તંત્રી અને ઉપરોક્ત લેખો દ્વારા રેશનાલિસ્ટ વિચારોને પ્રકાશિત કરનાર શ્રી જોન ડી'કોસ્ટા વિરુદ્ધ ફરિયાદ થયેલી. વિશ્વ હિંદુ પરિષદ ખંભાતના પ્રમુખ દ્વારા આઈ.પી.સી.ની કલમ 295(ક) તથા કલમ 153(ક) એટલે કે ધાર્મિક લોકોની લાગણી દુભાવવી અને પ્રાદેશિક અને જ્ઞાતિઓ અને કોમો વચ્ચે દુશ્મનાવટ અને દ્વેષની લાગણી ફેલાવવી અને તેથી શાંતિ ભંગ થાય તેવું કૃત્ય કરવા બદલ ૩ માર્ચ 2020 ના રોજ કેસ ચલાવી ટ્રાયલ કોર્ટ દ્વારા જોન ડી'કોસ્ટા તંત્રીને ત્રણ વર્ષની કેદની અને દંડની સજા કરવામાં આવેલી.
આ કેસમાં અનેક સિનિયર વકીલોએ અપીલ કરવા કે બચાવવા આવા કેસ લડવાની ના પાડેલી અને હિન્દુ ધર્મ વિશે ટિપ્પણી કરતા હોવાથી સજા ભોગવવા કહેલું. આરોપી કંટાળીને સજા ભોગવવા પણ તૈયાર થયેલ. આખરે ખંભાતથી જ્હોન ડી'કોસ્ટાએ એડવોકેટ પિયુષ જાદુગરનો સંપર્ક કર્યો.
એ વખતે કોરોનાનો ભયાનક સમય હતો અને સૌ ઘરમાં પુરાયેલા હતા. તેમ છતાં એડવોકેટ પિયુષ જાદુગરે એડવોકેટ તરીકેની ફરજ બજાવવા તમામ સાથ સહકાર આપી ઓનલાઇન અપીલ કરી જામીન અપાવેલા અને ફરી અપીલ દાખલ કરી આપેલી. એ અપીલમાં સેશન્સ અપીલ કોર્ટે ટ્રાયલ કોર્ટનો ત્રણ વર્ષની કેદની સજાનો હુકમ રદ કરી દીધો હતો.
તાજેતરમાં ધર્માંધ લોકો રેશનાલિસ્ટોને ટાર્ગેટ કરીને, ખોટા કેસ કરીને હેરાન કરવા માંગતા હોય છે. સરકારના કેટલાક લોકો પણ આમાં સામેલ રહે છે અથવા આડકતરી મદદ કરતા હોય છે. આવી સ્થિતિમાં રેશનાલિસ્ટો સાચાં હોવા છતાં તેમને મદદ નથી કરતું (ડૉ. વલિ કેસનો કેસ) તે નોંધવું રહ્યું. આથી સાવચેત રહેવું જરૂરી છે.
સવર્ણ ધાર્મિક જજ અને સવર્ણ ધાર્મિક સરકારી વકીલ અને ક્યારેક તો આરોપી તરફે પણ ધાર્મિક વકીલ ડિફેન્સ તરીકે હોય ત્યારે રેશનાલિસ્ટને સજા થવાના ચાન્સ વધુ હોય છે તે પણ નોંધવું રહ્યું.
જ્હોન ડી કોસ્ટના આ કેસમાં અપીલ સમયે એડવોકેટ પિયુષ જાદુગર સાથે કોર્ટ પ્રોસિજર જોવા અને જાણવા દરેક મુદ્દતે હાજર હતો અને કોર્ટની કાર્યવાહીથી માહિતગાર છું. ઘણીવાર કોર્ટ પણ પોતાની ધાર્મિક આસ્થાને કારણે પોતાની અંગત માન્યતાઓને કેસમાં જોડી દે છે અને રેશનલ વાતો, તર્ક અને સત્ય સ્વીકારવા તૈયાર નથી હોતી, તે મેં નજરે જોયું છે.
એન. વી. ચાવડા પ્રખર રેશનાલીસ્ટ અને લેખક તો હાલ હયાત નથી. પરંતુ આજે એક રેશનાલિસ્ટ અખબારના તંત્રી ત્રણ વર્ષની કેદની સજામાંથી બચી ગયેલ છે. જે રેશનાલીસ્ટ લોકો માટે ખૂબ આનંદની વાત છે.
આ પણ વાંચોઃ કાળી ચૌદશનો ડર છોડી અમદાવાદમાં 4000થી બહુજનો સ્મશાનમાં ઉમટી પડ્યાં