પ્રક્રિયા અઘરી બનતા સેંકડો ગરીબ બાળકો શિષ્યવૃત્તિ નહીં મેળવી શકે

ગરીબ વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિની  પ્રક્રિયા સરકારે અત્યંત અઘરી બનાવી દીધી છે. પરિણામે સરકારી શાળામાં ભણતા બાળકો તેનાથી વંચિત રહે તેવી સ્થિતિ પેદા થઈ છે.

પ્રક્રિયા અઘરી બનતા સેંકડો ગરીબ બાળકો શિષ્યવૃત્તિ નહીં મેળવી શકે
image credit - Google images

રાજ્યની સરકારી શાળાઓમાં ભણતા લાખો ગરીબ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ મેળવવી લોઢાના ચણાં ચાવવા જેવી અઘરી બનાવી દેવાઈ છે. ગરીબ બાળકોએ શિષ્યવૃત્તિ માટે ફરજિયાત બેંક એકાઉન્ટ ખોલાવવું પડે છે, તેના માટે પાછું આધારકાર્ડ હોવું જરૂરી છે. આધારકાર્ડ માટે પાછા સરકારી કચેરીના ધક્કા ખાવા પડે છે, એ પછી બેંકમાં ખાતું ખોલાવવા લાઈનમાં ઉભા રહો. એમાં જો કોઈ ડોક્યુમેન્ટ ખૂટે તો પાછી કોઈ કચેરીના ધક્કા ખાવા પડે છે. આટલી પ્રક્રિયા પછી બેંકમાં સ્કોલરશીપ કરતા વધુ રકમ તો ડિપોઝિટ તરીકે રાખવી પડે છે. આ આખી જટિલ પ્રક્રિયાને કારણે વાલીઓ સ્કોલરશીપ મેળવવાનું જ છોડી દે છે. જાણકારો આને એક ષડયંત્ર તરીકે જોઈ રહ્યાં છે. સૂત્રો તો ત્યાં સુધી કહે છે કે, સરકાર શિષ્યવૃત્તિની પ્રક્રિયા અઘરી બનાવીને ગરીબ વાલીઓને તેના તરફથી વિમુખ કરી દેવા માંગે છે. તેના માટે પ્રક્રિયા જટિલ બનાવી દેવાઈ છે. હાલ સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ધો. 1થી 5ના વિદ્યાર્થીઓને 1650 રૂપિયા અને ધો. 6 થી 8ના વિદ્યાર્થીઓને 1950 રૂપિયા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. જેની ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરવાની હોય છે. પરંતુ શિષ્યવૃત્તિ મેળવાની પ્રક્રિયા એટલી અઘરી છે કે વધુને વધુ વાલીઓ તેનાથી વિમુખ થઈ રહ્યાં છે.

શિષ્યવૃત્તિ મેળવવા શું પ્રક્રિયા કરવાની હોય છે?

શિષ્યવૃત્તિ મેળવવાની દરખાસ્ત કરવા માટે સૌથી પહેલા વિદ્યાર્થીએ બેંકમાં ખાતું ખોલાવવું પડે છે અને તેના માટે આધારકાર્ડ હોવું ફરજિયાત છે. વિદ્યાર્થી અને વાલી આધાર કાર્ડ કઢાવવા માટે અનેક ધક્કા ખાય, લાઇનમાં ઊભા રહે પછી આધાર કાર્ડ નીકળે છે. ત્યારબાદ ખાતું ખોલાવવા માટે બેંકના ધક્કા શરૂ થાય છે. વિદ્યાર્થીનું ખાતું બેંક દ્વારા ખોલી આપવામાં આવતું નથી. ઘણાં બધા પ્રયત્નો પછી વિદ્યાર્થી 5 હજાર જેટલી રકમ ખાતામાં ડિપોઝીટ રાખે ત્યારે ખાતું ખોલી આપવામાં આવે છે. 

શાળા કક્ષાએ ડિજીટલ પોર્ટલમાં દરખાસ્ત કરવા આવક અને જાતિનો દાખલો કઢાવવાનો હોય છે. ત્યારબાદ શાળાના આચાર્ય દરખાસ્ત કરે જેમાં વિદ્યાર્થીનું ધોરણ, પૂરું નામ, માતાનું નામ અને જન્મ તારીખ, જિલ્લો, તાલુકો વસાહત, ઘરનું સરનામું, પીનકોડ, માતા-પિતાનો વ્યવસાય, કોમ્યુનિટી, કાસ્ટ, ધર્મ, શારીરિક ખોડ ખાંપણ, કુટુંબની આવક, વાલીનો મોબાઇલ નંબર, વિદ્યાર્થીના ટકા, હાજરીના દિવસ, બીપીએલ નંબર, વિદ્યાર્થીનું આધાર સ્ટેટ, આધાર નંબર અને રેશન કાર્ડ નંબર, આધાર બેંકના કેવાયસીની વિગતો વગેરે અપલોડ કરવાની  હોય છે. જો આધાર કાર્ડ અપડેટેડ હોય, રેશનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક હોય તો જ અરજી સબમિટ થાય છે. નહીંતર આધારકાર્ડ અપડેટ માટે ફરીથી આધારની પ્રક્રિયા કરવી પડે છે. ટૂંકમાં આખી પ્રક્રિયા એટલી જટિલ બનાવી દેવાઈ છે કે, વિદ્યાર્થીના વાલી કંટાળીને શિષ્યવૃત્તિ લેવાનું જ માંડી વાળે.

