વસ્ત્રાપુરના સૂર્યનગરમાં આગને કારણે બેઘર થયેલા બહુજન વાલ્મિકી પરિવારોની મદદે આવ્યા સમાજના યુવાનો
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ પાસે આવેલા સૂર્યનગરના છાપરામાં થોડા દિવસ પહેલા આગ લાગતા વાલ્મિક સમાજના અનેક પરિવારો બેઘર થઈ ગયા હતા. અણધારી આ દુર્ઘટનાથી આ પરિવારો પર આભ તૂટી પડ્યું હતું અને તેઓ રસ્તા પર આવી ગયા હતા. એવામાં બહુજન સમાજના યુવાનોનું એક ગ્રુપ તેમની વ્હારે આવ્યું છે.
કહેવાય છે કે, સમાજનું હિત જેના હૈયે વસતું હોય તે વ્યક્તિ સ્થળ, કાળ જોયા વિના મદદે પહોંચી જતો હોય છે. આવું જ કામ અમદાવાદના બહુજન સમાજના એક યુવાનોના ગ્રુપે કર્યું છે.
સૂર્યનગરના છાપરામાં બેઘર થયેલા વાલ્મિકી પરિવારોની મદદે બહુજન સમાજના યુવાનોનું એક ગ્રુપ આવ્યું હતું અને આ પરિવારોને અનાજ, કરિયાણાની કીટ, કપડાં, સ્ટીલના વાસણો, કુકર, પ્લાસ્ટિકની ડોલ, ટબ, કેરબો, તબડકા, સફાઈના સાધનો જેવી જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ લાવી આપીને ટેકો કર્યો હતો.
.
આ ગ્રુપના એક સભ્ય ભરત મંજુલાબહેને Khabarantar.comને જણાવ્યું હતું કે, “સૂર્યનગરના છાપરામાં થોડા દિવસ પહેલા આગ લાગી હતી. અહીં વાલ્મિકી સમાજના પરિવારો વસે છે. આગમાં તેમના ઘરને ભારે નુકસાન થયું હતું અને ઘરવખરી બળી ગઈ હતી.
આ કપરી પરિસ્થિતિમાં અમે તેમને મદદ કરવાનું નક્કી કર્યું હતું. અને આ ગરીબ પરિવારોના દુઃખમાં સહભાગી થવા માટે અમારા ગ્રુપના લોકોને વાત કરી હતી. સૌએ પોતપોતાની નૈતિક જવાબદારી સમજીને આ પરિવારોને મદદ કરી હતી. અને આ પરિવારોને જીવનજરૂરિયાતની તમામ વસ્તુઓ લાવી આપીને તેમને નવેસરથી જીવન જીવવા માટે એક નાનકડો પ્રયત્ન કર્યો હતો.
આ કાર્યમાં અનેક કાર્યકરમિત્રો, સામાજિક અને સેવાભાવી સંસ્થાઓ, સંગઠનો, કાર્યકરોએ રાત દિવસ જોયા વિના ખડે પગે મહેનત કરી હતી. અમે આ પરિવારોની જરુરિયાતને ધ્યાનમાં રાખીને અનાજ-કરિયાણાની કીટો બનાવી તેમને વહેંચી હતી. આ સિવાય બીજી જીવનજરૂરી ચીજવસ્તુઓ પણ આપી હતી.”
ઉલ્લેખનીય છે કે, બહુજન સમાજના યુવાનોનું આ ગ્રુપ સમાજને મદદ કરવા માટે છેલ્લાં ઘણાં સમયથી સક્રિય રીતે કામ કરે છે. આ ટીમમાં ભરત મંજુલાબેન ઉપરાંત, રાકેશ મહેરિયા, ભરત ચૌહાણ, હિતેન્દ્ર પીઠડિયા, પ્રશાંત સોયંતર, ચેતન રાઠોડ, પંકજ રાઠોડ, રાકેશ લકુમ, રાજેન્દ્ર વ્યાસકર, અભયપુત્ર બૌદ્ધ, ઉમેશ પરમાર, દીક્ષિત પરમાર, રાકેશ સૂર્યવંશી અને ભાવેશ પરમારનો સમાવેશ થાય છે. સમાજ માટે કંઈક કરી છુટવાની ભાવના ધરાવતા આ યુવાનો બહુજન સમાજને કોઈપણ પ્રકારની મદદ કરવા માટે કાયમ તત્પર રહે છે. સૂર્યનગરના છાપરાના વાલ્મિકી પરિવારો આજે આ યુવાનો આશિર્વાદ આપતા થાકતા નથી. ભરતભાઈ અને તેમના ગ્રુપમાંથી સમાજના અન્ય યુવાનો પણ પ્રેરણા મેળવે તે વર્તમાનની જરુરિયાત છે.