દલિત યુવકની અનોખી જાનમાં બકરી, ઊંટ, વાંદરા, ઘોડા જાનૈયા બન્યાં

દલિત યુવકોને લગ્નોમાં ઘોડી પર બેસીને નીકળવા નથી દેવાતા. ત્યારે એક દલિત યુવકે 12 ડીજે સાથે ઘોડે ચડી તેમાં ઉંટ, બકરી, વાંદરા સહિતના પ્રાણીઓની આખી ફૌજને સામેલ કરી.

દલિત યુવકની અનોખી જાનમાં બકરી, ઊંટ, વાંદરા, ઘોડા જાનૈયા બન્યાં
image credit - Google images

રાજસ્થાનના ડીગ જિલ્લામાં ગઈકાલે એક દલિત યુવકની દિલ્હીથી આવેલી જાને જોરદાર ચર્ચા જગાવી છે. જાતિવાદ માટે કુખ્યાત રાજસ્થાનમાં દલિત વરરાજાના ઘોડી પર બેસવા ન દેવાની અનેક ઘટનાઓ બને છે. ત્યારે દિલ્હીથી આવેલી જાનમાં દલિત વરરાજા ઘોડી સહિત અનેક પ્રાણીઓની આખી ફૌજ લઈને પહોંચી ગયા હતા. જેમાં બકરી, ઉંટ અને વાંદરાનો પણ સમાવેશ થતો હતો. આ જાનમાં 12 ડીજે સાઉન્ડ સામેલ કરાયા હતા, આ સિવાય બહુજન મહાપુરુષોના ટેબ્લો સહિત બીજી પણ અનેક ચીજો આકર્ષણનું કેન્દ્ર બની હતી. જાનમાં સામેલ બધાં પ્રાણીઓ ટ્રેઈન થયેલા હોવાથી તેમણે લગ્નમાં ડીજેના તાલે જોરદાર ડાન્સ કર્યો હતો. જેને જોવા માટે થઈને આખું શહેર રસ્તા પર ઉમટી પડ્યું હતું. પોલીસની સુરક્ષા વચ્ચે નીકળેલી આ જાનમાં બહુજન મહાપુરૂષોની ઝાંખી પણ પ્રસ્તુત કરવામાં આવી હતી. આ લગ્નના વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યા છે.

દિલ્હીથી આવેલી જાનમાં બકરી, વાંદરા જોઈ આશ્ચર્ય ફેલાયું
રાજસ્થાનના ડીગ જિલ્લામાં યોજાયેલા આ લગ્ન સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યા છે. દલિત પરિવારના પુત્ર સાહિલે બબીતા ​​સાથે લગ્ન કર્યાં અને પરંપરાઓ અને સામાજિક સીમાઓ તોડીને એક નવો દાખલો બેસાડ્યો. આ અનોખી જાનમાં બકરાં અને વાંદરા મહેમાન તરીકે જોવા મળ્યા હતા, તેણે મહેમાનો વચ્ચો જોરદાર ડાન્સ કર્યો હતો. દિલ્હીથી આવેલી આ જાને સમગ્ર ડીગ જિલ્લામાં એવો માહોલ સર્જ્યો કે ઠંડી રાતમાં પણ લોકો કલાકો સુધી તેને જોવા માટે રસ્તા પર ઉભા રહી ગયા હતા. આ જાન શહેરના ક્લોક ટાવરથી શરૂ થઈને દલિતવાસ સુધી ગઈ હતી અને તેને જોવા માટે સમગ્ર રૂટમાં લોકોની ભારે ભીડ ઉમટી હતી. ગોવર્ધન માર્ગ પર એટલી બધી ભીડ હતી કે લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો.