ઓનલાઈન KYCની પ્રક્રિયા પણ ભારે જટિલ

મોદી સરકારે પોતાના શાસન દરમિયાન ડિજિટલ ઈન્ડિયાનો નારો આપ્યો છે. પણ ગુજરાતના મોટાભાગની સરકારી કચેરીઓમાં ‘સર્વર ડાઉન છે’ વાક્ય કાયમી બની ગયું છે. ગુજરાતની મોટાભાગની સરકારી કચેરીઓમાં થતી ઓનલાઈન કામગીરી ધીમા ઈન્ટરનેટ અને ડાઉન સર્વરના કારણે કંટાળાજનક બની જાય છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં SC વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિમાં આવકમર્યાદા વધારવાની જાહેરાતનો હજુ સુધી અમલ નથી થયો

શિષ્યવૃત્તિ માટે જે સાઈટ પર અરજી કરવાની હોય છે તે ડિજિટલ ગુજરાતની સાઇટ ધીમી ચાલતી હોવાથી તેમાં વારંવાર એરર આવતી હોય છે. વહેલી સવારે શિષ્યવૃત્તિ દરખાસ્ત કરીએ ત્યારે એક કલાકમાં માંડ 10 જેટલી એન્ટ્રી થઈ શકે છે. અત્યાર સુધીમાં માંડ 40 ટકા બાળકોની દરખાસ્ત થયેલ છે. એમાં વળી, E-KYC ન હોય તો દરખાસ્ત થતી નથી. E-KYC કરવા માટેની પ્રક્રિયા પણ ખૂબ જ જટિલ છે. જેમાં PDS+ ઍપ્લિકેશનમાં શિક્ષકો એપ ઓપન કરે એટલે વિદ્યાર્થીના વાલીના મોબાઇલમાં OTP આવે છે, તેને જનરેટ કર્યા બાદ આધાર KYC કરે છે. સૂચનાઓ વાંચીને રેશન કાર્ડ નંબર દાખલ કરવામાં આવે છે, ફરી વાલીના મોબાઇલ નંબરમાં OTP આવે છે.  રેશન કાર્ડમાં જેટલા મેમ્બર હોય એટલા શો થાય એમાં જે વિદ્યાર્થીનું E-KYC બાકી હોય એના નામ પર ટીક કરવાથી ફોટો કેપ્ચર કરવાનો, ફોટો કેપ્ચર કરવા ફરી પાછો OTP આવે તે દાખલ કરવામાં આવે છે. ત્યારબાદ ફોટો કેપ્ચર કરવામાં પણ સમય લાગે, ફોટો કેપ્ચર થયા બાદ વિદ્યાર્થીની આધાર વિગતો ખૂલે એમાં ટીક કરી સબમિટ ફોર એપ્રુવલ આપીએ ત્યારે E-KYC પૂર્ણ થાય છે અને વિદ્યાર્થીની શિષ્યવૃત્તિની દરખાસ્ત સબમિટ થાય છે. 

આટલી બધી લાંબી પ્રક્રિયાથી વાલીઓ કંટાળી જાય છે. મોટાભાગના વાલીઓ એવી સ્થિતિમાં હોય છે જેઓ પોતાનું કામ છોડીને શિષ્યવૃત્તિ માટેની પ્રક્રિયા કરવા જતા હોય છે. પણ પ્રોસેસમાં દિવસોના દિવસો નીકળી જતા હોવાથી આખરે તેઓ કંટાળીને શિષ્યવૃત્તિ જતી કરી દેવા મન બનાવી લે છે.

સ્થિતિ એવી પેદા થઈ છે કે, જે શિષ્યવૃત્તિનો હેતુ વિદ્યાર્થીને ભણતરમાં મદદરૂપ થવાનો હતો તે વાલીઓ અને શિક્ષકો માટે બોજો બની ગઈ છે. એક સમયે શિષ્યવૃત્તિ વિદ્યાર્થીનું ભવિષ્ય બનાવતી હતી, પણ આજે સ્થિતિ એવી પેદા થઈ છે કે, શિષ્યવૃત્તિના લીધે વિદ્યાર્થીઓનું ભણતર બગડે છે.

આ પણ વાંચો: અનામત કેટેગરીના વિદ્યાર્થીઓની સ્કોલરશીપ પડાવી લેવાનું કૌભાંડ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • જે.ડી.વાઘેલા
    જે.ડી.વાઘેલા
    આ તો 2014 થી ચાલી રહ્યું છે
    11 days ago