સુપ્રીમ કોર્ટે યુપી, રાજસ્થાનમાં બુલડોઝર કાર્યવાહી સામેની અરજી ફગાવી
કોર્ટે એમ કહીને અરજી ફગાવી કે તે નેશનલ ફેડરેશન ઑફ ઈન્ડિયન વુમન દ્વારા કરાઈ છે, જે બુલડોઝરની કાર્યવાહીની પક્ષકાર નથી.
સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં પ્રતિબંધ હોવા છતાં થઈ રહેલી બુલડોઝરની કાર્યવાહી સામે દાખલ કરવામાં આવેલી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજીને ફગાવી દીધી છે. ખંડપીઠે કોર્ટમાં દાખલ કરાયેલી અરજીને એમ કહીને ફગાવી દીધી હતી કે તે ત્રીજા પક્ષ વતી દાખલ કરવામાં આવી હતી. જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે કહ્યું કે આ અરજી નેશનલ ફેડરેશન ઑફ ઈન્ડિયન વુમન દ્વારા દાખલ કરવામાં આવી છે અને તે બુલડોઝરની કાર્યવાહીનો પક્ષકાર નથી તેથી આ અરજી ફગાવી દેવામાં આવે છે.
ત્રણ જજની બેન્ચે કહ્યું, 'તમે ત્રીજા પક્ષકાર છો. તમને શું વાંધો છે? અસરગ્રસ્ત પક્ષોને આ મામલે આગળ આવવા દો. અમે તેમને સાંભળીશું. જો આવા કેસોની સુનાવણી શરૂ થશે તો અરજીઓનું પૂર આવશે.
અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, ત્રણેય રાજ્યોમાં હજુ પણ બુલડોઝરની કાર્યવાહી ચાલી રહી છે, જ્યારે કોર્ટે આદેશ આપ્યો હતો કે કોઈપણ સંજોગોમાં આરોપીઓ સામે આવી કાર્યવાહી કરતા પહેલા કોર્ટની મંજૂરી લેવી જોઈએ. અરજીમાં હરિદ્વાર, કાનપુર અને જયપુરની ત્રણ ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે ત્રણેય જિલ્લાના કલેક્ટરને પક્ષકાર બનાવવામાં આવે.
અરજીમાં વધુમાં કહેવામાં આવ્યું હતું કે, રાજ્ય વહીવટીતંત્ર ભલે આ બાંધકામો ગેરકાયદે હોવાનું કહેતું હોય, પરંતુ કોર્ટે આપેલા આદેશ મુજબ મંજૂરી લેવી જરૂરી હતી. કોઈના ઘર પર આ પ્રકારની કાર્યવાહી કરી શકાય નહીં. કોર્ટે પોતાના આદેશમાં માત્ર એ દબાણો પર જ કાર્યવાહી કરવાની મંજૂરી આપી હતી જે જાહેર સ્થળો, રસ્તાઓ, ફૂટપાથ, રેલ્વે લાઇનની પાસે અને જળાશયોની નજીક કોર્ડન કરીને કરવામાં આવ્યા હોય.
કોર્ટે અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરતા કહ્યું કે જે લોકો આ અરજીને રજૂ કરી રહ્યા છે તે વાસ્તવિક પક્ષકારો નથી. આ મામલામાં યુપી સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ કેએમ નટરાજે કહ્યું હતું કે આ અરજી તથ્યોની વિરુદ્ધ છે અને માત્ર મીડિયાના અહેવાલોના આધારે દાખલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: સોમનાથમાં બુલડોઝર કાર્યવાહી પ્રતિબંધ મૂકવા સુપ્રીમનો ઈનકાર