વર્ષે 617 કરોડ ખર્ચ્યા પછી પણ બાળકોને પોષણ મળશે ખરું?
રાજ્ય સરકારે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના હેઠળ પ્રાથમિક શાળાના બાળકોના પોષણ માટે વાર્ષિક રૂ. ૬૧૭ કરોડના ખર્ચે નવી યોજના શરૂ કરી છે, પણ તેનો લાભ બાળકોને મળશે ખરો?
રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એઈડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકાથી ધોરણ ૮ સુધીના વિદ્યાર્થીઓને પી.એમ. પોષણ યોજનામાં અપાતાં બપોરના ભોજન ઉપરાંત 'મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના' અંતર્ગત પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુપોષિત ગુજરાત મિશન અંતર્ગત આ 'મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના' શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના નામાભિધાન સાથે શરૂ થનારી આ નવી યોજના હેઠળ રાજ્યની ૩૨,૨૭૭ શાળાના અંદાજે ૪૧ લાખ વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષણકાર્ય શરૂ થાય તે પહેલાં પ્રાર્થના સમયે પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવશે.
રાજ્યના આદિજાતિ વિસ્તારના 52 તાલુકા તથા બિન આદીજાતિ વિસ્તારના 29 વિકાસશીલ તાલુકાની સરકારી અને ગ્રાન્ટ ઇન એઈડ પ્રાથમિક શાળામાં બપોરના ભોજન ઉપરાંત દૂધ સંજીવની યોજના અન્વયે ૨૦૦ મિલિગ્રામ ફ્લેવર્ડ મિલ્ક અપાય છે. આવા ૮૧ તાલુકાઓની ૧૨,૫૨૨ શાળાઓમાં નોંધાયેલા ૧૫.૦૫ લાખ વિદ્યાર્થીઓને પી.એમ. પોષણના બપોરના ભોજન બાદની નાની રિસેસમાં આ પૌષ્ટિક અલ્પાહાર અપાશે.
રાજ્યમાં પીએમ પોષણ યોજના હેઠળ વિદ્યાર્થીઓને અપાતા કેલરી-પ્રોટીનયુક્ત ગુણવત્તાસભર બપોરના ભોજન ઉપરાંત આ નવી યોજનામાં સપ્તાહ દરમિયાન ખાંડેલા સીંગદાણા સહિતની સુખડી, ચણા ચાટ, મિક્સ કઠોળ તથા શ્રી અન્ન(મીલેટ)માંથી બનાવેલી ખાદ્ય સામગ્રી અલ્પાહાર સ્વરૂપે અપાશે.
આ હેતુસર મટિરિયલ કોસ્ટ માટે રૂ. ૪૯૩ કરોડ તથા પૌષ્ટિક અલ્પાહાર તૈયાર કરવાની વધારાની કામગીરી માટે માનદવેતન ધારકોને ૫૦ ટકા માનદવેતન વધારા માટે રૂ. ૧૨૪ કરોડ મળીને 'મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના' માટે કુલ મળીને વાર્ષિક રૂ. ૬૧૭ કરોડનો વધારાનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.
સંચાલકોનું માસિક માનદ વેતન વધારાશે
તદ્અનુસાર, પીએમ પોષણ યોજનાના માનદ વેતનધારક સંચાલકને હવે રૂ.૪૫૦૦નું માસિક માનદવેતન, ૨૬ કે તેથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓના કૂક કમ હેલ્પરને માસિક રૂ.૩૭૫૦ તથા નાની શાળાઓ માટે વધારાના સ્ટાફ-હેલ્પરને માસિક રૂ.૧૫૦૦ માનદવેતન અપાશે.
આ 'મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના'નો અમલ થવાથી સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓના શિક્ષણ સહ પોષણ, આરોગ્ય અને શારીરિક સૌષ્ઠવના માપદંડો પર મોટી હકારાત્મક અસરો પડશે તેમ કહેવાય છે. જો કે ગુજરાતમાં આંગણવાડીઓ, મધ્યાહન ભોજન સહિતની યોજનાઓમાં જે રીતે ભ્રષ્ટાચાર ઘૂસી ગયો છે તે જોતા પૌષ્ટિક અલ્પાહાર યોજનાનો લાભ બાળકોના પેટ સુધી પહોંચશે કે કેમ તે મુખ્ય સવાલ છે.
આ પણ વાંચો: પ્રક્રિયા અઘરી બનતા સેંકડો ગરીબ બાળકો શિષ્યવૃત્તિ નહીં મેળવી શકે