ડો.આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરવા જતા યુવકનું અપહરણ કરી માર માર્યો

યુવક 6ઠ્ઠી ડિસેમ્બરે ડો.આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરવા જતો હતો ત્યારે કારમાં આવેલા બે દરબારોએ તેને આંતરી, અપહરણ કરી દૂર લઈ જઈ ઢોર માર માર્યો.

ડો.આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરવા જતા યુવકનું અપહરણ કરી માર માર્યો
image credit - khabarantar.com

જાતિપ્રધાન ભારત દેશમાં આઝાદી પછી પણ અમુક જાતિના લોકો પોતાને રાજા સમજી ટંગડી ઊંચી રાખવા મથતા રહે છે. આ એ લોકો છે જે કારણ વિના દલિત-આદિવાસી-ઓબીસી સમાજના લોકોને માર મારવો, જાતિસૂચક ગાળો ભાંડી અપમાન કરવાને પોતાનો જન્મસિદ્ધ અધિકાર સમજે છે. આ લોકોને કાયદા સામે સૌથી મોટો વાંધો હોય છે, કેમ કે તેમાં સૌને સરખા ગણી સમાન વ્યવહારની જોગવાઈ છે, જ્યારે આ જાતિવાદી તત્વો પોતાને તમામ પ્રકારના કાયદાથી પર સમજે છે અને ગમે તે વ્યક્તિ પર કારણ વિના હુમલો કરવાને પોતાનો અધિકાર સમજે છે. આવી અનેક ઘટનાઓ ગુજરાતના ગામડાઓમાં દરરોજ ક્યાંકને ક્યાંક બનતી રહે છે પરંતુ પોલીસ ચોપડા સુધી પહોંચતી ન હોવાથી તે મીડિયામાં ચમકતી નથી. હકીકતે આવા તત્વોની ધાકને કારણે પોલીસ સ્ટેશનોમાં બેઠેલા અધિકારીઓ ફરિયાદ નોંધતા નથી, પરિણામે પીડિતોને ન્યાય મળતો નથી અથવા સમાધાન કરી લેવું પડે છે.

આ પણ વાંચોઃ દલિત મહિલા કોન્સ્ટેબલ પર દરબાર પડોશીએ તલવારથી હુમલો કર્યો

જો કે જાતિવાદી તત્વો દરેક વખતે ધારતા હોય છે તેમ છૂટી પણ નથી જતા. ક્યાંક કોઈક ન્યાય માટે લડત આપનાર વીરલો તેમને પણ ભટકાઈ જતો હોય છે. આ ઘટનામાં આવું જ થયું છે, જેમાં બે દરબારોએ એક દલિત યુવકને માત્ર એટલા માટે કારમાં અપહરણ કરીને માર માર્યો, કારણ કે તેણે તેમને કાર વ્યવસ્થિત ચલાવવા માટે કહ્યું હતું. આટલા માત્રથી બંને શખ્સોઓ યુવકને રસ્તામાં રોકી તેની જાતિ વિશે પૂછ્યા બાદ માર મારી કારમાં બેસાડીને અપહરણ કર્યું હતું અને દૂર લઈ જઈ ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં, જાતિવાદી આ તત્વોએ દલિત યુવકને ધમકી આપતા કહ્યું કે, તારો આખો સમાજ ભેગો થઈ જાય તો પણ મારું કશું બગાડી શકે તેમ નથી. જો કે દલિત યુવકે હિંમત કરીને પોલીસ ફરિયાદ નોંધાવતા હવે બંને આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

6ઠ્ઠી ડિસેમ્બરની ઘટના
મામલો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાનો છે. અહીંના મેઘપર ટીંટોડીનો રહેવાસી 25 વર્ષીય દલિત યુવક કિશન રાઠોડ 6ઠ્ઠી ડિસેમ્બરે ડો.આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે સાંજે 4.30 આસપાસ મિત્રો સાથે પોતાનું ટુવ્હિલર લઈને ડો.આંબેડકરના સ્ટેચ્યૂને હાર ચડાવવા જતો હતો. એ દરમિયાન GJ-04-CR-0003 નંબરની કાર તેની બાજુમાંથી પૂરપાટ ઝડપે પસાર થઈ હતી. કિશને સાદ પાડીને કારચાલકને કાર વ્યવસ્થિત ચલાવવા કહ્યું હતું. આથી ઉશ્કેરાયેલા કારચાલકે તેનો છેક સુધી પીછો કર્યો હતો અને રેલવે ફાટક આવતા કાર બાઈકની આગળ લાવીને ઉભી રાખી દીધી હતી.

એ પછી તેમાંથી ઉતરેલા બે શખ્સોએ તેનું અપહરણ કરી એક સોસાયટી પાસે લઈ જઈ ઢોર માર માર્યો હતો. તપાસ કરતા આરોપી યુવકનું નામ જયદિપસિંહ જાડેજા હોવાનું અને તેની સાથે તેનો મિત્ર હોવાનું સામે આવ્યું હતું. આરોપીઓએ કિશન રાઠોડને જાતિ પૂછીને ઢોર માર મારેલ અને કારમાં સાથે બેસાડી અપહરણ કરી બાજુની સોસાયટીમાં લઇ જઇ જાતિસૂચક અપમાનિત શબ્દો કહી તમારી સમાજ આખી ભેગી થાય તોય મારું કશું કરી ના શકે તેમ કહી હડધૂત કરી ફરીથી પીઠમાં ફટકા માર્યા હતા અને ફરાર થઈ ગયા હતા. એ પછી યુવક તેના મિત્રોની મદદથી હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યો હતો અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે અટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ 'તું દરબાર નથી, સાફો બાંધેલો ફોટો કેમ મૂકે છે?' કહી દલિત યુવકને માર્યો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.