ઉંટ, ઘોડા અને જૂની ગાડીઓ આકર્ષણનું કેન્દ્ર બની
આ જાનની સૌથી મોટી વિશેષતા ઉંટ, ઘોડા અને જૂના જમાનાની ગાડીઓ હતી. સામાન્ય રીતે દલિત સમાજના લગ્નોમાં વરરાજાનો ઘોડી પર બેસાડવાનો વિરોધ થતો હોય છે, પરંતુ આ લગ્નની જાનમાં આ તમામ માન્યતાઓનો છેદ ઉડી ગયો હતો. લગ્ન એટલા ભવ્ય હતા કે ભલભલાં લોકો તેની ભવ્યતા જોઈને અંજાઈ ગયા હતા. બેન્ડ અને ડીજેના તાલે નાચતા જાનૈયાઓ સાથે ઊંટ અને જૂની ગાડીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. શોભાયાત્રાના રૂટ પર બહુજન મહાનાયકોની ભવ્ય ઝાંખીઓ પણ કાઢવામાં આવી હતી, જેણે લોકોના દિલ જીતી લીધા હતા.

લોક કલાકારો અને બકરીના તાલે લોકો નાચ્યા
આ જાનમાં રાજસ્થાનના લોક કલાકારોએ તેમના અદ્દભૂત પરફોર્મન્સથી ચાર ચાંદ લગાવી દીધા હતા. મહેમાનો તેમની ધૂન પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. સૌથી અનોખી વાત એ હતી કે જાનમાં સામેલ બકરા અને વાંદરાઓએ પણ લોકગીતોની ધૂન પર ડાન્સ કર્યો હતો. આ અદ્ભુત નજારો જોઈને બધા ખુશ થઈ ગયા હતા. જાનનો નજારો એટલો ભવ્ય હતો કે, રસ્તાની બંને તરફ લોકો પોતાના મોબાઈલ કેમેરા લઈને આખી જાનનો વીડિયો કેદ કરવાનું ચૂક્યા ન હતા.

જાનમાં ડાન્સિંગ કાર પણ જોવા મળી
આ જાન દિલ્હીથી લક્ઝરી કારમાં આવી હતી, જેમાં ડાન્સિંગ કાર પણ સામેલ હતી. વર પક્ષના લોકોએ જણાવ્યું કે લગ્નની જાનનો તમામ ખર્ચ વરરાજાએ ઉઠાવ્યો હતો. વર સાહિલ દિલ્હીમાં પ્રોપર્ટી ખરીદ-વેચાણનું કામ કરે છે. કન્યા બબીતાના પિતા ડીગ નગરપાલિકામાં સ્વચ્છતા કાર્યકર તરીકે કામ કરે છે.

જાનમાં 12 ડીજે બેન્ડ જોડાયા, ધાબાઓ પર લોકો ઉમટી પડ્યાં
સામાન્ય જાનમાં એક ડીજે બેન્ડ જોવા મળતું હોય છે, પરંતુ દલિત પરિવારના સાહિલની આ જાનમાં 12 ડીજે બેન્ડ જોડાયા હતા. આ નજારો જોવા માટે લોકો ધાબાઓ પર કડકડતી ઠંડીમાં પણ ઉમટી પડ્યા હતા. સામાજિક માળખું અને અસામાજિક તત્વોની આશંકાને ધ્યાનમાં રાખીને જાન માટે વિશેષ પોલીસ દળ પણ તૈનાત કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વહીવટીતંત્ર સંપૂર્ણપણે સતર્ક રહ્યું હતું. મુખ્ય બજાર અને દલિત વસ્તી તરફ જતા રસ્તા પર લોકોની ભીડ એટલી બધી હતી કે લોકો રસ્તા પર અને ઘરોની છત પર પણ ઉભા રહીને જાનનો આનંદ માણ્યો હતો.

સામાજિક સંદેશ સાથે આનંદનું વાતાવરણ
આ લગ્ને માત્ર સામાજિક સીમાઓને જ પડકારી નથી પરંતુ સમાજમાં એકતા અને સંવાદિતાનો સંદેશો પણ આપ્યો છે. સાહિલ અને બબીતાના લગ્ન માત્ર એક પ્રસંગ નહીં પરંતુ દલિત સમાજના સશક્તિકરણનું અને પરંપરાઓને નવા સ્વરૂપમાં રજૂ કરવાનું પ્રતીક બની ગયા હતા. તેમના આ અનોખા લગ્નના વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ફરી રહ્યાં છે અને લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ ચાંદખેડામાં મહિલાઓ દ્વારા પેટાજાતિવાદ તોડતા અનોખા સમૂહલગ્ન યોજાયા


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.